દિવાળીના તહેવારોમાં ગુજરાતમાં સખત વીજ કટોકટી: નાના ઉદ્યોગોમાં 8 કલાકનો પાવર કટ, મંત્રી કહે છે બધું નોર્મલ છે!
Gujarat Power Crisis: દિવાળીના સમયે ગુજરાતમાં વીજળીની માંગ 29000 મેગાવોટ પાર થઈ ગઈ છે. ભરૂચથી ઉમરગામ સુધી નાના ઉદ્યોગોમાં 8 કલાકનો વીજકાપ લદાયો છે. જાણો સરકારની શું છે બેધારી નીતિ.
રાજ્યમાં મોટી વીજ કટોકટી સર્જાઈ છે. ગુજરાતમાં વીજળીની માંગ 29000 મેગાવોટને પાર કરી ગઈ છે. વીજળીના આ સંકટને કારણે ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
Gujarat Power Crisis: ગુજરાતમાં હાલ દિવાળીના પાવન તહેવારોનો માહોલ છે, જે વેપારીઓ માટે આખા વર્ષની કમાણી કરવાનો મુખ્ય સમય હોય છે. પરંતુ બરાબર આ જ સમયે રાજ્યમાં મોટી વીજ કટોકટી સર્જાઈ છે. ગુજરાતમાં વીજળીની માંગ 29000 મેગાવોટને પાર કરી ગઈ છે. વીજળીના આ સંકટને કારણે ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ઉદ્યોગકારો સરકારથી સખત નારાજ જોવા મળી રહ્યા છે.
ભરૂચથી ઉમરગામ સુધીના ઉદ્યોગોમાં સન્નાટો
દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે. ભરૂચથી લઈને ઉમરગામ સુધીના ઔદ્યોગિક પટ્ટામાં સાંજે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ફરજિયાત વીજકાપ લાદવામાં આવ્યો છે. આ 8 કલાકના પાવર કટના કારણે ટેક્સટાઇલ, ડાયમંડ, એમ્બ્રોઇડરી અને એન્જિનિયરિંગ જેવા લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગો પાયમાલ થવાના આરે આવી ગયા છે. દિવાળીના લાખો રૂપિયાના ઓર્ડર પૂરા ન થવાની ભીતિ છે અને કામકાજ ઠપ્પ થવાથી કેટલાક કારખાનાઓએ તો મજૂરોને છૂટા કરવાનું પણ શરૂ કરી દીધું છે.
નાના ઉદ્યોગો પર કાપ અને મોટી કંપનીઓને છૂટછાટ!
વેપારીઓમાં સૌથી મોટો રોષ સરકારની પક્ષપાતી નીતિ સામે છે. એક તરફ નાના કારખાનાઓને સાંજે 4 વાગ્યા પછી ફરજિયાત બંધ રાખવાની નોબત આવી છે, જ્યારે બીજી તરફ મોટી ફેક્ટરીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓને 24 કલાક અવિરત વીજળી આપવામાં આવી રહી છે. જે નાના વેપારીઓ રોજગારીની કરોડરજ્જુ છે, તેમનો જ આ તહેવારોમાં ભોગ લેવાઈ રહ્યો છે તેવી ચર્ચા ઉદ્યોગ જગતમાં ચાલી રહી છે.
મંત્રીનો દાવો 'બધું સામાન્ય છે', પણ હકીકત કંઈક અલગ
રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો છે કે ગુજરાતમાં વીજ પુરવઠો સંપૂર્ણ નિયંત્રણમાં છે અને સ્થિતિ નોર્મલ છે. તેમના મતે સૂર્યાસ્ત પછી સોલાર પાવર બંધ થતો હોવાથી થોડી ખેંચ ઉભી થાય છે, તેથી ઉદ્યોગોને માત્ર સ્વેચ્છાએ પાવર ઓછો વાપરવા અપીલ કરાઈ છે, કોઈ બળજબરી નથી.
પરંતુ, પડદા પાછળ સરકારની દોડધામ કંઈક અલગ જ વાર્તા કહે છે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસે 1000 મેગાવોટ વધારાની વીજળીની માંગણી કરી છે. રાજ્યમાં બંધ પડેલા 31 પાવર પ્લાન્ટ્સને તાબડતોબ ફરીથી ચાલુ કરવાના કડક આદેશો આપવામાં આવ્યા છે. કોલસા અને ગેસનો જથ્થો પણ ઉતાવળે મેળવવામાં આવી રહ્યો છે.
સામાન્ય જનતા અને અરજદારો પણ હેરાન
માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ સરકારી કચેરીઓમાં પણ વીજકાપની અસર જોવા મળી રહી છે. માંડવી મામલતદાર કચેરીમાં સવારે 11:45 વાગ્યે લાઈટ જતી રહી હતી. જેને કારણે કોમ્પ્યુટર સર્વર બંધ થઈ ગયા હતા. બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો પાછો ન આવતા, આવકના દાખલા કઢાવવા દૂર-દૂરથી આવેલા અરજદારોએ કલાકો સુધી રઝળપાટ કરવો પડ્યો હતો.
ગાંધીનગરમાં તાકીદની બેઠકોનો દોર
વીજ સંકટ ઘેરું બનતા સચિવાલયમાં સમીક્ષા બેઠકો શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) ના અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને કચ્છ તથા સૌરાષ્ટ્રમાં વીજ સપ્લાયની સ્થિતિ અંગે ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે ગંભીર મનોમંથન ચાલી રહ્યું છે.
જો સરકારને પહેલેથી જ કોલસાની અછત કે સૂર્યાસ્ત પછી સોલાર પાવર બંધ થવાની ખબર હતી, તો અગાઉથી યોગ્ય પ્લાનિંગ કેમ ન કરવામાં આવ્યું? આ સવાલ નાના વેપારીઓ પૂછી રહ્યા છે. જ્યાં સુધી બંધ પડેલા 31 પાવર પ્લાન્ટ્સ ફરી શરૂ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં દિવાળી સુધી આ પાવર કટનું સંકટ ટળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી.