ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવા EU તૈયાર: અમેરિકા પર ઝીંકશે 93 અબજ યુરોનો ટેરિફ, જાણો શું છે ગ્રીનલેન્ડ વિવાદ? | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પને જડબાતોડ જવાબ આપવા EU તૈયાર: અમેરિકા પર ઝીંકશે 93 અબજ યુરોનો ટેરિફ, જાણો શું છે ગ્રીનલેન્ડ વિવાદ?

USA vs EU Trade War: ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે 'ટ્રેડ વોર'ના એંધાણ! ટ્રમ્પની ધમકી સામે EU એ 93 અબજ યુરોનો તોતિંગ ટેરિફ લગાવવાની તૈયારી કરી લીધી છે. જાણો સમગ્ર વિવાદ.

અપડેટેડ 10:46:15 AM Jan 19, 2026 પર
Story continues below Advertisement
USA vs EU Trade War: અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડને લઈને શરૂ થયેલો તણાવ હવે આરપારની લડાઈમાં બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

USA vs EU Trade War: અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે ગ્રીનલેન્ડને લઈને શરૂ થયેલો તણાવ હવે આરપારની લડાઈમાં બદલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાત હવે માત્ર નિવેદનો પૂરતી સીમિત નથી રહી, પરંતુ આર્થિક લડાઈ એટલે કે 'ટ્રેડ વોર' સુધી પહોંચી ગઈ છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાની વાત ન માનનારા યુરોપિયન દેશોને દબાવવા માટે ટેરિફ (ટેક્સ)નું શસ્ત્ર ઉગામ્યું છે, તો સામે યુરોપિયન યુનિયન (EU) પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે સજ્જ થઈ ગયું છે.

ટ્રમ્પની ધમકી અને EUનો એક્શન મોડ

વાત એમ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે યુરોપના જે 8 દેશો ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાનો સાથ નથી આપી રહ્યા, તેમના સામાન પર ટેક્સ લગાડવામાં આવશે. ટ્રમ્પે કહ્યું છે કે 1 ફેબ્રુઆરીથી આ દેશોમાંથી આવતા માલસામાન પર 10% ટેરિફ લાગશે અને જો તેમ છતાં વાત નહીં બને તો 1 જૂનથી આ ટેરિફ વધારીને સીધો 25% કરી દેવામાં આવશે.

ટ્રમ્પની આ જાહેરાત થતાની સાથે જ યુરોપિયન યુનિયન એક્ટિવ થઈ ગયું છે. આ મામલે રવિવારે બેલ્જિયમના બ્રસેલ્સમાં EUના રાજદૂતોની એક તાત્કાલિક ઈમરજન્સી બેઠક મળી હતી. આ મીટિંગમાં જર્મની અને ફ્રાન્સ જેવા મોટા દેશોએ ટ્રમ્પની આ હરકતને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તેને ખુલ્લેઆમ 'બ્લેકમેલિંગ' ગણાવી હતી.

યુરોપનો વળતો પ્રહાર: 93 અબજ યુરોનો ફટકો!


એક અહેવાલ મુજબ, ફ્રાન્સે અમેરિકાને પાઠ ભણાવવા માટે અત્યંત કડક પગલાં લેવાની હિમાયત કરી છે. યુરોપિયન દેશો હવે ચૂપ બેસવાના મૂડમાં નથી. તેઓ અમેરિકા સામે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકા પર અંદાજે 93 અબજ યુરો એટલે કે લગભગ 107.71 અબજ ડોલર સુધીનો જવાબી ટેરિફ લગાવવામાં આવી શકે છે. આટલું જ નહીં, અમેરિકન કંપનીઓને યુરોપિયન માર્કેટમાંથી બહારનો રસ્તો દેખાડવા જેવા આકરા નિર્ણયો પણ લેવાઈ શકે છે. માનવામાં આવે છે કે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' દરમિયાન યુરોપિયન દેશો એક થઈને ટ્રમ્પ પર આ મુદ્દે દબાણ બનાવશે.

ક્યારથી લાગુ થશે જવાબી કાર્યવાહી?

EUના એક રાજદૂતના જણાવ્યા અનુસાર, જો અમેરિકા પોતાની જીદ પર અડગ રહે છે, તો યુરોપિયન યુનિયન 6 ફેબ્રુઆરીથી જવાબી ટેરિફ લાગુ કરી શકે છે. જોકે, આ બાબતે EUમાં બે મત જોવા મળી રહ્યા છે. એક અન્ય રાજદ્વારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "અમારો ઈરાદો સીધો સંઘર્ષનો નથી. અમે રાજદ્વારી રસ્તાઓ શોધી રહ્યા છીએ. પરંતુ જો 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ખરેખર ટેરિફ લાગુ કરશે, તો અમારે મજબૂરીમાં વળતા પગલાં લેવા પડશે."

આખરે આ બધો વિવાદ શું છે?

આ આખા વિવાદના મૂળમાં ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની અથવા અમેરિકામાં ભેળવવાની ઈચ્છા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ બને, પરંતુ યુરોપિયન દેશો આની વિરુદ્ધ છે. ટ્રમ્પના નિશાના પર હાલ 8 દેશો છે - ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, બ્રિટન અને નોર્વે. આ દેશોએ ડેનમાર્કના સમર્થનમાં આર્કટિક વિસ્તારમાં પોતાના સૈનિકો પણ તૈનાત કરી દીધા છે, જેનાથી ટ્રમ્પ નારાજ છે.

બીજી તરફ, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ આ વિવાદ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય ફક્ત ગ્રીનલેન્ડ અને ડેનમાર્કે જ કરવો જોઈએ, તેમાં બીજા કોઈનો હસ્તક્ષેપ યોગ્ય નથી.

આ પણ વાંચો- ‘અમેરિકાના ખર્ચે ભારતમાં AIની મજા?' ટ્રમ્પના ખાસ માણસે ભારત પર કાઢ્યો ગુસ્સો, ફરી કહ્યું- ‘ટેરિફ કિંગ'

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2026 10:46 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.