એમેઝોનની ઐતિહાસિક 30,000 નોકરીઓની છટણીમાં ભારતમાં 800-1000 કર્મચારીઓ પર અસર.
Amazon layoffs India: એમેઝોન વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીએ ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ગ્લોબલ લેવલ પર 30,000 નોકરીઓ કાપવાની જાહેરાત કરી છે, જે તેના કુલ 3,50,000 કોર્પોરેટ કર્મચારીઓના 10 ટકા જેટલી છે. આ છટણીની પ્રક્રિયા 28 ઓક્ટોબર, 2025થી શરૂ થઈ ગઈ છે અને તેની અસર ભારત પર પણ સીધી પડી રહી છે.
ભારતમાં 800થી 1000 કર્મચારીઓની નોકરી જઈ શકે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં 800થી 1000 કર્મચારીઓની નોકરી જઈ શકે છે. આ આંકડો હજુ વધી પણ શકે છે. સૌથી વધુ અસર ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સ (HR), માર્કેટિંગ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ પર પડવાની છે. આ ઉપરાંત, ગ્લોબલ રિપોર્ટિંગ સ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોલ્સ પર પણ મોટી કાપ થશે.
છટણીનું સૌથી મોટું કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
આ છટણીનું સૌથી મોટું કારણ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI). એમેઝોન પોતાની ડિલિવરી ચેઇન, ઓપરેશન્સ અને રિપોર્ટિંગમાં AIનો વધુ ઉપયોગ કરી રહી છે, જેના કારણે માનવ સંસાધન પરની નિર્ભરતા ઘટી રહી છે. એટલે કે, જે કામ અત્યારે કર્મચારીઓ કરે છે, તે હવે AI ટૂલ્સ દ્વારા થઈ રહ્યા છે.
અગાઉ પણ એમેઝોને કરી હતી છટણી
આ પહેલાં 2023માં એમેઝોને 27,000 કર્મચારીઓની છટણી કરી હતી, પરંતુ આ વખતની 30,000ની છટણી તેના ઇતિહાસની સૌથી મોટી છે. આમાંથી 14,000 નોકરીઓ કોર્પોરેટ સ્તરની છે. કંપનીના સીઈઓ એન્ડી જેસીએ અગાઉ જ કહ્યું હતું કે એમેઝોન સતત પોતાની સ્ટ્રક્ચરની સમીક્ષા કરતી રહેશે અને જ્યાં જરૂર પડશે, ત્યાં કાપ મૂકશે. આ વખતે આંતરિક મેમો દ્વારા પણ કર્મચારીઓને આ અંગેના સંકેત આપવામાં આવ્યા હતા. એમેઝોને હજુ સુધી આ છટણી અંગે કોઈ આધિકારિક નિવેદન આપ્યું નથી, પરંતુ અંદરખાનેની માહિતી અને મીડિયા રિપોર્ટ્સ આ વાતની પુષ્ટિ કરે છે.
આ સમાચાર ભારતના ટેક અને કોર્પોરેટ સેક્ટર માટે ચિંતાનો વિષય છે, કારણ કે એમેઝોન ભારતમાં હજારો લોકોને રોજગાર આપે છે. AIના વધતા પ્રભાવથી ભવિષ્યમાં આવી છટણીઓ વધુ થવાની શક્યતા છે.