મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ: અમેરિકાના એક્શનથી ભડક્યા ઈરાને એકસાથે 10 જહાજો પર કર્યો હુમલો
US Iran War: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ 5 ઈરાની ટેન્કર તબાહ કર્યા બાદ, ભડકેલા ઈરાને 2 અમેરિકન યુદ્ધજહાજ સહિત 10 જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ.
US Iran War: મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે અત્યંત ભયાનક અને વિનાશક વળાંક લઈ રહ્યો છે. વર્ષ 2026 ની શરૂઆત સાથે જ બંને દેશો વચ્ચે સીધી સૈન્ય ટક્કર જોવા મળી રહી છે. અમેરિકાએ ઈરાનના 5 ઓઈલ ટેન્કરોને નષ્ટ કર્યા બાદ, ઈરાને વળતો પ્રહાર કરતા મોટો દાવો કર્યો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, તેમણે એકસાથે 10 જહાજો પર હુમલો કર્યો છે. આ ઘટના બાદ હોર્મુઝની ખાડીમાં ભયનો માહોલ છે અને ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા છે.
અમેરિકાએ ઈરાનના 5 ટેન્કરો કેમ તબાહ કર્યા?
આ આખા વિવાદની શરૂઆત અમેરિકન કાર્યવાહીથી થઈ હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ ઓમાનની ખાડી અને ખાર્ગ આઇલેન્ડ નજીક ઈરાન સાથે સંકળાયેલા 5 ક્રૂડ ઓઇલ ટેન્કરોને સંપૂર્ણ રીતે ઉડાવી દીધા હતા. અમેરિકાનો સીધો આરોપ હતો કે ઈરાને છેલ્લા બે દિવસમાં અમેરિકન સૈન્ય જહાજ પર બે વખત બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આના જવાબમાં જ અમેરિકાએ આકરી કાર્યવાહી કરી હતી. અગાઉ 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ઓઈલ ટેન્કરોનો ખાત્મો બોલાવ્યો હતો.
ઈરાનનો વળતો પ્રહાર: 10 જહાજો પર હુમલાનો દાવો
પોતાના ઓઈલ ટેન્કરો તબાહ થતાં ઈરાન લાલઘૂમ થઈ ગયું છે. IRGC એ દાવો કર્યો છે કે તેમના દળોએ હોર્મુઝના પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થતા 10 જહાજોને નિશાન બનાવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ 10 જહાજોમાંથી 8 ઓઇલ ટેન્કર છે અને 2 અમેરિકન યુદ્ધજહાજ છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તેમણે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર મિસાઇલ હુમલાઓ કર્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ સુધી ઈરાનના આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
કુવૈત, જોર્ડન અને બહરીનને ઈરાનની ખુલ્લી ચેતવણી
પરિસ્થિતિ માત્ર હુમલાઓ સુધી સીમિત નથી રહી. ઈરાની સરકારી ટીવી પરથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં IRGC ની નેવીએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર ઉભેલા તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂ મેમ્બર્સને તાત્કાલિક પોતાનું જહાજ ખાલી કરવા કહી દીધું છે.
ઈરાને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, જે બંદરો પર અમેરિકન સેનાની હાજરી છે અથવા જે દેશો અમેરિકાની આ કાર્યવાહીમાં તેમને સાથ આપી રહ્યા છે, ત્યાં ઉભેલા તમામ ટેન્કરોને હવે નિશાન બનાવવામાં આવશે. આ ધમકીએ અરબ દેશોની ઊંઘ હરામ કરી દીધી છે.
અંડરવોટર ડ્રોનનો વિવાદ: કોણ સાચું?
આ જળયુદ્ધની વચ્ચે એક બીજો વિવાદ પણ સામે આવ્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેમણે અમેરિકાનું એક આધુનિક અંડરવોટર ડ્રોન (સબમર્સિબલ) કબજે કરી લીધું છે. પરંતુ અમેરિકન સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન' એ ઈરાનના આ દાવાની હવા કાઢી નાખી છે. પેન્ટાગોને સ્પષ્ટતા કરી છે કે જે ડ્રોન ઈરાન પાસે છે તે બહુ જૂનું મોડેલ છે. એક દિવસ પહેલા જ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા તે બંધ પડી ગયું હતું. અમેરિકાના જણાવ્યા મુજબ, તેમાં કોઈ જ સીક્રેટ ડેટા કે સંવેદનશીલ સોનાર-રાડાર સિસ્ટમ નહોતી.
હાલમાં અમેરિકા અને ઈરાન બંને પાછળ હટવાના મૂડમાં નથી. ઈરાનની ધમકીઓ અને અમેરિકાના આક્રમક વલણને જોતા એવું લાગે છે કે જો ગલ્ફ દેશોમાં શાંતિ મંત્રણા નહીં થાય તો આ સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના ભાવો પર ભયંકર અસર પાડી શકે છે.