ડી-કંપનીને ‘ભારતીય' ગણાવતા UN પર ભડક્યું ભારત: જડબાતોડ જવાબ આપતા કહ્યું- દાઉદ ત્યાં જ છુપાયો છે જ્યાં લાદેન મળ્યો હતો!
UN Report on D Company: UNના રિપોર્ટમાં દાઉદ ઇબ્રાહિમ અને ડી-કંપનીને ‘ભારત આધારિત' ગણાવતા ભારતે સખત વાંધો નોંધાવ્યો છે. ભારતે રોકડું પરખાવ્યું કે દાઉદ ત્યાં જ છે જ્યાં લાદેન મળ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો.
UN Report on D Company: સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ક્રાઈમ સિન્ડિકેટ ‘ડી-કંપની' ને ભારતનું સંગઠન ગણાવવામાં આવતા ભારતે લાલ આંખ કરી છે. ભારતે આ રિપોર્ટમાં રહેલી મોટી ભૂલો સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે આવી ભયંકર બેદરકારીને કારણે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા ખરડાઈ રહી છે.
ભારતે UNને પરખાવ્યું રોકડું
બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. હકીકતમાં માનવાધિકાર અને આતંકવાદ મામલે વિશેષ અહેવાલ તૈયાર કરનાર બેન સૉલના રિપોર્ટમાં ડી-કંપનીને ‘ભારત આધારિત' ગુનાહિત સંગઠન ગણાવવામાં આવ્યું હતું.
આ મુદ્દે રઘુ પુરીએ આકરા શબ્દોમાં કહ્યું કે, તથ્યો વગરના આવા અહેવાલો રજૂ કરવા અને તેની કોઈ જવાબદારી ન લેવી, તે બિલકુલ સ્વીકારી શકાય નહીં. જે સંસ્થા પહેલાથી જ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે, તેના માટે આવી ભૂલો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.
દાઉદ 1993થી વોન્ટેડ છે, તેને ભારતીય કહેવો ખોટો: ભારત
ભારતે ડી-કંપનીને ભારતીય ગણાવવાના તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને કેટલાક સચોટ મુદ્દાઓ રજૂ કર્યા હતા. દાઉદ ઇબ્રાહિમ 1993 ના મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે અને ત્યારથી તે ભારતમાં વોન્ટેડ આતંકવાદી છે. વર્ષ 2003માં સંયુક્ત રાષ્ટ્રએ જ્યારે દાઉદને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મૂક્યો, તેના ઘણા સમય પહેલા જ તે ભારત છોડીને ભાગી ગયો હતો. દાઉદને ખાસ કરીને અલ-કાયદા અને ઓસામા બિન લાદેન સાથેના તેના સંબંધોને કારણે આ યાદીમાં સામેલ કરાયો હતો. રિપોર્ટમાં આ હકીકતને છુપાવવી એ ખૂબ જ ખેદજનક બાબત છે.
પાકિસ્તાન તરફ ઈશારો: દાઉદ ત્યાં જ છે જ્યાં લાદેન હતો!
ભારતે પાકિસ્તાનનું સીધું નામ લીધા વિના જ આખી દુનિયા સામે તેનો પર્દાફાશ કરી દીધો હતો. રઘુ પુરીએ સંયુક્ત રાષ્ટ્રને યાદ અપાવ્યું કે, દાઉદ ઇબ્રાહિમ અત્યારે એ જ દેશમાં આશરો લઈને બેઠો છે, જ્યાં અલ-કાયદાનો ખતરનાક વડો ઓસામા બિન લાદેન છુપાયો હતો. નોંધનીય છે કે, વર્ષ 2011માં અમેરિકાની નેવી સીલ્સે પાકિસ્તાનના એબોટાબાદમાં ઘૂસીને લાદેનને મારી પાડ્યો હતો. આ વાતનો ઉલ્લેખ કરીને ભારતે આખી દુનિયા સમક્ષ એ સ્પષ્ટ કરી દીધું છે કે ડી-કંપનીનું ઓપરેશન અને તેનું મૂળ પાકિસ્તાનમાં જ છે, ભારતમાં નહીં.
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર આતંકવાદના મુદ્દે પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. આ ઘટના દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સંસ્થાઓની નાની ભૂલોને પણ સાંખી લેવાના મૂડમાં નથી, ખાસ કરીને જ્યારે વાત દેશની સુરક્ષા અને છબીની હોય.