હાલમાં જંતર-મંતર પર 3000 થી વધુ પ્રદર્શનકારીઓ અડગ છે. આ દરમિયાન શનિવારે પોલીસે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને જબરદસ્તી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
Delhi on high alert: NEET પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં દિલ્હીનો માહોલ ગરમાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલનનો આજે 23મો દિવસ છે. ચોમાસુ સત્રના પહેલા દિવસે એટલે કે 20 જુલાઈના રોજ પ્રદર્શનકારીઓએ 'સંસદ ચલો માર્ચ' ની જાહેરાત કરી છે. આ માર્ચને ધ્યાનમાં રાખીને સમગ્ર દિલ્હીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે સંસદ તરફ જતા તમામ રસ્તાઓને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધા છે.
હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે મૂકી 2 મોટી શરતો
હાલમાં જંતર-મંતર પર 3000 થી વધુ પ્રદર્શનકારીઓ અડગ છે. આ દરમિયાન શનિવારે પોલીસે જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને જબરદસ્તી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. વાંગચુકે હોસ્પિટલમાંથી જ પોતાનો એક સંદેશ જારી કરીને પોતાનું અનશન ખતમ કરવા માટે સરકાર સામે 2 મોટી શરતો મૂકી છે:
કેન્દ્ર સરકાર સત્તાવાર રીતે NEET પેપર લીક અને પરીક્ષાઓમાં થયેલા કૌભાંડની સીધી જવાબદારી સ્વીકારે. તેમને અને CJP ના નેતાઓને સંસદ સુધી જવા દેવામાં આવે. જો ખરાબ તબિયતના કારણે તેઓ માર્ચમાં ન જોડાઈ શકે, તો રાજકીય નેતાઓ જાતે સફદરજંગ હોસ્પિટલ આવે અને ખાતરી આપે કે આ મુદ્દો સંસદમાં પૂરા જોરશોરથી ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત, વાંગચુકે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે સફદરજંગ હોસ્પિટલમાં તેમને 'ગેરકાયદેસર કસ્ટડી' માં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના હરવા-ફરવા અને લોકો સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
દિલ્હી છાવણીમાં ફેરવાયું, જંતર-મંતર સંપૂર્ણ સીલ
CJP ની આ માર્ચને રોકવા માટે દિલ્હી પોલીસે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 (જે અગાઉ કલમ 144 હતી) લાગુ કરી દેવામાં આવી છે. જંતર-મંતરને રાતોરાત ચારેતરફથી સીલ કરી દેવાયું છે જેથી કોઈ બહાર ન નીકળી શકે. સંસદ ભવન, રેલ ભવન, ઇન્ડિયા ગેટ અને VIP વિસ્તારોમાં દંગા નિયંત્રણ વાહનો સાથે RAF અને CRPF ની અનેક ટુકડીઓ તૈનાત કરાઈ છે. દિલ્હી પોલીસ લાઉડસ્પીકર પર સતત જાહેરાત કરી રહી છે કે આ માર્ચ માટે કોઈ મંજૂરી લેવાઈ નથી. સંસદ તરફ આગળ વધવાના કોઈપણ પ્રયાસને 'ગેરકાયદેસર સભા' માનીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીની બોર્ડર પર ચેકિંગ વધારી દેવાયું છે.
ટ્રાફિક એડવાઇઝરી: આ રસ્તાઓ પર જવાનું ટાળો
દિલ્હી ટ્રાફિક પોલીસે સોમવારે સંસદ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે જામની ચેતવણી જારી કરી છે. વાહનચાલકોને રફી માર્ગ, પાર્લામેન્ટ સ્ટ્રીટ, અશોકા રોડ અને રાયસીના રોડનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે. VIP મૂવમેન્ટ અને સુરક્ષાના કારણોસર વિજય ચોક અને પટેલ ચોક પાસે ટ્રાફિકને વારંવાર રોકવામાં અથવા ડાયવર્ટ કરવામાં આવી શકે છે.
શું સરકાર વાતચીત માટે તૈયાર છે?
આ ભારે તણાવ વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. CJP ના પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા અનુસાર, એક સિનિયર પોલીસ અધિકારીએ તેમનો સંપર્ક કર્યો છે. પોલીસનું કહેવું છે કે જો પ્રદર્શનકારીઓ ઉગ્ર નહીં બને અને શાંતિપૂર્ણ રીતે સીમિત દાયરામાં રહેશે, તો સરકાર વાતચીત કરવા તૈયાર થઈ શકે છે. જોકે, સૌરવ દાસે કહ્યું કે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ નક્કર ઉકેલ દેખાઈ રહ્યો નથી.