Ajit Pawar Plane Crash: નસીબ જ્યારે ખેલ ખેલે છે ત્યારે માણસની તમામ ગણતરીઓ ઊંધી પડી જાય છે. હાલમાં જ બારામતીમાં થયેલી અજિત પવારની પ્લેન ક્રેશની ઘટનાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. પરંતુ આ દુર્ઘટનામાં એક એવી બાબત સામે આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. તે છે '11' નંબરનો વિચિત્ર સંયોગ! છેલ્લા 7 મહિનામાં દેશમાં બે મોટી વિમાન દુર્ઘટનાઓ સર્જાઈ છે, અને બંનેમાં આ 11 નંબરની ભૂમિકા રહસ્યમય રહી છે.
અમદાવાદમાં 'લકી' તો બારામતીમાં 'કાળ' બન્યો 11 નંબર
વાત કરીએ થોડા સમય પહેલાની, એટલે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશની. આ દુર્ઘટનામાં 241 જેટલા મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જોકે, આ મોતનાં તાંડવ વચ્ચે પણ એક ચમત્કાર થયો હતો. કુમાર રમેશ નામનો એક મુસાફર આ દુર્ઘટનામાં જીવતો બચી ગયો હતો. જાણો છો કેમ? કારણ કે તે સીટ નંબર 11A પર બેઠો હતો. ત્યાં 11 નંબર તેના માટે જીવનદાન સાબિત થયો હતો.
પરંતુ, કુદરતની કરામત જુઓ! બારામતીમાં આ જ 11 નંબર અમંગળ સાબિત થયો. અજિત પવારનું વિમાન જે એરસ્ટ્રીપ પર ઉતરવાનું હતું, તે રનવેનો નંબર 11 હતો. અંતે આ 11 નંબરના રનવે પર ઉતરાણ કરતી વખતે જ વિમાન કાળનો કોળિયો બની ગયું.
દુર્ઘટનાની છેલ્લી મિનિટોમાં શું થયું હતું?
તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ, મુંબઈથી સવારે 8:10 વાગ્યે ઉડાન ભર્યા પછી પ્લેન સતત કંટ્રોલ રૂમ (ATC)ના સંપર્કમાં હતું. પરંતુ છેલ્લી પળોમાં જે બન્યું તે ધબકારા વધારી દે તેવું હતું:
સવારે 8:18 વાગ્યે: પાયલોટે લેન્ડિંગની કોશિશ કરી, પરંતુ વાતાવરણ ધૂંધળું હોવાને કારણે કંઈ દેખાયું નહીં. આથી ATC એ પ્લેનને લેન્ડ કરવાને બદલે હવામાં એક ચક્કર (Go-around) લગાવવા કહ્યું.
સવારે 8:43 વાગ્યે: ATCએ બીજી વાર પાયલોટને પૂછ્યું કે 'શું તમને રનવે દેખાય છે?'. પાયલોટે હા પાડી અને લેન્ડિંગની મંજૂરી મળી ગઈ.
સવારે 8:45 વાગ્યે: રનવે નંબર 11 પર વિમાન ઉતરવા જઈ રહ્યું હતું, પણ અચાનક સંતુલન બગડ્યું અને રનવેથી માત્ર 50 મીટર દૂર આવેલી 100 ફૂટ ઊંડી ખીણમાં પ્લેન ખાબક્યું.
સવારે 8:46 વાગ્યે: એક પ્રચંડ ધડાકો થયો અને વિમાન આગની લપેટમાં આવી ગયું. નવાઈની વાત એ છે કે પાયલોટ તરફથી કોઈ પણ 'બચાવો'નો મેસેજ કે 'મે-ડે' (Mayday) કોલ આવ્યો ન હતો.
બારામતી એરપોર્ટ અને પાયલોટની કસોટી
બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવું એ પાયલોટ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. આ રનવે એક 'ટેબલટોપ' રનવે છે, એટલે કે તે જમીનથી 20-30 મીટર ઊંચાઈ પર એક ટેબલની જેમ બનેલો છે. અહીં સૌથી મોટી મુશ્કેલી એ છે કે અહીં ILS (ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ)નથી. સામાન્ય રીતે ખરાબ હવામાનમાં ILS પાયલોટને રસ્તો બતાવે છે, પણ અહીં પાયલોટે પોતાની નજર અને અનુભવ પર જ ભરોસો રાખવો પડે છે. કમનસીબે, આ વખતે આ અંદાજ ખોટો પડ્યો.
અનુભવી પાયલોટ છતાં આ કરુણ અંજામ કેમ?
દુર્ઘટનાગ્રસ્ત થયેલું પ્લેન 'બોમ્બાર્ડિયર લિયર જેટ 45' હતું, જે 12 વર્ષ જૂનું હતું. તેને ઉડાવી રહેલા કેપ્ટન સુમિત કપૂર પાસે 16,000 કલાકનો અને કો-પાયલોટ શાંભવી પાઠક પાસે 1,500 કલાકનો બહોળો અનુભવ હતો. આટલા કાબેલ પાયલોટ હોવા છતાં છેલ્લી 3 મિનિટમાં શું થયું તે હજુ એક કોયડો છે.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે અથડામણ બાદ વિમાનના ત્રણ ટુકડા થઈ ગયા હતા અને તે બળીને ખાખ થઈ ગયું હતું. દુર્ઘટના એટલી ભીષણ હતી કે અજિત પવારની ઓળખ માત્ર તેમના હાથમાં પહેરેલી ઘડિયાળ પરથી જ થઈ શકી હતી. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ નિયતિ આગળ બધું જ લાચાર છે.