ભારતીય સોલર ઈન્ડસ્ટ્રી પર અમેરિકાની મોટી તરાપ: 126%નો ટેક્સ ઝીંક્યો, આ દેશોને પણ ફટકો
Solar Industry News: અમેરિકાએ ભારતીય સોલર કંપનીઓ પર 126% નો જંગી ટેક્સ (CVD) લગાવવાનો નિર્ણય લીધો છે. જાણો આ નિર્ણયથી મુન્દ્રા સોલર સહિત કઈ કંપનીઓને અસર થશે અને સોલર માર્કેટ પર શું અસર પડશે.
US Tariff on Indian Solar: ભારતીય સોલર ઉદ્યોગ માટે અમેરિકાથી એક માઠા સમાચાર આવ્યા છે.
US Tariff on Indian Solar: ભારતીય સોલર ઉદ્યોગ માટે અમેરિકાથી એક માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતથી આવતા સોલર સેલ અને સોલર પેનલ પર ભારે ભરખમ ‘કાઉન્ટરવેલિંગ ડ્યુટી' (CVD) એટલે કે એક પ્રકારનો વધારાનો ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય માત્ર ભારત જ નહીં, પરંતુ ઈન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશો માટે પણ મુશ્કેલી વધારનારો છે.
અમેરિકન સરકારનું માનવું છે કે ભારત અને અન્ય એશિયન દેશોની સરકારો પોતાની સોલર કંપનીઓને ઘણી સબસિડી આપે છે, જેના કારણે તેઓ સસ્તા ભાવે અમેરિકામાં માલ વેચી શકે છે. આનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે.
કોના પર કેટલો ટેક્સ (ડ્યુટી) લાગશે?
અમેરિકન કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, અલગ-અલગ દેશો પર નીચે મુજબની ડ્યુટી નક્કી કરવામાં આવી છે:
* ભારત: કુલ 125.87% ડ્યુટી.
* ઈન્ડોનેશિયા: 104.38% ડ્યુટી.
* લાઓસ: 80.67% ડ્યુટી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અમેરિકાની સોલર કંપનીઓના એક સમૂહે આ અંગે ફરિયાદ કરી હતી, જેના પગલે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
મુન્દ્રા સોલર સહિતની કંપનીઓને ફટકો
આ ડ્યુટી દેશ પ્રમાણે તો લાગી જ છે, પરંતુ કેટલીક ચોક્કસ કંપનીઓ માટે પણ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ભારતની જાણીતી કંપની મુન્દ્રા સોલર (Mundra Solar) પર 125.87% ડ્યુટી લગાવવામાં આવી છે.
બીજી તરફ, ઈન્ડોનેશિયાની PT બ્લૂ સ્કાય સોલર પર સૌથી વધુ 143.3% અને PT REC સોલર એનર્જી પર 85.99% ડ્યુટી લાગી છે. લાઓસની સોલરસ્પેસ ટેકનોલોજી અને વિયેતનામ સનર્જી જેવી કંપનીઓ પર 80.67%નો દર નક્કી થયો છે. જોકે, સોલરસ્પેસના વકીલે આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છે કે આ દર વાસ્તવિક સ્થિતિ દર્શાવતો નથી.
શા માટે લેવાયો આ નિર્ણય?
આ ફરિયાદ ‘એલાયન્સ ફોર અમેરિકન સોલર મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડ' દ્વારા કરવામાં આવી હતી. આ ગ્રુપમાં સાઉથ કોરિયાની હનવા ક્યુસેલ્સ, ફર્સ્ટ સોલર અને મિશન સોલર જેવી મોટી કંપનીઓ સામેલ છે. તેમનું કહેવું છે કે સબસિડીવાળા ઈમ્પોર્ટ (આયાત) ને કારણે અમેરિકામાં અબજો ડોલરનું રોકાણ અને હજારો નોકરીઓ જોખમમાં છે.
એલાયન્સના વકીલ ટિમ બ્રાઈટબિલના જણાવ્યા અનુસાર, "અમેરિકન કંપનીઓ ઘરેલુ ઉત્પાદન વધારવા અને સારી નોકરીઓ ઊભી કરવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. જો ખોટી રીતે વેપાર થતા ઈમ્પોર્ટને રોકવામાં નહીં આવે તો આ રોકાણ નિષ્ફળ જશે."
હજુ તો આ પહેલો તબક્કો છે
ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ કાર્યવાહીનો માત્ર પહેલો ભાગ છે. આવતા મહિને અમેરિકન કોમર્સ ડિપાર્ટમેન્ટ એ પણ તપાસશે કે શું આ દેશોની કંપનીઓએ અમેરિકામાં પોતાની પડતર કિંમત કરતા પણ ઓછા ભાવે (Dumping) માલ વેચ્યો છે કે કેમ. જો ડમ્પિંગનો આરોપ સાચો સાબિત થશે, તો આ દેશો પર વધારાની 'એન્ટી-ડમ્પિંગ ડ્યુટી' પણ લાગી શકે છે.
વ્યાપાર પર અસર
આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2025 ના ડેટા મુજબ અમેરિકાએ આ ત્રણ દેશો (ભારત, ઈન્ડોનેશિયા, લાઓસ) માંથી લગભગ 4.5 અબજ ડોલરના સોલર ઉત્પાદનો આયાત કર્યા હતા. જે અમેરિકાના કુલ સોલર આયાતનો લગભગ બે તૃતીયાંશ (2/3) હિસ્સો છે.
અગાઉ અમેરિકાએ મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ પર પણ આવી જ સખ્તાઈ દાખવી હતી, જેનાથી ત્યાંથી થતી આયાતમાં ઘટાડો થયો હતો. હવે ભારતીય કંપનીઓ પર આ ટેક્સ લાગવાથી ગ્લોબલ સોલર સપ્લાય ચેઈનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.