ફાઇનાન્સ એક્સપર્ટ્સ માને છે કે, જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો, તો 50 વર્ષ પછી તમારું પૂરું ધ્યાન 'રિટાયરમેન્ટ પ્લાનિંગ' પર હોવું જોઈએ.
પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે આ સપનું પૂરું કરવું થોડું મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની આસપાસ હોય અને તે હોમ લોન લઈને ઘર ખરીદવાનું વિચારતો હોય. આવા સમયે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે, શું નોકરી કરતા 50 વર્ષના વ્યક્તિએ નવું ઘર ખરીદવું જોઈએ કે પછી ભાડાના ઘરમાં રહેવું વધુ યોગ્ય છે? ચાલો સમજીએ આર્થિક નિષ્ણાતો આ વિશે શું કહે છે.
હોમ લોન મેળવવામાં આવે છે મુશ્કેલી
સામાન્ય રીતે લોકો ઘર ખરીદવા માટે 15 થી 20 વર્ષના લાંબા ગાળાની હોમ લોન લેતા હોય છે. પરંતુ જો તમારી ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે, તો બેન્કો લાંબા ગાળાની લોન આપતા ખચકાય છે.બેન્ક લોન પાસ કરતા પહેલા તમારી નિવૃત્તિની ઉંમર જુએ છે. નાની ઉંમરે લોન સરળતાથી મળે છે, પરંતુ મોટી ઉંમરે બેન્કો અનેક શરતો મૂકે છે. ઘણીવાર બેન્ક મકાનની કિંમત કરતા ઘણી ઓછી લોન પાસ કરે છે, જેના કારણે તમારે ખિસ્સામાંથી મોટું 'ડાઉન પેમેન્ટ' ચૂકવવું પડે છે.
માથે હોય છે અનેક કૌટુંબિક જવાબદારીઓ
45 થી 50 વર્ષની ઉંમર જીવનનો એવો પડાવ છે જ્યાં વ્યક્તિ પર આર્થિક જવાબદારીઓ સૌથી વધુ હોય છે.
બાળકોનો ઉચ્ચ અભ્યાસ (હાયર એજ્યુકેશન)
બાળકોના લગ્નનો ખર્ચ
વૃદ્ધ માતા-પિતાની દેખભાળ અને મેડિકલ ખર્ચ
આવા સમયે માથે મોટી હોમ લોનની EMIનો બોજ નાખવો આર્થિક બજેટ ખોરવી શકે છે.
રિટાયરમેન્ટ પ્લાનિંગ પર ધ્યાન આપવું છે જરૂરી
ફાઇનાન્સ એક્સપર્ટ્સ માને છે કે, જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો, તો 50 વર્ષ પછી તમારું પૂરું ધ્યાન 'રિટાયરમેન્ટ પ્લાનિંગ' પર હોવું જોઈએ. નિવૃત્તિ પછી દર મહિને આવતો પગાર બંધ થઈ જાય છે. આવા સમયે તમારું રિટાયરમેન્ટ ફંડ જ કામ આવે છે. ભારતમાં મોટાભાગના લોકો રિટાયરમેન્ટ વિશે બહુ મોડું વિચારવાનું શરૂ કરે છે, જે ભવિષ્યમાં મોટી તકલીફ ઊભી કરે છે.
ભાડાનું મકાન કેમ છે સારો વિકલ્પ?
આવા સંજોગોમાં ભાડાના ઘરમાં રહેવું વધુ સ્માર્ટ અને પ્રેક્ટિકલ નિર્ણય સાબિત થઈ શકે છે. તેના મુખ્ય ફાયદા નીચે મુજબ છે,,તમારા પર લાંબા ગાળાની હોમ લોન અને વ્યાજ ચૂકવવાનું કોઈ ટેન્શન રહેતું નથી. તમે તમારી વર્તમાન જરૂરિયાત અને આર્થિક ક્ષમતા પ્રમાણે નાનું કે મોટું ઘર પસંદ કરી શકો છો. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ તમે તમારા મનપસંદ શહેરમાં કે વતનમાં જઈને રહેવાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો.