મુંબઈ-પુણે રૂટ પર જળપ્રલય અને ભૂસ્ખલન: ટ્રેનના પાટા ધોવાયા, 16 ટ્રેનો રદ્દ અને એક્સપ્રેસવે બંધ, જાણો લેટેસ્ટ અપડેટ | Moneycontrol Gujarati
Get App

મુંબઈ-પુણે રૂટ પર જળપ્રલય અને ભૂસ્ખલન: ટ્રેનના પાટા ધોવાયા, 16 ટ્રેનો રદ્દ અને એક્સપ્રેસવે બંધ, જાણો લેટેસ્ટ અપડેટ

મુંબઈ-પુણે રૂટ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ટ્રેનના પાટા ધોવાયા. 16 ટ્રેનો રદ્દ, એક્સપ્રેસવે અને હાઈવે બંધ. મુસાફરી પહેલા ટ્રાફિક અપડેટ અને હેલ્પલાઇન નંબર અહીં જાણો.

અપડેટેડ 09:41:41 AM Jul 06, 2026 પર
Story continues below Advertisement
હવામાન વિભાગે 6 જુલાઈના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મુંબઈ અને પુણેને જોડતા સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ રૂટ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. કરજત-લોનાવાલા ઘાટ સેક્શનમાં જંગી ભેખડો ધસી પડવાથી ટ્રેન વ્યવહાર અને રોડ ટ્રાફિક બંનેને બ્રેક વાગી છે. જો તમે પણ મુંબઈ કે પુણે તરફ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા આ લેટેસ્ટ અપડેટ ચોક્કસ વાંચી લો.

રેલવે ટ્રેક ધોવાયા, 16 ટ્રેનો કેન્સલ

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝન હેઠળ આવતા ઠાકુરવાડી અને મંકી હિલ લૂપ કેબિન વચ્ચે 'અપ મેઈન લાઈન' પર કાટમાળ અને મોટા પથ્થરો પડ્યા છે. ભારે વરસાદના કારણે ટ્રેનના પાટા પાણીમાં ધોવાઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા રેલવે વિભાગે સોમવારે 16 ટ્રેનો રદ્દ કરી છે અને અન્ય 9 લાંબા અંતરની ટ્રેનોના રૂટ ડાયવર્ટ કર્યા છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને પશ્ચિમ રેલવે તેમજ મધ્ય રેલવેના અધિકારીઓને યુદ્ધના ધોરણે ટ્રેક ક્લિયર કરવાના નિર્દેશ આપ્યા છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર સ્વપ્નિલ નીલાએ જણાવ્યું કે, ઘાટ સેક્શનમાં છેલ્લા બે દિવસમાં અનુક્રમે 327 mm અને 162 mm વરસાદ નોંધાયો છે. જ્યારે સોમવારે માત્ર 4 કલાકમાં જ 140 mm વરસાદ ખાબક્યો હતો, જેનાથી ભૂસ્ખલનની સ્થિતિ વધુ વણસી ગઈ છે.

રદ્દ કરાયેલી મુખ્ય ટ્રેનોનું લિસ્ટ


CSMT–પુણે ઇન્દ્રાયણી એક્સપ્રેસ

પુણે–સોલાપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ

CSMT–પુણે ઇન્ટરસિટી એક્સપ્રેસ

ડેક્કન એક્સપ્રેસ

ડેક્કન ક્વીન

પ્રગતિ એક્સપ્રેસ

સિંહગઢ એક્સપ્રેસ

CSMT–ધુલે એક્સપ્રેસ

આ ઉપરાંત અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અને અમદાવાદ-પુણે દુરંતો સહિતની 9 ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને જૂનો હાઈવે બંધ

માત્ર ટ્રેન જ નહીં, રોડ રસ્તે મુસાફરી કરતા લોકો માટે પણ માઠા સમાચાર છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને જૂનો હાઈવે પણ પૂર અને ભૂસ્ખલનના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

પોલીસે એક એડવાઇઝરી જારી કરીને નાગરિકોને અપીલ કરી છે કે, આગામી આદેશ સુધી મુંબઈ અને પુણે વચ્ચેની મુસાફરી ટાળવી. એક્સપ્રેસવે પર 'કનેક્ટિંગ લિંક' અને 'મિસિંગ લિંક' સેક્શન વચ્ચે એક કોંક્રિટનો થાંભલો પડી જવાથી ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો છે. બીજી તરફ મુંબઈ-પુણે જૂના હાઈવે પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વૈકલ્પિક રૂટ ગણાતા માવલ અને તામ્હિણી ઘાટમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

નવી 'મિસિંગ લિંક' પર પણ ભૂસ્ખલન

બે મહિના પહેલા જ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 13 કિલોમીટર લાંબો 'મિસિંગ લિંક' બાયપાસ શરૂ કરાયો હતો, જેનાથી મુસાફરીનો 25 થી 30 મિનિટનો સમય બચતો હતો. પરંતુ સોમવારે વહેલી સવારે 4 વાગ્યે ખોપોલી-કુસગાંવ મિસિંગ લિંકની ટનલ-2 ના એક્ઝિટ પાસે ભેખડ ધસી પડતા આ રૂટ પણ ડાયવર્ટ કરવો પડ્યો છે.

શાળાઓમાં રજા અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

હવામાન વિભાગએ 6 જુલાઈના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા પુણે જિલ્લા વહીવટીતંત્રે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, લોહગઢ કિલ્લા પાસે આવેલા પાટણ ગામમાં ભૂસ્ખલન થવાથી એક પરિવાર ફસાયો હોવાની માહિતી મળી છે, અને તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

મુસાફરો માટે ખાસ હેલ્પલાઇન નંબર્સ

તમે મુસાફરી શરૂ કરો તે પહેલા નીચે આપેલા નંબરો પર તમારી ટ્રેનની સ્થિતિ ચોક્કસ જાણી લો:

CSMT: 022-22694040

ઠાણે: 9321336747

લોનાવાલા: 8356854238

દાદર: 9136452387

પનવેલ: 9004410777

LTT: 9321336835

કલ્યાણ: 8356848078

MoneyControl News

MoneyControl News

First Published: Jul 06, 2026 9:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.