અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે મોટો ઝટકો: વિઝા ઇન્ટરવ્યૂ પર અચોક્કસ મુદતની રોક, જાણો ટ્રમ્પ સરકારના આ નવા નિર્ણયની અસર
US Visa Pause: અમેરિકાના વિઝા ઇન્ટરવ્યૂ પર વિશ્વભરમાં અચોક્કસ મુદત માટે રોક લગાવાઈ છે. ટ્રમ્પ સરકારના ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ અને નવી નીતિઓની અરજદારો પર શું અસર થશે તે જાણો.
સરકારી સહાય પર નિર્ભરતાની તપાસ: કોન્સ્યુલર અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ એવા અરજદારોને ઓળખી શકે જે ભવિષ્યમાં અમેરિકા પહોંચીને સરકારી સહાય કે સબસિડી પર બોજ બની શકે છે.
US Visa Pause: અમેરિકા જવાનું સપનું જોતાં હજારો લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નિયમો વધુ આકરા બનાવવામાં આવી રહ્યા છે. આ કડક વલણ વચ્ચે અમેરિકન સરકારે વિશ્વભરના પોતાના તમામ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં વિઝા ઇન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.
અમેરિકન વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દુનિયાભરના વિઝા અધિકારીઓ માટે એક ‘ગ્લોબલ ટ્રેનિંગ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો છે. આ ખાસ તાલીમ કાર્યક્રમને કારણે તમામ વિઝા સેવાઓનું શેડ્યૂલ બદલવાની ફરજ પડી છે.
શા માટે અપાઈ રહી છે આ ખાસ તાલીમ?
વિદેશ મંત્રાલયે આ ટ્રેનિંગ કેટલો સમય ચાલશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી. જોકે, આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
સરકારી સહાય પર નિર્ભરતાની તપાસ: કોન્સ્યુલર અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે જેથી તેઓ એવા અરજદારોને ઓળખી શકે જે ભવિષ્યમાં અમેરિકા પહોંચીને સરકારી સહાય કે સબસિડી પર બોજ બની શકે છે.
કડક અને સમાન સ્ક્રૂટિની: વિશ્વભરના દરેક અમેરિકન દૂતાવાસમાં દરેક અરજદારની તપાસ એકસમાન ધોરણો અને વધુ કડકાઈથી થાય તે સુનિશ્ચિત કરવાનો આશય છે.
અરજદારોની એપોઇન્ટમેન્ટ રદ્દ અને નવા ઇમેઇલ
જે લોકોએ અગાઉથી ઇમિગ્રન્ટ વિઝા માટે ઇન્ટરવ્યૂ સ્લોટ બુક કરી રાખ્યા હતા, તેમને સત્તાવાર ઇમેઇલ્સ મળવાનું શરૂ થઈ ગયું છે. આ ઇમેઇલમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની વર્તમાન એપોઇન્ટમેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે અને નવી તારીખો અંગે આગળ જતાં જાણ કરવામાં આવશે. અચાનક તારીખો પાછી ઠેલાતાં લાંબા સમયથી તૈયારી કરી રહેલા પરિવારો અને પ્રોફેશનલ્સ મુશ્કેલીમાં મુકાયા છે.
ગેરકાયદેસર ઇમિગ્રેશન અને કડક સ્ક્રીનિંગ
ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવા માટે મોટા પાયે અભિયાન છેડ્યું છે. આ દરમિયાન અનેક લોકોના વિઝા અને ગ્રીન કાર્ડ પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. અરજીઓ ફગાવવા પાછળ હવે વ્યક્તિગત રાજકીય મંતવ્યો અને વિરોધ પ્રદર્શનો જેમ કે પેલેસ્ટાઇન સમર્થન વિરોધ જેવી બાબતો પણ ધ્યાનમાં લેવાઈ રહી છે.
જ્યાં એક તરફ વહીવટીતંત્ર આ પગલાંને દેશની આંતરિક સુરક્ષા માટે અનિવાર્ય ગણાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ આ નીતિઓ સામે કાનૂની પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. હાલ પૂરતું વિઝા અરજદારો માટે રાહ જોવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. વિદેશ મંત્રાલય તરફથી નવી ગાઇડલાઇન્સ અને એપોઇન્ટમેન્ટ સ્લોટ્સ અંગે સત્તાવાર સ્પષ્ટતા આવ્યા બાદ જ સ્થિતિ સામાન્ય બનવાની શક્યતા છે.