US Canada Trade War: અમેરિકા અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ હવે એક નવા અને આક્રમક સ્તરે પહોંચી ગયો છે. વોશિંગ્ટન અને ઓટાવા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, કેનેડાએ 'જેવા સાથે તેવા' ની કડક નીતિ અપનાવી છે. અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે કેનેડા સરકારે આકરા પાણીએ જઈને 600 કરતા વધારે અમેરિકી ઉત્પાદનો પર 50% સુધીનો વળતો ટેરિફ (આયાત ડ્યૂટી) લગાવી દીધો છે.
નવા નિયમો અને ટેરિફની સંપૂર્ણ વિગત
કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમો 8 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિ 12:01 વાગ્યાથી સત્તાવાર રીતે અમલમાં આવી ગયા છે. કુલ 629 જેટલી અમેરિકી વસ્તુઓ પર 15% થી લઈને 50% સુધીનો ટેરિફ ઝીંકવામાં આવ્યો છે. આ આયાતી સામાનની વાર્ષિક કિંમત લગભગ 27.6 અબજ કેનેડિયન ડોલર અંદાજે 20 અબજ અમેરિકન ડોલર જેટલી થાય છે. નવા ટેરિફની સૌથી વધુ અસર અમેરિકાથી આવતા સ્ટીલ, ફર્નિચર, કપડાં અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો પર પડશે. ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં 874 વસ્તુઓ પર ટેરિફ લગાવવાની દરખાસ્ત હતી. પરંતુ બાદમાં સમીક્ષા કરીને સી-ફૂડ (દરિયાઈ ખાદ્યપદાર્થો) ની કેટલીક વસ્તુઓ હટાવીને આખરી લિસ્ટ 629 વસ્તુઓનું તૈયાર કરાયું છે.
અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા અપીલ
ટ્રમ્પની ચેતવણી અને USMCA કરાર પર મોટો ખતરો
આ ટ્રેડ વોરની શરૂઆત ગયા મહિને થઈ હતી, જ્યારે અમેરિકાએ કેનેડાના વાઇન, ફર્નિચર, ડેરી પ્રોડક્ટ્સ, સિમેન્ટ અને સ્પોર્ટ્સના સામાન જેવા 20 અબજ ડોલરના ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યો હતો. જેના સીધા જવાબમાં કેનેડાએ આ વળતો પ્રહાર કર્યો છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો તેઓ કેનેડિયન બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર પણ વધુ ટેરિફ લગાવશે. નોંધનીય છે કે, કેનેડા તેની કુલ નિકાસનો 68% હિસ્સો માત્ર અમેરિકાને જ મોકલે છે. બંને દેશો વચ્ચેની આ વેપારી લડાઈને કારણે હવે ઉત્તર અમેરિકાના ત્રણેય દેશો વચ્ચેના મહત્ત્વપૂર્ણ 'USMCA વેપાર કરાર' ના ભવિષ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે.