પીએમ મોદીના 25 વર્ષ: ‘ગુજરાત મોડલ‘ થી ‘વિકસિત ભારત’ સુધી કેવી રીતે બદલાઈ દેશની રાજનીતિ? | Moneycontrol Gujarati
Get App

પીએમ મોદીના 25 વર્ષ: ‘ગુજરાત મોડલ‘ થી ‘વિકસિત ભારત’ સુધી કેવી રીતે બદલાઈ દેશની રાજનીતિ?

PM Modi 25 years: પીએમ મોદીએ જાહેર જીવનમાં 25 વર્ષ પૂરા કર્યા છે. કેન્દ્રીય કેબિનેટે તેમની સિદ્ધિઓને બિરદાવી. જાણો ગુજરાત મોડલથી વિકસિત ભારત 2047 સુધીની સફર.

અપડેટેડ 10:13:20 AM Oct 07, 2026 પર
Story continues below Advertisement
7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. તે સમયે ગુજરાત ભયંકર ભૂકંપની તારાજી, દુકાળ, પાણીની અછત અને રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હતું. આ કપરા સમયમાં તેમણે વહીવટીતંત્રને પારદર્શક અને જવાબદાર બનાવ્યું.

Narendra Modi political journey: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર જીવન અને વહીવટીતંત્રમાં પોતાના સફળ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે એક વિશેષ પ્રસ્તાવ પસાર કરીને, ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન તરીકેની તેમની 25 વર્ષની શાનદાર સફર અને સિદ્ધિઓની પ્રશંસા કરી છે. આ 25 વર્ષ માત્ર એક વ્યક્તિની સફર નથી, પરંતુ દેશની વિકાસયાત્રાની નવી વ્યાખ્યા છે.

ગુજરાત મોડલથી થઈ શરૂઆત

7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. તે સમયે ગુજરાત ભયંકર ભૂકંપની તારાજી, દુકાળ, પાણીની અછત અને રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યું હતું. આ કપરા સમયમાં તેમણે વહીવટીતંત્રને પારદર્શક અને જવાબદાર બનાવ્યું.

તેમણે શરૂ કરેલી SWAGAT (State Wide Attention on Grievances by Application of Technology) પદ્ધતિ ખૂબ જ લોકપ્રિય બની, જેમાં લોકો સીધા સરકારને પોતાની ફરિયાદ જણાવી શકતા હતા. આ પહેલને 2010 માં સંયુક્ત રાષ્ટ્ર (UN) નો પબ્લિક સર્વિસ એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત, ખેતી અને ઘરો માટે અલગ વીજળી આપતી 'જ્યોતિગ્રામ યોજના' એ આખા દેશને રસ્તો બતાવ્યો.

દિલ્હીની સફર અને બદલાયેલી રાજનીતિ


2013 માં જ્યારે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર બન્યા, ત્યારે ‘ગુજરાત મોડલ' આખા દેશમાં ચર્ચાનો વિષય હતું. પરંતુ 2014 માં વડાપ્રધાન બન્યા પછી, તેમની વિકાસની વ્યાખ્યા વધુ વિશાળ બની ગઈ. 'સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર સાથે સરકાર માત્ર ઉદ્યોગો પૂરતી સીમિત ન રહી, પરંતુ ગરીબોના કલ્યાણ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો.

છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાઓ

સરકારના 25 વર્ષના પ્રસ્તાવમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ:

* દેશમાં લગભગ 60 કરોડ જનધન બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા.

* ગરીબોને 4 કરોડથી વધુ પાકા મકાનો આપવામાં આવ્યા.

* દેશના લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા.

* પીએમ-કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં 4 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી.

* હવે વિકાસ માત્ર ઇન્વેસ્ટમેન્ટથી નથી મપાતો, પરંતુ કેટલા ઘરોમાં ગેસ, શૌચાલય, પીવાનું પાણી અને આરોગ્યની સુવિધા પહોંચી, તેનાથી નક્કી થાય છે.

ટેક્નોલોજી બની સરકારનું મોટું હથિયાર

ગુજરાતના SWAGAT મોડલમાંથી પ્રેરણા લઈને કેન્દ્રમાં PRAGATI સિસ્ટમ લાગુ કરવામાં આવી. પીએમઓના જણાવ્યા અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં PRAGATI દ્વારા 377 મોટા પ્રોજેક્ટ્સની સમીક્ષા થઈ છે અને 94 ટકા સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે. આ સિસ્ટમથી 85 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને ગતિ મળી છે. આજે આધાર કાર્ડ, UPI અને ડિજિટલ પેમેન્ટ સામાન્ય માણસની જિંદગીનો ભાગ બની ગયા છે.

‘મેક ઇન ઇન્ડિયા' થી ‘આત્મનિર્ભર ભારત'

2020 માં આવેલી કોરોના મહામારીએ દુનિયાને ઘણું શીખવ્યું. આ સમયે જ પીએમ મોદીએ 'આત્મનિર્ભર ભારત' નું વિઝન આપ્યું. આજે દેશ ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવા સેક્ટરમાં પોતાનું ઉત્પાદન વધારી રહ્યો છે, જેથી વિદેશી સપ્લાય પર આધાર ન રાખવો પડે.

અંતિમ લક્ષ્ય: ‘વિકસિત ભારત @2047'

પીએમ મોદીની 25 વર્ષની આ સફરનું હાલનું સૌથી મોટું અને અંતિમ લક્ષ્ય 'વિકસિત ભારત @2047' છે. જ્યારે દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે, ત્યારે ભારત એક સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર હોય તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને નાગરિક સુવિધાઓને કેન્દ્રમાં રાખીને મોટા પાયે કામ થઈ રહ્યું છે.

આ પણ વાંચો- જો તમારો મહિને ખર્ચ 50 હજાર રૂપિયા છે, તો રિટાયરમેન્ટ માટે કેટલા કરોડનું ફંડ જોઈશે? સમજો ગણતરીની આસાન ફોર્મ્યુલા

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2026 10:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.