Google Warning: શું તમે હજુ પણ જૂના વર્ઝનવાળો એન્ડ્રોઈડ ફોન વાપરો છો? Googleએ દુનિયાભરના 40% યુઝર્સ માટે ‘રેડ એલર્ટ’ જેવી ચેતવણી આપી છે. જાણો તમારો ફોન અને ડેટા કેટલા સુરક્ષિત છે અને તમારે શું કરવું જોઈએ.
Google Warning: શું તમે હજુ પણ જૂના વર્ઝનવાળો એન્ડ્રોઈડ ફોન વાપરો છો? Googleએ દુનિયાભરના 40% યુઝર્સ માટે ‘રેડ એલર્ટ’ જેવી ચેતવણી આપી છે.
Google Warning: જો તમે એન્ડ્રોઈડ (Android) સ્માર્ટફોન યુઝર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. અમેરિકન ટેક દિગ્ગજ કંપની Google એ એક ગંભીર ચેતવણી જાહેર કરી છે, જેની સીધી અસર તમારા ફોનની સુરક્ષા પર પડી શકે છે. ગૂગલના જણાવ્યા મુજબ, દુનિયાના લગભગ અડધા એન્ડ્રોઈડ યુઝર્સ પર મેલવેર (Malware) અને સ્પાયવેર (Spyware) જેવા ખતરનાક વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે.
શા માટે જોખમમાં છે તમારો ફોન?
આ ચેતવણી ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ જૂની ઓપરેટિંગ સિસ્ટમ (OS) વાળા ફોન વાપરી રહ્યા છે. ફોર્બ્સના એક રિપોર્ટ મુજબ, જે સ્માર્ટફોન Android 13 કે તેનાથી જૂના વર્ઝન પર ચાલે છે, તેમના માટે હવે સિક્યોરિટી અપડેટ્સ મળવાના બંધ થઈ ગયા છે અથવા અનિયમિત થઈ ગયા છે. સુરક્ષા કવચ વગરના આ ફોન હેકર્સ માટે 'ખુલ્લા દરવાજા' સમાન છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વભરમાં આવા અસુરક્ષિત ફોન વાપરનારા યુઝર્સની સંખ્યા 1 અબજથી પણ વધારે છે.
કયા Android વર્ઝનનો કેટલો વપરાશ?
ડિસેમ્બર સુધીના ડેટા પર નજર કરીએ તો, સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઈડના અલગ-અલગ વર્ઝનની સ્થિતિ કંઈક આવી છે:
* Android 16: માત્ર 7.5% ડિવાઇસમાં ઉપલબ્ધ છે.
* Android 15: 19.3% ફોનમાં કાર્યરત છે.
* Android 14: 17.9% સ્માર્ટફોન યુઝર્સ પાસે છે.
* Android 13: આશરે 13.9% સ્માર્ટફોનમાં વપરાય છે.
આ આંકડા દર્શાવે છે કે, હાલમાં માત્ર 58% સ્માર્ટફોન જ સિક્યોરિટી સપોર્ટ હેઠળ સુરક્ષિત છે. જ્યારે બાકીના 40% થી વધુ સ્માર્ટફોન યુઝર્સને હવે કંપની તરફથી કોઈ સુરક્ષા અપડેટ મળતા નથી, જે ચિંતાનો વિષય છે.
સિક્યોરિટી અપડેટ એટલે શું અને તે કેમ જરૂરી છે?
સરળ ભાષામાં કહીએ તો, સિક્યોરિટી અપડેટ એ તમારા ફોનનો ‘બોડીગાર્ડ' છે.
બગ્સનો સફાયો: તે ફોનની જૂની સિસ્ટમમાં રહી ગયેલી ખામીઓ અને 'બગ્સ'ને દૂર કરે છે.
હેકિંગથી રક્ષણ: હેકર્સ ઘણીવાર સોફ્ટવેરની નબળાઈ શોધીને ફોનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે. અપડેટ્સ આ નબળી કડીઓને મજબૂત બનાવે છે.
ડેટા સેફ્ટી: ઘણીવાર ફોન હેક થઈ જાય તો પણ યુઝરને ખબર હોતી નથી અને તેમનો અંગત ડેટા ચોરાઈ જાય છે. નિયમિત અપડેટ્સ આ જોખમ ઘટાડે છે.
Android vs iPhone: કોણ વધુ સુરક્ષિત?
અહીં Appleની પ્રશંસા કરવી પડે, કારણ કે iPhoneના જૂના મોડલ્સને પણ કંપની લાંબા સમય સુધી અપડેટ્સ આપે છે. તેની સામે એન્ડ્રોઈડ ફોનમાં સિક્યોરિટી અપડેટ્સ જલ્દી બંધ થઈ જાય છે. દુનિયામાં Samsung, Realme, Redmi, Oppo અને OnePlus જેવી અનેક કંપનીઓ એન્ડ્રોઈડનો ઉપયોગ કરતી હોવાથી તેના યુઝર્સની સંખ્યા ખૂબ મોટી છે, પણ સુરક્ષાની બાબતમાં જૂના ફોન પાછળ રહી જાય છે.
શું કરવું જોઈએ?
સામાન્ય રીતે સ્માર્ટફોન કંપનીઓ 4 થી 5 વર્ષ સુધી જ સિક્યોરિટી અપડેટ આપે છે. જોકે, હવે Samsung અને Google Pixel જેવી કંપનીઓએ તેમના નવા ફોનમાં 7 વર્ષ સુધી અપડેટ આપવાની જાહેરાત કરી છે, જે એક આવકારદાયક પગલું છે.
જો તમારા ફોનમાં કંપની તરફથી અપડેટ્સ આવવાના બંધ થઈ ગયા હોય, તો સાવધાન રહેવું જરૂરી છે. બેન્કિંગ વ્યવહારો અને અંગત ડેટાની સુરક્ષા માટે નવો અને લેટેસ્ટ OS વાળો સ્માર્ટફોન ખરીદવો એ જ સૌથી સુરક્ષિત વિકલ્પ છે.