ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ: ભારતીયોને પડશે સૌથી મોટો ફટકો, જાણો શું છે ટ્રમ્પ સરકારનો નવો આદેશ? | Moneycontrol Gujarati
Get App

ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ: ભારતીયોને પડશે સૌથી મોટો ફટકો, જાણો શું છે ટ્રમ્પ સરકારનો નવો આદેશ?

Texas H-1B Visa Ban: ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મુકતા ભારતીયોને મોટો ફટકો પડ્યો છે. ટ્રમ્પ સરકારની નીતિ અને ટેક્સાસ ગવર્નરના નવા આદેશથી ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર શું અસર થશે? જાણો સંપૂર્ણ વિગત આ અહેવાલમાં.

અપડેટેડ 10:43:47 AM Jan 29, 2026 પર
Story continues below Advertisement
Texas H-1B Visa Ban: ટેક્સાસમાં H-1B વિઝા પર પ્રતિબંધ મુકતા ભારતીયોને મોટો ફટકો પડ્યો છે.

Texas H-1B Visa Ban: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવતાની સાથે જ ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર કડક કાર્યવાહી કર્યા બાદ, હવે ટ્રમ્પ તંત્રએ કાયદેસર રીતે અમેરિકામાં રહેતા અને નોકરી કરતા H-1B વિઝાધારકોને નિશાન બનાવ્યા છે. આ સિલસિલામાં રિપબ્લિકન પક્ષનું શાસન ધરાવતા ટેક્સાસ રાજ્યએ એક મોટો અને આકરો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ભારતીયો પર પડશે.

ટેક્સાસમાં નવી ભરતી પર રોક

ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ મુજબ, ટેક્સાસની તમામ પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી 31 મે 2027 સુધી કોઈપણ નવા H-1B વિઝાધારકની ભરતી કરી શકશે નહીં. એટલે કે, આગામી વર્ષ સુધી ટેક્સાસની સરકારી સંસ્થાઓમાં વિદેશી પ્રોફેશનલ્સ માટે દરવાજા લગભગ બંધ થઈ ગયા છે.

માત્ર નવી ભરતી અટકાવવી એટલું જ નહીં, પરંતુ ગવર્નરે યુનિવર્સિટીઓ પાસે હાલમાં કામ કરતા H-1B કર્મચારીઓનો હિસાબ પણ માંગ્યો છે. યુનિવર્સિટીઓએ જણાવવું પડશે કે:

* તેમના ત્યાં કેટલા H-1B વિઝાધારકો કામ કરે છે?


* તેઓ કયા દેશના નાગરિક છે?

* તેમના વિઝા ક્યારે એક્સપાયર (પૂરા) થાય છે?

* જો તેમના વિઝા લંબાવવામાં આવ્યા હોય, તો કયા કારણોસર લંબાવ્યા છે?

ભારતીયો પર સૌથી વધુ અસર કેમ?

આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન ભારતીય પ્રોફેશનલ્સને જશે તે નક્કી છે. આંકડાઓ પર નજર કરીએ તો, H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયો લે છે. ગયા વર્ષે H-1Bના કુલ ક્વોટામાં 71% ભરતી માત્ર ભારતીયોની હતી, જ્યારે ચીન બીજા નંબરે હતું. ટેક્સાસની યુનિવર્સિટીઓમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.

ટેક્સાસની વિવિધ યુનિવર્સિટીઓમાં હાલના H-1B વિઝાધારકોની સ્થિતિ જોઈએ તો:

* ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટર (ડલ્લાસ): 228 કર્મચારીઓ

* ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી: 214 કર્મચારીઓ

* ટેક્સાસ એમડી એન્ડરસન કેન્સર સેન્ટર: 171 કર્મચારીઓ

* યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિન: 169 કર્મચારીઓ

* ટેક્સાસ ટેક યુનિવર્સિટી: 143 કર્મચારીઓ

આ આંકડા દર્શાવે છે કે ટેક્સાસની શિક્ષણ અને મેડિકલ સંસ્થાઓમાં ભારતીય ટેલેન્ટનો મોટો ફાળો છે. હવે આ યુનિવર્સિટીઓ 2027 સુધી કોઈ નવા H-1B વિઝાધારકને નોકરી પર રાખી શકશે નહીં. એવી શક્યતા છે કે સરકારી યુનિવર્સિટીઓના પગલે હવે ખાનગી યુનિવર્સિટીઓ પણ આવા કડક પગલાં લઈ શકે છે.

'અમેરિકન જોબ્સ અમેરિકનો માટે'

ગવર્નર એબોટનું કહેવું છે કે ફેડરલ સરકારનો હેતુ સ્પષ્ટ છે અમેરિકન જોબ્સ પહેલા અમેરિકન નાગરિકોને મળવી જોઈએ. હવેથી કોઈપણ સંસ્થાએ H-1B ધારકને નોકરી પર રાખતા પહેલા સાબિત કરવું પડશે કે તે પોસ્ટ માટે કોઈ યોગ્ય અમેરિકન ઉમેદવાર મળ્યો નથી. સંસ્થાઓએ તર્કબદ્ધ ખુલાસો આપવો પડશે કે વિદેશી નાગરિકની ભરતી કેમ અનિવાર્ય હતી.

જોકે, આ પ્રતિબંધમાં એક નાનકડો અપવાદ રાખવામાં આવ્યો છે. જો 'ટેક્સાસ વર્કફોર્સ કમિશન' દ્વારા કોઈ ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવે, તો જ H-1B વિઝાધારકને નોકરી મળી શકશે.

ટ્રમ્પ સરકારના કડક નિયમો અને ફીમાં વધારો

એક તરફ ટેક્સાસમાં આ પ્રતિબંધ આવ્યો છે, તો બીજી તરફ ટ્રમ્પ તંત્ર રાષ્ટ્રીય સ્તરે પણ H-1B વિઝાના નિયમો કડક કરી રહ્યું છે. વિઝા એપ્લિકેશનની મર્યાદા ઘટાડીને 65,000 કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, નવા અરજદારો માટે ફી વધારીને 1 લાખ ડોલર જેવી તોતિંગ રકમ કરી દેવામાં આવી છે. આના કારણે મધ્યમ વર્ગના કુશળ પ્રોફેશનલ્સ માટે અમેરિકા જવું મુશ્કેલ બની ગયું છે.

અર્થતંત્ર અને ઇનોવેશન પર જોખમ

નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે સરકારના આ પગલાંથી અમેરિકામાં રિસર્ચ અને ઇનોવેશનની ગતિ ધીમી પડી શકે છે. ટેક્સાસની યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનોલોજી ફિલ્ડમાં હજારો ભારતીયો શિક્ષણ અને રિસર્ચ સાથે જોડાયેલા છે.

ઓપન ડોર્સ ડેટા મુજબ, 2022-23 માં લગભગ 2.70 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતા હતા. આ વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી અને અન્ય ખર્ચ દ્વારા અમેરિકન અર્થતંત્રમાં 10 અબજ ડોલરનું યોગદાન આપ્યું હતું અને તેના થકી 93,000 જેટલી નોકરીઓનું સર્જન થયું હતું. આમ, આ કડક નિર્ણયો લાંબા ગાળે અમેરિકાના એજ્યુકેશન સેક્ટર અને અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો- અજિત પવાર પ્લેન ક્રેશ: '11' નંબરનો અજીબ ખેલ! અમદાવાદમાં જે 'લકી' સાબિત થયો, તે જ નંબર બારામતીમાં કાળ બનીને ત્રાટક્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 29, 2026 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.