જનગણના 2027: હવે કાગળ નહીં, મોબાઈલથી થશે વસ્તી ગણતરી! 1 એપ્રિલ 2026થી શરૂ થશે પહેલો તબક્કો, જાણો સંપૂર્ણ રોડમેપ
Census 2027: કેન્દ્ર સરકાર દ્વારા Census 2027 નો રોડમેપ જાહેર કરી દેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમવાર ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરી થશે. જાણો 1 એપ્રિલ 2026 થી શરૂ થનારી આ પ્રક્રિયા અને બજેટ વિશેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં.
Census 2027: કેન્દ્ર સરકાર દ્વારા Census 2027 નો રોડમેપ જાહેર કરી દેવામાં આવ્યો છે.
Digital Census India: ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી (Census 2027)ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે ગૃહ મંત્રાલયે જનગણના માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે સૌથી ખાસ વાત એ છે કે દેશના ઈતિહાસમાં પહેલીવાર વસ્તી ગણતરી કાગળ-પેન પર નહીં, પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરવામાં આવશે.
ક્યારે શરૂ થશે ગણતરી?
ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, આ મહા અભિયાનની શરૂઆત 1 એપ્રિલ 2026થી થશે. સમગ્ર પ્રક્રિયાને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે:
પહેલો તબક્કો (હાઉસ લિસ્ટિંગ): આ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈને 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ દરમિયાન મકાનોની ગણતરી અને લિસ્ટિંગ કરવામાં આવશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ કામગીરી 30 દિવસના સમયગાળામાં પૂરી કરવાની રહેશે.
બીજો તબક્કો (વસ્તી ગણતરી): આ તબક્કામાં ખરેખર વ્યક્તિઓની ગણતરી થશે, જે ફેબ્રુઆરી 2027માં યોજાશે.
બરફીલા વિસ્તારો માટે અલગ વ્યવસ્થા
દેશના કેટલાક દુર્ગમ અને બરફવર્ષા વાળા વિસ્તારો જેવા કે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે નિયમો થોડા અલગ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હવામાનને ધ્યાનમાં રાખીને વસ્તી ગણતરીનું કામ સપ્ટેમ્બર 2026 માં જ પૂરું કરી લેવામાં આવશે, જેથી બરફવર્ષા દરમિયાન મુશ્કેલી ન પડે.
જાતે માહિતી ભરવાનો વિકલ્પ
સરકારે આ વખતે નાગરિકોને એક વિશેષ સુવિધા આપી છે. જે લોકો ઈચ્છે તે પોતાની માહિતી જાતે પણ ભરી શકે છે. હાઉસ લિસ્ટિંગની કામગીરી ઘરે-ઘરે શરૂ થાય તેના 15 દિવસ પહેલા આ માટેની ઓનલાઈન વિન્ડો ખોલવામાં આવશે. એટલે કે તમે તમારી અનુકૂળતાએ ડેટા સબમિટ કરી શકશો.
હાઉસ લિસ્ટિંગમાં શું પૂછવામાં આવશે?
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે હાઉસ લિસ્ટિંગ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો, આ વસ્તી ગણતરીનું પહેલું પગથિયું છે. જેમાં ગણતરી કરનાર અધિકારી તમારા ઘર કે બિલ્ડિંગની ઓળખ કરશે. તેમાં નીચે મુજબની વિગતો એકઠી કરવામાં આવશે:
* રહેઠાણનો પ્રકાર અને મકાન શેનું બનેલું છે.
* ઘરમાં રસોડું, બાથરૂમ અને પીવાના પાણીની સુવિધા.
* સંપર્ક માટેના સાધનો અને વાહનવ્યવહારની સુવિધા.
* ટીવી, ઈન્ટરનેટ જેવી સંપત્તિની વિગતો.
ડિજિટલ ઈન્ડિયાની ઝલક: મોબાઈલ એપથી થશે કામ
2027ની જનગણના સંપૂર્ણપણે હાઈટેક હશે. ડેટા કલેક્શન માટે Android અને iOS બંને પ્લેટફોર્મ પર મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. અગાઉના વર્ષોમાં કાગળના થપ્પા થતા હતા, તે હવે ભૂતકાળ બની જશે. આનાથી ડેટા પ્રોસેસિંગ ઝડપી અને સચોટ બનશે.
11,718.24 કરોડનું બજેટ મંજૂર
કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે આ મેગા પ્રોજેક્ટ માટે સરકારે 11,718.24 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ રકમનો ઉપયોગ ટેકનોલોજી, તાલીમ અને ગણતરીની સમગ્ર પ્રક્રિયા માટે કરવામાં આવશે.
2011ના આંકડા શું કહે છે?
છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી ત્યારે જાણવા મળ્યું હતું કે માત્ર 3% લોકો પાસે ઈન્ટરનેટ હતું અને 63% ઘરોમાં ફોન હતા. હવે 2027માં જ્યારે ફરી ગણતરી થશે ત્યારે આ આંકડાઓમાં મોટો બદલાવ જોવા મળશે, ખાસ કરીને ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવવાની શક્યતા છે.