'પહેલા ગોળી મારીશું, પછી વાત...' ગ્રીનલેન્ડ મુદ્દે નાનકડા ડેનમાર્કે શક્તિશાળી અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી
ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે તણાવ વધ્યો! ડેનમાર્કે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "જો અમેરિકા આક્રમણ કરશે તો અમે પહેલા ગોળી મારીશું." જાણો શું છે ટ્રમ્પનો પ્લાન અને યુરોપના દેશોનું સ્ટેન્ડ.
ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે તણાવ વધ્યો!
વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા સામે એક નાનકડા દેશે આંખ લાલ કરી છે. ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની અમેરિકાની ઈચ્છા સામે ડેનમાર્કે અત્યંત આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે અમેરિકાને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે, "અમે સવાલ પૂછતા પહેલા ગોળી મારીશું." આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ મેળવવા માટે સેનાનો ઉપયોગ કરવા પણ તૈયાર હોવાના અહેવાલો સામે આવ્યા છે.
ડેનમાર્કની સીધી ધમકી: ‘પહેલા ફાયરિંગ, પછી પૂછપરછ'
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડેનમાર્કના રક્ષા મંત્રાલયે પોતાની સરહદની સુરક્ષા માટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે જો અમેરિકન સૈન્ય ગ્રીનલેન્ડ પર આક્રમણ કરવાની કોશિશ કરશે, તો ડેનિશ સૈનિકો રાહ જોશે નહીં; તેઓ પહેલા ગોળી ચલાવશે અને પછી સવાલ પૂછશે.
અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે કે ડેનમાર્કમાં 1952ના સૈન્ય નિયમો લાગુ છે. આ નિયમો મુજબ, જો દેશ પર કોઈ હુમલો થાય, તો ત્યાંના સૈનિકોને વળતો જવાબ આપવા માટે કોઈ ઉચ્ચ અધિકારીના આદેશની રાહ જોવાની જરૂર નથી. તેઓ પોતાની સૂઝબૂઝથી દુશ્મન પર સીધો હુમલો કરી શકે છે.
અમેરિકા અને ટ્રમ્પનો પ્લાન શું છે?
બીજી તરફ, વ્હાઇટ હાઉસે પણ આ બાબતે પુષ્ટિ કરી છે. મંગળવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવવા માટેના તમામ વિકલ્પો તપાસી રહ્યા છે. જેમાં જરૂર પડે તો અમેરિકન સેનાનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડ ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને રશિયા અને ચીન જેવી શક્તિઓને રોકવા માટે આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે ઉપયોગી છે."
યુરોપ અને કેનેડા ડેનમાર્કની પડખે
અમેરિકાના આ આક્રમક વલણ સામે યુરોપના મોટા દેશો એક થઈ ગયા છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન અને બ્રિટન જેવા દેશોએ સંયુક્ત રીતે ડેનમાર્કનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે, "ગ્રીનલેન્ડ ત્યાં રહેતા લોકોનું છે અને તેના ભવિષ્યનો નિર્ણય ફક્ત ત્યાંના નાગરિકો જ કરશે."
આ ઉપરાંત, પાડોશી દેશ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ ડેનમાર્કનો સાથ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડના ભાવિનો ફેંસલો ડેનમાર્ક અને ત્યાંની પ્રજા જ કરી શકે છે, બીજું કોઈ નહીં.
વાતચીતથી ઉકેલ લાવવા પ્રયાસ
આ વધતા જતા તણાવ વચ્ચે હવે વાતચીતનો દોર પણ શરૂ થયો છે. ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસમુસેને કહ્યું છે કે આ ગેરસમજ દૂર કરવા માટે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે બેઠક કરવાની માંગ કરવામાં આવી છે.
જોકે, થોડી રાહતની વાત એ છે કે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અમેરિકન કોંગ્રેસને આપેલી માહિતીમાં સૈન્ય કાર્યવાહીની વાતને થોડી હળવી કરી છે. તેમણે સંકેત આપ્યો છે કે હાલ તાત્કાલિક હુમલો કરવાની કોઈ યોજના નથી. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડને "ખરીદવા" પર કેન્દ્રિત છે, યુદ્ધ કરવા પર નહીં.