Fake Paneer: જો તમે અમદાવાદની હોટલોમાં પનીર ખાવાના શોખીન હોવ તો ચેતી જજો.
Fake Paneer: જો તમે વીકએન્ડમાં પરિવાર સાથે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો અને પનીર બટર મસાલા કે પનીર ટીક્કા જેવી વાનગીઓ ઓર્ડર કરો છો, તો આ સમાચાર તમારા માટે લાલબત્તી સમાન છે. અમદાવાદના ખાણીપીણીના બજારમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરમાં ચાલતી હજારો હોટલોમાં ગ્રાહકોને શુદ્ધ દૂધના પનીરને બદલે સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું ‘એનાલોગ પનીર’ (Analog Paneer) ખવડાવવામાં આવી રહ્યું છે.
શું છે આ ‘એનાલોગ પનીર’?
સરળ ભાષામાં કહીએ તો, એનાલોગ પનીર એટલે ‘નકલી પનીર’. દેખાવમાં તે તમને એકદમ અસલી પનીર જેવું જ લાગે છે, પણ હકીકતમાં તેમાં દૂધનો અંશ નહિવત હોય છે. આ પનીર બનાવવા માટે વનસ્પતિ તેલ (Vegetable Oil), સ્ટાર્ચ, મિલ્ક પાવડર અને અલગ-અલગ પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પનીરના પેકિંગ પર ઝીણા અક્ષરે લખેલું પણ હોય છે કે ‘આ દૂધમાંથી બનેલું નથી’, છતાં હોટલ સંચાલકો ગ્રાહકોની આંખમાં ધૂળ નાખીને તેને શુદ્ધ પનીર તરીકે પીરસી રહ્યા છે.
નફા માટે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં
આ કાળા કારોબાર પાછળનું મુખ્ય કારણ ‘પૈસા’ છે. બજારમાં શુદ્ધ દૂધના પનીરનો ભાવ અંદાજે 400 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે કેમિકલયુક્ત એનાલોગ પનીર હોલસેલમાં માત્ર 200 થી 250 રૂપિયામાં મળી જાય છે. એટલે કે અડધી કિંમતે! હોટલ માલિકો પોતાનો નફો વધારવા માટે આ સસ્તું અને નકલી પનીર વાપરે છે, જે સીધું ગ્રાહકોના પેટમાં જાય છે.
અમદાવાદમાં રોજનું હજારો કિલો શંકાસ્પદ પનીર ખવાય છે
આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં નાની-મોટી મળીને અંદાજે 27,000 થી વધુ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ધમધમે છે. જો આપણે સરેરાશ ગણતરી કરીએ કે એક રેસ્ટોરન્ટમાં દિવસનું માત્ર 1 કિલો પનીર વપરાતું હોય, તો પણ આખા શહેરમાં રોજનું 27,000 કિલો પનીર ખવાઈ જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે 1 કિલો અસલી પનીર બનાવવા માટે લગભગ 10 લિટર દૂધ જોઈએ. આટલી મોટી માત્રામાં દૂધનો સપ્લાય શક્ય નથી હોતો, જેના કારણે આ ગેપ પૂરવા માટે એનાલોગ પનીરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.
તંત્રના નાક નીચે નિયમોનો ભંગ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમો એકદમ સ્પષ્ટ છે. જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ એનાલોગ પનીરનો ઉપયોગ કરે, તો તેમણે મેનુ કાર્ડમાં ગ્રાહકને જાણ કરવી ફરજિયાત છે. પરંતુ દુઃખની વાત એ છે કે અમદાવાદની 90% હોટલો આ નિયમ ઘોળીને પી ગઈ છે.
છેલ્લા 6 મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને આશરે 1500 કિલો નકલી પનીરનો જથ્થો પકડ્યો છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ આંકડો તો દરિયામાં રહેલા પાણીના ટીપાં સમાન છે. તંત્રના અપૂરતા ચેકિંગ અને ક્યાંક મિલીભગતને કારણે હજારો કિલો નકલી પનીર રોજ લોકોની થાળી સુધી પહોંચી જાય છે.
બહાર જમતી વખતે હવે સાવધાન રહેવાની જરૂર છે. સસ્તા અને દેખાવડા પનીરના ચક્કરમાં તમારું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. જાગૃત ગ્રાહક તરીકે તમે રેસ્ટોરન્ટમાં પૂછપરછ કરી શકો છો કે તેઓ કયું પનીર વાપરે છે.