Shikhar Dhawan ED notice: શિખર ધવન પર EDનો સકંજો, ઓનલાઈન બેટિંગ એપ કેસમાં પૂછપરછ માટે તેડું
Shikhar Dhawan ED notice: ભારતીય ક્રિકેટર શિખર ધવનને EDએ ઓનલાઈન બેટિંગ એપ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. જાણો આ કેસની સંપૂર્ણ વિગતો અને અન્ય સેલિબ્રિટીઓની સંડોવણી વિશે.
આ કેસમાં શિખર ધવનનું નામ 1xBet નામના ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મના પ્રમોશન સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે.
Shikhar Dhawan ED notice: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેમની બેટિંગ નહીં, પરંતુ એક ગંભીર કાનૂની મામલે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિખર ધવનને ઓનલાઈન બેટિંગ એપ 1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેડું મોકલ્યું છે. જ્યાં તેમનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવશે.
આ કેસમાં શિખર ધવનનું નામ 1xBet નામના ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મના પ્રમોશન સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. ED આ પ્લેટફોર્મની તપાસ કરી રહી છે, જેના પર નાણાંની હેરાફેરી અને કરચોરીના આરોપો છે. આ પહેલાં EDએ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ આ જ કેસમાં આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
આ ઉપરાંત, EDએ જૂન 2024માં અન્ય ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહની પણ આ જ મામલે પૂછપરછ કરી હતી. આ તપાસનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે આ સેલિબ્રિટીઓએ બેટિંગ એપ્સના પ્રમોશન દ્વારા કેટલી અને કેવી રીતે નાણાકીય લેવડદેવડ કરી હતી. EDની આ તપાસ ફક્ત ક્રિકેટર્સ સુધી મર્યાદિત નથી, પરંતુ બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ જેવી કે રાણા દગ્ગુબાટી અને વિજય દેવેરાકોંડા પણ આ તપાસના દાયરામાં છે.
ભારત સરકારે તાજેતરમાં રિયલ મની ગેમિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવા માટે નવો કાયદો પસાર કર્યો છે, જેના કારણે EDએ આવા ગેરકાયદેસર એપ્સ સામેની તપાસ વધુ તીવ્ર કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં ઓનલાઈન બેટિંગ એપ્સનું માર્કેટ 100 બિલિયન ડોલરથી વધુનું છે, જે 30 ટકાના દરે વધી રહ્યું છે. આવા પ્લેટફોર્મ્સ દ્વારા કરોડો રૂપિયાની નાણાકીય હેરફેર અને કરચોરીના આરોપો છે.
શિખર ધવન, જેમણે 2024માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ડાબા હાથના ઓપનર્સમાંના એક ગણાય છે. તેમણે 2022માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને IPL 2024 પછી ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હવે આ કેસમાં EDની તપાસ તેમની સેલિબ્રિટી ઈમેજ પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.