Garba of Gujarat: ગુજરાતના ગરબાને મળી ગ્લોબલ ઓળખ, પ્રાચીન ધરોહર સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં મળ્યું સ્થાન | Moneycontrol Gujarati
Get App

Garba of Gujarat: ગુજરાતના ગરબાને મળી ગ્લોબલ ઓળખ, પ્રાચીન ધરોહર સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં મળ્યું સ્થાન

Garba of Gujarat: ગુજરાતના ગરબા એ આ સૂચિમાં જોડાનાર ભારતનું ૧૫મુ આઈ.સી.એચ. તત્વ બન્યું છે. આ શિલાલેખ ગરબાની એકતાના બળ તરીકેની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે જે સામાજિક અને લિંગ સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપે છે. નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે, જેમાં જીવનના દરેક ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એક સાથે લાવવાની જીવંત જીવનશૈલીની પરંપરા તરીકે સમૃદ્ધ થઈ રહી છે.

અપડેટેડ 08:15:07 PM Dec 06, 2023 પર
Story continues below Advertisement
પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત

Garba of Gujarat: ગુજરાતીઓની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસોની(Intangible Cultural Heritage) યાદીમાં સ્થાન મળ્યું છે. ગરવા ગુજરાતના ગરવા ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા મુખ્યમંત્રીથી લઇને પ્રત્યેક ગુજરાતી દ્વારા ગર્વની લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. યુનેસ્કોએ ગરબાને સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપતા અંબાજી અને પાવાગઢમાં પણ તેની ઉજવણી કરાઈ હતી.

અમૂર્ત સાંસ્કૃતિક વારસો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટર(X) પર પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છેકે, ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને યુનેસ્કો દ્વારા 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે.


રાષ્ટ્રીય ગૌરવસમી ક્ષણ

કેન્દ્રિય સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી જી કિશન રેડ્ડીએ પણ ટ્વીટર(X) પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છેકે,ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું એ રાષ્ટ્રીય ગૌરવસમી ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારત 15મું આઇ.સી.એચ. ઘટક છે. ગરબાને ઉજવણી, ભક્તિ અને સામાજીક સમરસતાનું પ્રતિક પણ માનવામાં આવે છે અને હવે તેને ભૌગોલિક સીમાઓ ઓળંગી છે. વિશ્વ સમક્ષ આપણા સાંસ્કૃતિક વારસાની મહત્વતાને રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે અને આ એ પ્રયત્નોનું જ સુખદ પરિણામ છે.

ગુજરાતના ગરબા વિશે યુનેસ્કોએ શું લખ્યું

ગુજરાતના ગરબા વિશે યુનેસ્કોએ લખ્યું છેકે, ગરબાએ એક એવું ધાર્મિક અને આધ્યાત્મિક નૃત્ય છે, જે હિન્દુઓના તહેવાર નવરાત્રી દરમિયાન રજૂ કરવામાં આવે છે. જે મા આદ્યશક્તિને સમર્પિત છે. દીવડાંઓ પ્રગટાવીને કે મા અંબાની છબી રાખીને આ નૃત્ય કરવામાં આવે છે. જેમાં ભાવિકો રાઉન્ડમાં ગરબા રમે છે. સંગીતના તાલો સાથે તાળીઓના નાદથી ગરબા રમવામાં આવે છે. પ્રારંભમા ગરબાની ઝડપ ધીમી હોય છે અને બાદમાં જોશ અને ઉત્સાહમાં પરિવર્તિત થઇ જાય છે.

BREAKING

New inscription on the #IntangibleHeritage List: Garba of Gujarat, #India

MoneyControl News

MoneyControl News

First Published: Dec 06, 2023 8:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.