Corona vaccine: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસી અને હાર્ટ એટેકથી થતાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે આ નિવેદન જારી કરવામાં આવ્યું છે.
અચાનક મૃત્યુનું કારણ રસી નથી
કોરોના મહામારી પછી ઘણા લોકો ચાલતાં, ફરતાં કે નૃત્ય કરતાં અચાનક મૃત્યુ પામ્યા હોવાના વીડિયો સામે આવ્યા હતા. આવા કિસ્સાઓએ લોકોમાં રસી વિશે શંકા ઉભી કરી હતી. જોકે, મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે કે ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના અભ્યાસે સાબિત કર્યું છે કે ભારતમાં કોરોના રસી સુરક્ષિત અને અસરકારક છે. ગંભીર આડઅસરોના કેસ અત્યંત દુર્લભ છે.
અચાનક મૃત્યુના અન્ય કારણો
ICMR અને NCDC દ્વારા 18થી 45 વર્ષની વયના યુવાનોમાં અચાનક મૃત્યુના કારણો સમજવા બે અલગ-અલગ અભ્યાસ હાથ ધરાયા હતા. પ્રથમ અભ્યાસમાં મે 2023થી ઓગસ્ટ 2023 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 47 હોસ્પિટલોમાં ઓક્ટોબર 2021થી માર્ચ 2023 દરમિયાન થયેલા અચાનક મૃત્યુના કેસની તપાસ કરવામાં આવી. બીજો અભ્યાસ AIIMS અને ICMR દ્વારા રિયલ-ટાઇમ તપાસના આધારે ચાલી રહ્યો છે.
અભ્યાસના પ્રારંભિક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અચાનક મૃત્યુનું મુખ્ય કારણ છે. મહત્વની વાત એ છે કે ગત વર્ષોની સરખામણીમાં મૃત્યુના કારણોના પેટર્નમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી.