"પેનને દોષ ના આપો, લખનાર જવાબદાર": અશ્લીલ AI કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની નોટિસ પર ઈલોન મસ્કનો વળતો જવાબ | Moneycontrol Gujarati
Get App

"પેનને દોષ ના આપો, લખનાર જવાબદાર": અશ્લીલ AI કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની નોટિસ પર ઈલોન મસ્કનો વળતો જવાબ

Elon Musk Grok AI: અશ્લીલ AI કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની નોટિસ પર ઈલોન મસ્કે મૌન તોડ્યું. કહ્યું- 'ગ્રોકનો વાંક નથી, વાંક યુઝર્સનો છે.' પેન અને લખનારનું ઉદાહરણ આપી મસ્કે શું કહ્યું તે જાણવા વાંચો.

અપડેટેડ 10:47:44 AM Jan 04, 2026 પર
Story continues below Advertisement
Elon Musk Grok AI: અશ્લીલ AI કન્ટેન્ટ મુદ્દે ભારત સરકારની નોટિસ પર ઈલોન મસ્કે મૌન તોડ્યું.

Elon Musk Grok AI: ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) અને તેના AI ટૂલ Grok દ્વારા અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ બનાવવા બદલ કડક વલણ અપનાવ્યું હતું. સરકારે નોટિસ ફટકારીને આવા કન્ટેન્ટ પર રોક લગાવવા કહ્યું હતું. હવે આ મામલે X ના માલિક ઈલોન મસ્કે પોતાની પ્રતિક્રિયા આપી છે. મસ્કે સ્પષ્ટ કર્યું છે કે આમાં ટેકનોલોજીનો વાંક નથી, પણ તેનો ઉપયોગ કરનાર લોકો જવાબદાર છે.

'ભૂલ યુઝરની છે, ગ્રોકની નહીં'

ઈલોન મસ્કે X પર એક પોસ્ટનો જવાબ આપતા આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે એક મહત્વનું ઉદાહરણ આપતા કહ્યું કે, Grokને દોષ આપવો એવું જ છે જેમ કોઈ ખરાબ લખાણ માટે 'પેન' ને દોષ આપવો. પેન જાતે નથી નક્કી કરતી કે શું લખવું છે, તે લખનાર વ્યક્તિ નક્કી કરે છે.

જોકે, મસ્કે માત્ર બચાવ નથી કર્યો, પણ તોફાની તત્વોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, "જો કોઈ પણ વ્યક્તિ Grokનો ઉપયોગ કરીને ગેરકાયદે કે અશ્લીલ કન્ટેન્ટ બનાવશે, તો તેને તેવા જ પરિણામો ભોગવવા પડશે જેવા ગેરકાયદે કન્ટેન્ટ અપલોડ કરવા બદલ મળે છે."

સરકારનું 72 કલાકનું અલ્ટીમેટમ


ઉલ્લેખનીય છે કે, કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે X ને આકરી નોટિસ ફટકારી છે. સરકારે આદેશ આપ્યો છે કે નોટિસ મળ્યાના 72 કલાકની અંદર એક વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) જમા કરાવવામાં આવે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે પણ પોસ્ટ, એકાઉન્ટ્સ કે યુઝર્સ ભારતીય કાયદા અને નૈતિકતાના નિયમો તોડી રહ્યા છે, તેમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો પ્લેટફોર્મ આમ નહીં કરે તો ભારતીય કાયદા મુજબ કાનૂની કેસનો સામનો કરવો પડશે.

મહિલાઓની સુરક્ષાનો ગંભીર મુદ્દો

આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફરિયાદ કરી હતી. આરોપ છે કે Grok AI નો દુરુપયોગ કરીને મહિલાઓની ડીપફેક અને અશ્લીલ તસવીરો બનાવવામાં આવી રહી છે અને તેને ફેક એકાઉન્ટ્સ દ્વારા વાયરલ કરાઈ રહી છે. આ ફરિયાદ બાદ સરકાર એકશનમાં આવી હતી.

જવાબદારી કોની? : નવી ચર્ચા

હાલ દુનિયાભરમાં AI ના નિયમોને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે મસ્કનું આ નિવેદન ખુબ મહત્વનું છે. એક તરફ મસ્ક માને છે કે સાધનનો દુરુપયોગ થાય તો વાંક વાપરનારનો છે, જ્યારે બીજી તરફ ભારત સરકારનું કહેવું છે કે પ્લેટફોર્મે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેથી આવું કન્ટેન્ટ બને જ નહીં અથવા તો પબ્લિશ જ ન થાય. હવે જોવાનું એ રહેશે કે સરકાર મસ્કના આ ખુલાસાથી સંતુષ્ટ થાય છે કે કેમ.

આ પણ વાંચો- H-1B visa: ભારતમાં ફસાયેલા કર્મચારીઓ માટે Amazonનો મોટો અપડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 04, 2026 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.