El Nino effect in India: WMO એ અલ નીનો અંગે ખતરનાક ચેતવણી આપી છે. ડિસેમ્બરમાં ભારતમાં ઠંડીને બદલે ગરમી વધશે. ક્યાંક દુષ્કાળ તો ક્યાંક પૂરનો ખતરો છે. જાણો હવામાનનો નવો મિજાજ.
આ વખતનો અલ નીનો અત્યાર સુધીના 4 દાયકાના તમામ રેકોર્ડ તોડી શકે છે.
El Nino effect in India: સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો એટલે કડકડતી ઠંડીનો સમય. પરંતુ, આ વખતે હવામાનનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી શકે છે. વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આગામી સમયમાં ‘અલ નીનો'તેનું સૌથી ભયંકર રૂપ બતાવી શકે છે. નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 વચ્ચે પ્રશાંત મહાસાગરનું તાપમાન સરેરાશ કરતા 3.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી શકે છે, જેની સીધી અસર ભારતના અને દુનિયાભરના હવામાન પર પડશે.
4 દાયકાનો રેકોર્ડ તૂટશે, જાણો WMO ની ચેતવણી
WMO ના મહાસચિવ સેલેસ્ટે સાઉલોએ જણાવ્યું છે કે, આ વખતનો અલ નીનો અત્યાર સુધીના 4 દાયકાના તમામ રેકોર્ડ તોડી શકે છે. ડિસેમ્બર મહિનામાં આ તેની ચરમસીમા પર પહોંચવાનું અનુમાન છે. જોકે, તેમણે રાહત આપતા એમ પણ કહ્યું કે, અલ નીનો ખતરનાક હોવાનો અર્થ એ નથી કે મોટી માનવીય દુર્ઘટના જ થશે. જો યોગ્ય સમયે પૂર્વાનુમાન અને અર્લી વોર્નિંગ સિસ્ટમનો (Early Warning System) ઉપયોગ કરવામાં આવે, તો લોકોના જીવ અને આજીવિકાને બચાવી શકાય છે. જ્યારે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુનો વધારો થાય છે, ત્યારે WMO સત્તાવાર રીતે અલ નીનો જાહેર કરે છે.
ભારત અને ખેતી માટે આ ચેતવણી કેમ મહત્વની છે?
WMO ના રિપોર્ટ મુજબ, દક્ષિણ એશિયામાં જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ જેવા દેશો સામેલ છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહી શકે છે. એટલે કે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થશે. બીજી તરફ, ભારતમાં 15 ઓક્ટોબરથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે અને તે જ દિવસે દક્ષિણ ભારતમાં પૂર્વોત્તર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે પડતો આ વરસાદ દક્ષિણ ભારતની ખેતી માટે જીવાદોરી સમાન છે. પરંતુ અલ નીનોના કારણે વરસાદની પેટર્ન ખોરવાઈ શકે છે, જેનાથી કૃષિ ક્ષેત્ર પર મોટું સંકટ આવી શકે છે.
દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં શું થશે અસર?
અલ નીનોની અસર આખી દુનિયામાં એકસરખી નહીં હોય. ક્યાંક વધારે પાણી તો ક્યાંક પાણી માટે વલખાં મારવા પડશે:
પૂર્વ આફ્રિકા: અહીં સરેરાશ કરતા વધુ વરસાદ પડશે, જેનાથી ભારે પૂરનો ખતરો રહેશે.
દક્ષિણ આફ્રિકા: અહીં સામાન્ય કરતા ઓછો વરસાદ પડશે અને સૂકું વાતાવરણ દુષ્કાળ નોતરી શકે છે.
અમેરિકા અને દક્ષિણ અમેરિકા: આ વિસ્તારોના અમુક ભાગોમાં અને ઉત્તર અમેરિકામાં ભારે વરસાદની સંભાવના છે.
મધ્ય અમેરિકા અને એમેઝોન: અહીં વરસાદ ખેંચાતા ભયંકર દુષ્કાળનું જોખમ વધી જશે.
આ સાથે જ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) એ પણ એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. જો પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન આજ રીતે ચાલુ રહ્યું, તો આ સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. પૃથ્વીને બચાવવા આ તાપમાન વધારાને 1.5 ડિગ્રી સુધી સીમિત રાખવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી બની ગયા છે.
ટૂંકમાં કહીએ તો, આવનારો સમય હવામાનની દ્રષ્ટિએ આખી દુનિયા અને ખાસ કરીને ભારત માટે ખૂબ જ પડકારજનક બની શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને અલ નીનોના ડબલ ખતરાને પહોંચી વળવા માટે સરકાર અને સામાન્ય જનતાએ અત્યારથી જ સતર્ક થવું પડશે.