US Defense Budget: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું રક્ષા બજેટ 1.5 ટ્રિલિયન ડોલર કરવાની જાહેરાત કરી છે. જાણો ટ્રમ્પનો 'ડ્રીમ મિલિટરી' પ્લાન અને તેના માટે આટલા બધા પૈસા ક્યાંથી આવશે તેની પૂરી વિગત.
US Defense Budget: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશનું રક્ષા બજેટ 1.5 ટ્રિલિયન ડોલર કરવાની જાહેરાત કરી છે.
US Defense Budget: દુનિયાભરમાં અત્યારે યુદ્ધ અને અશાંતિનો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા પોતાની સૈન્ય તાકાત અનેકગણી વધારવા જઈ રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2027 સુધીમાં અમેરિકાનું રક્ષા બજેટ વધારીને 1.5 ટ્રિલિયન ડોલર કરવામાં આવશે. ટ્રમ્પના મતે, આ બજેટ વધારો એક "ડ્રીમ મિલિટરી" તૈયાર કરવા માટે ખૂબ જ જરૂરી છે.
'ડ્રીમ મિલિટરી' પાછળનો હેતુ શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટા નિર્ણય પાછળનો તર્ક આપતા કહ્યું કે, દુનિયાના હાલના ખતરનાક સમયમાં દેશની સુરક્ષા સૌથી મહત્વની છે. તેમણે કહ્યું કે, "ઘણા સીનેટર્સ, કોંગ્રેસના સભ્યો અને સેક્રેટરી સાથે લાંબી ચર્ચાઓ કર્યા બાદ મેં આ નિર્ણય લીધો છે. 2027 માટે આપણું મિલિટરી બજેટ 1 ટ્રિલિયન ડોલર નહીં, પણ 1.5 ટ્રિલિયન ડોલર હોવું જોઈએ. આ ફંડથી આપણે એક એવી શક્તિશાળી સેના બનાવી શકીશું જેના આપણે હકદાર છીએ. આ સેના દુશ્મનોની પરવા કર્યા વગર આપણને સુરક્ષિત રાખશે."
આટલા બધા પૈસા ક્યાંથી આવશે? ટ્રમ્પે આપ્યો જવાબ
સ્વાભાવિક છે કે લોકોના મનમાં સવાલ થાય કે આટલી મોટી રકમ ક્યાંથી આવશે? તેના જવાબમાં ટ્રમ્પે ટેરિફ એટલે કે આયાત ડ્યૂટીનો ઉલ્લેખ કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ટેરિફ દ્વારા બીજા દેશો પાસેથી અમેરિકાને અઢળક પૈસા મળી રહ્યા છે.
તેમણે જો બાઈડેન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "પહેલા ઘણા દેશોએ અમેરિકાને ખરાબ રીતે લૂંટ્યું હતું, જે હવે બંધ થઈ ગયું છે. ટેરિફથી થતી આવક એટલી જબરદસ્ત છે કે આપણે સરળતાથી 1.5 ટ્રિલિયન ડોલરના આંકડા સુધી પહોંચી શકીએ છીએ. જો આ આવક ન હોત, તો હું કદાચ 1 ટ્રિલિયન ડોલરના બજેટ પર જ અટકી ગયો હોત."
વધુમાં તેમણે ઉમેર્યું કે, અમે માત્ર એક બેજોડ મિલિટરી ફોર્સ જ નથી બનાવી રહ્યા, પરંતુ દેશનું દેવું ચૂકવવા અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક ફાયદો કરાવવા માટે પણ સક્ષમ બની રહ્યા છીએ.
દુનિયાના સૌથી વધુ રક્ષા બજેટ ધરાવતા 5 દેશો
હાલના આંકડાઓ પર નજર કરીએ તો અમેરિકા રક્ષા બજેટના મામલે દુનિયામાં સૌથી આગળ છે. અહીં જુઓ ટોપ-5 દેશોનું ડિફેન્સ બજેટ:
* અમેરિકા: 895 અબજ ડોલર
* ચીન: 266 અબજ ડોલર
* રશિયા: 126 અબજ ડોલર
* ભારત: 75 અબજ ડોલર
* સાઉદી અરેબિયા: 74.76 અબજ ડોલર
જો ટ્રમ્પનું આ પ્લાનિંગ સફળ રહ્યું, તો અમેરિકાનું ડિફેન્સ બજેટ બાકીના દેશોની સરખામણીમાં કલ્પના બહારનું થઈ જશે, જેનાથી વૈશ્વિક સ્તરે અમેરિકાની પકડ વધુ મજબૂત બનશે.