લાઈફ ઈન્સ્યોરન્સ લેનારાઓ માટે ખુશખબર! IRDAIના નવા નિયમથી ગ્રાહકોને મળશે 1% સુધી વધુ રિટર્ન, એજન્ટોના કમિશન પર લાગશે કાપ | Moneycontrol Gujarati
Get App

લાઈફ ઈન્સ્યોરન્સ લેનારાઓ માટે ખુશખબર! IRDAIના નવા નિયમથી ગ્રાહકોને મળશે 1% સુધી વધુ રિટર્ન, એજન્ટોના કમિશન પર લાગશે કાપ

IRDAI new guidelines: લાઈફ ઈન્સ્યોરન્સ ગ્રાહકો માટે મોટા સમાચાર! IRDAIના નવા ડ્રાફ્ટ મુજબ કંપનીઓના મેનેજમેન્ટ ખર્ચ અને એજન્ટ કમિશનમાં ઘટાડો થશે, જેથી ગ્રાહકોને પોલિસી પર 1% સુધી વધુ રિટર્ન મળશે.

અપડેટેડ 10:19:00 AM Oct 01, 2026 પર
Story continues below Advertisement
નવા ડ્રાફ્ટ મુજબ, વીમા નિયામકે ઈન્સ્યોરન્સ કંપનીઓના ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ, એજન્ટોને અપાતું કમિશન અને કંપનીના મેનેજમેન્ટ ખર્ચ (EoM) ની મર્યાદા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

IRDAI new guidelines: જીવન વીમાની પારંપરિક સેવિંગ્સ પોલિસીમાં રોકાણ કરતા કરોડો ગ્રાહકો માટે એક મોટા અને રાહતના સમાચાર છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (IRDAI) એ તાજેતરમાં જ એક નવો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવા ડિસ્ટ્રિબ્યુશન રિફોર્મ્સ લાગુ થયા પછી, તમારી સેવિંગ્સ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ પર મળતું રિટર્ન 1 ટકા 100 બેસિસ પોઈન્ટ્સ સુધી વધી શકે છે.

શા માટે વધશે રિટર્ન?

નવા ડ્રાફ્ટ મુજબ, વીમા નિયામકે ઈન્સ્યોરન્સ કંપનીઓના ડિસ્ટ્રિબ્યુશન ખર્ચ, એજન્ટોને અપાતું કમિશન અને કંપનીના મેનેજમેન્ટ ખર્ચ (EoM) ની મર્યાદા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીઓ પોતાના ખર્ચમાં જે કાપ મૂકશે, તેની સીધી બચતનો ફાયદો ગ્રાહકોને વધારે મેચ્યોરિટી રકમ અને સારા રિટર્નના રૂપમાં મળશે.

મેનેજમેન્ટ ખર્ચ ઘટાડવાનો પ્લાન

IRDAIના કન્સલ્ટેશન પેપર મુજબ, વીમા કંપનીઓના ખર્ચને તબક્કાવાર ઘટાડવાનું આયોજન છે:


FY29 સુધી: આગામી બે વર્ષમાં જીવન વીમા કંપનીઓ માટે EoM ની લિમિટ ઘટાડીને 15 ટકા કરવામાં આવશે.

FY32 સુધી: આગામી પાંચ વર્ષમાં તેને વધુ ઘટાડીને 12.5 ટકા પર લાવવામાં આવશે.

અગાઉ 2023માં IRDAI એ ખર્ચ માટે એક સામાન્ય લિમિટ આપી હતી, પરંતુ હવે ગ્રાહકોના હિતમાં આ મર્યાદાને વધુ કડક બનાવવામાં આવી રહી છે.

ગ્રાહકોના રિટર્નમાં કેટલો મોટો ફાયદો થશે?

હાલમાં પારંપરિક સેવિંગ્સ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીમાં સરેરાશ 5 થી 6 ટકાનું વાર્ષિક રિટર્ન મળે છે. એક્સપર્ટ્સના મતે નવા નિયમો પછી તેમાં જબરદસ્ત ઉછાળો આવશે:

5 વર્ષ PPT અને 10 વર્ષની પોલિસી (5-Year PPT / 10-Year Term)

આ પોલિસીના રિટર્ન (IRR) માં 0.8% થી 1% નો સુધારો જોવા મળશે. ઉદાહરણ તરીકે, જો 35 વર્ષની વ્યક્તિ 5 વર્ષ સુધી દર વર્ષે 1 લાખ રૂપિયા પ્રીમિયમ ભરે છે, તો 10માં વર્ષે તેને મળતી મેચ્યોરિટી રકમ 6.5 લાખથી વધીને 7.1 લાખ રૂપિયા થઈ જશે. એટલે કે ગ્રાહકને 60,000 રૂપિયાનો સીધો વધારાનો ફાયદો થશે.

10 વર્ષ PPT અને 20 વર્ષની પોલિસી (10-Year PPT / 20-Year Term)

આમાં રિટર્નમાં 0.5% થી 0.6% નો સુધારો થશે. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવે છે, તો 20 વર્ષ પછી મળતી મેચ્યોરિટી રકમ 22.25 લાખથી વધીને અંદાજે 24.5 લાખ રૂપિયા થઈ શકે છે. અહીં પોલિસીધારકને સીધો 2.25 લાખ રૂપિયાનો વધારાનો લાભ મળશે.

એજન્ટ કમિશન માટે રજૂ કરાયેલા નવા નિયમો

IRDAI એ પ્રીમિયમ ચૂકવણીની મુદત (PPT) ના આધારે પહેલા વર્ષના કમિશનની નવી મર્યાદાઓ નક્કી કરી છે:

5 વર્ષથી ઓછી PPT: ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટી (કંપનીઓ) માટે મહત્તમ કમિશન 5% અને એજન્ટો માટે 6.25% રહેશે.

5 વર્ષની PPT: ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટી માટે 10% અને એજન્ટો માટે 12.5% કમિશન નક્કી કરાયું છે.

6 થી 8 વર્ષની PPT: ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટી માટે 14% અને એજન્ટો માટે 17.5% કમિશનની ભલામણ છે.

9 વર્ષની PPT: આ સમયગાળા માટે ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટીને 18% અને એજન્ટોને 22.5% કમિશન મળશે.

10 વર્ષ કે તેથી વધુ PPT: લાંબા ગાળાની પોલિસીમાં ડિસ્ટ્રિબ્યુશન એન્ટિટી માટે મહત્તમ 20% અને એજન્ટો માટે 25% કમિશનની મર્યાદા રાખવાનો પ્રસ્તાવ છે.

સરળ શબ્દોમાં કહીએ તો, એજન્ટો અને કંપનીઓ પાછળ થતા વધારાના ખર્ચને હવે કાપવામાં આવશે અને તે પૈસા સીધા પોલિસી લેનાર ગ્રાહકોના ખિસ્સામાં જશે.

આ પણ વાંચો- 50 વર્ષની ઉંમરે પોતાનું ઘર ખરીદવું કે ભાડાના મકાનમાં રહેવું? જાણો ફાઇનાન્સ એક્સપર્ટ્સની સાચી સલાહ

(ખાસ નોંધ: આ હાલમાં એક ડ્રાફ્ટ કન્સલ્ટેશન પેપર છે, વીમા ઇન્ડસ્ટ્રી પાસેથી ફીડબેક મળ્યા બાદ ફાઇનલ દરોમાં થોડો ઘણો ફેરફાર થવાની શક્યતા છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 10:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.