ફ્રાન્સમાં ભડકેલી હિંસા પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ‘ઇસ્લામ ફ્રાન્સ પર કબ્જો કરવા માંગે છે’, જાણો શું છે સમગ્ર મામલો
France protests: ફ્રાન્સમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે તેને માઇગ્રેશન સાથે જોડીને કહ્યું કે ઇસ્લામ ફ્રાન્સ પર કબ્જો કરવા માંગે છે. જાણો વિરોધનું સાચું કારણ શું છે.
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ સ્કૂલો અને યુનિવર્સિટીઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની ભારે અછત અને શિક્ષણ વ્યવસ્થા માટે પૂરતું બજેટ ન ફાળવવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
France protests: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સની રાજધાની પેરિસ સહિત દેશના ડઝનબંધ શહેરોમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનો પર આકરી પ્રતિક્રિયા આપી છે. ફ્રાન્સમાં ચાલી રહેલી આ અશાંતિને ટ્રમ્પે 'બેકાબૂ અને મોટા પાયે થતા માઇગ્રેશન' સાથે જોડી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે આ માત્ર સ્કૂલોનો મુદ્દો નથી, પરંતુ ઇસ્લામ ફ્રાન્સ પર કબ્જો કરવાની કોશિશ કરી રહ્યો છે. જોકે, વાસ્તવિકતામાં ફ્રાન્સમાં ચાલી રહેલું આ આંદોલન વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધાઓને લઈને છે. સપ્ટેમ્બરના અંતથી શરૂ થયેલું આ આંદોલન હવે પેરિસ સહિત ફ્રાન્સના 40થી વધુ શહેરોમાં ફેલાઈ ચૂક્યું છે.
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે વિરોધ?
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ સ્કૂલો અને યુનિવર્સિટીઓની કથળતી સ્થિતિ, શિક્ષકોની ભારે અછત અને શિક્ષણ વ્યવસ્થા માટે પૂરતું બજેટ ન ફાળવવાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. સપ્ટેમ્બરમાં પેરિસથી શરૂ થયેલો આ વિરોધ 6 ઓક્ટોબર સુધીમાં 30થી વધુ શહેરોમાં ફેલાઈ ગયો હતો. લેબર યુનિયનો અને સાર્વજનિક ક્ષેત્રના કર્મચારીઓ પણ હવે આ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી ગયા છે. સ્ટાફની અછત અને ખચાખચ ભરેલા ક્લાસરૂમના કારણે વિદ્યાર્થીઓએ બે અઠવાડિયાથી સ્કૂલોને બ્લોક કરી દીધી છે, જેના કારણે સેંકડો હાઈસ્કૂલો બંધ પડી છે.
હિંસક બન્યા પ્રદર્શનો
વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાઈસ્કૂલ (લિસે) અને યુનિવર્સિટી કેમ્પસને બ્લોક કર્યા છે. પેરિસ, માર્સેઈ, લિલી, લિયોન અને સ્ટ્રાસબર્ગ જેવા મોટા શહેરોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા છે, પરંતુ કેટલાક સ્થળોએ બેરિકેડ સળગાવવા, તોડફોડ કરવા અને પોલીસ સાથે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કરવો પડ્યો છે.
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ શું છે?
વિદ્યાર્થીઓ અને શિક્ષક સંગઠનો નીચે મુજબની માંગણીઓ પર અડગ છે:
* સ્કૂલોમાં પર્યાપ્ત સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે.
* ગેરહાજર શિક્ષકની જગ્યાએ તાત્કાલિક બીજા શિક્ષકની વ્યવસ્થા થાય.
* ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવામાં આવે.
* શિક્ષકો અને વિદ્યાર્થીઓ પરથી કામનું ભારણ ઓછું થાય.
* જૂના અને જોખમી સ્કૂલ બિલ્ડીંગનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે.
* સારી ગુણવત્તાવાળા પુસ્તકો અને શિક્ષણ સામગ્રી પૂરી પાડવામાં આવે.
* નર્સ અને સોશિયલ વર્કર્સ જેવા સપોર્ટ સ્ટાફની સંખ્યા વધારવામાં આવે.
* ઉચ્ચ શિક્ષણમાં વધુ સીટો અને ફંડિંગ વધારવામાં આવે.
5000થી વધુની ધરપકડ અને ઈજાઓ
ફ્રાન્સના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ, આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 5000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 87 ટકા જેટલા સગીર વયના છે. સરકારના આંકડા મુજબ આ ઘર્ષણમાં 215 વિદ્યાર્થીઓ અને 715 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. લેન્સ શહેરમાં એક ગંભીર ઘટના બની હતી, જેમાં ગ્રેનેડ ફાટવાથી એક કિશોરનો હાથ ગંભીર રીતે ડેમેજ થયો છે. આ મામલે પોલીસ કડક તપાસ કરી રહી છે.
સરકાર પર વધતું રાજકીય દબાણ
આ આંદોલન એવા સમયે ઉગ્ર બન્યું છે જ્યારે વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુની સરકાર વર્ષ 2027 નું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બજેટમાં સરકારી ખર્ચમાં કાપ મૂકવાની વાત છે, જેને લઈને પહેલેથી જ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિદ્યાર્થી આંદોલન માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તે સરકારી ખર્ચમાં કાપ અને પગારના મુદ્દે વ્યાપક અસંતોષ સાથે જોડાઈ ગયું છે.
હાલમાં ફ્રાન્સ સરકારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની ખાતરી આપી છે અને ઓક્ટોબરના અંત સુધીમાં શિક્ષકોની અછત અને જૂની ઇમારતોના નવીનીકરણ અંગે પ્રસ્તાવ તૈયાર કરવા મંત્રીઓને સૂચના આપી છે.