અમેરિકાથી ભારત માટે સારા સમાચાર: એક્સપોર્ટ ટેરિફ ઘટીને 18% થવાની શક્યતા, વોશિંગ્ટનમાં થશે ફાઈનલ ડીલ
India US Trade Deal: અમેરિકા ભારતીય સામાન પરનો આયાત ટેક્સ 25% થી ઘટાડીને 18% કરી શકે છે. વોશિંગ્ટનમાં આ અઠવાડિયે મહત્વની બેઠક યોજાશે. જાણો ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતીની સંપૂર્ણ વિગત.
India US Trade Deal: અમેરિકા ભારતીય સામાન પરનો આયાત ટેક્સ 25% થી ઘટાડીને 18% કરી શકે છે.
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોને લઈને એક મોટા અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે. અમેરિકા આ અઠવાડિયે ભારતની ઘણી નિકાસ પ્રોડક્ટ્સ (Export Products) પર લાગતા આયાત શુલ્ક એટલે કે ટેરિફમાં મોટો ઘટાડો કરી શકે છે. હાલ જે ટેરિફ 25% જેટલો છે, તેને ઘટાડીને 18% કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ટેરિફ ઘટાડા પર શું છે અપડેટ?
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમેરિકાએ 25% દંડનાત્મક શુલ્ક (Punitive Tariff) તો પહેલા જ હટાવી લીધું છે. હવે બાકીના 25% શુલ્કને ઘટાડીને 18% કરવાની પ્રક્રિયા ચાલી રહી છે." તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પ્રક્રિયા આ જ અઠવાડિયે પૂરી થઈ જશે.
જો કે, જો કોઈ કારણસર આ કામમાં મોડું થાય છે, તો ભારતની એક ટીમ આવતા અઠવાડિયે વોશિંગ્ટન જઈ રહી છે. ત્યાં તેઓ અમેરિકન અધિકારીઓ સાથે ચર્ચા કરશે કે આખરે આ પ્રોસેસમાં સમય કેમ લાગી રહ્યો છે.
વોશિંગ્ટનમાં થશે કાનૂની કરાર
આ સમજૂતીને આખરી ઓપ આપવા માટે ભારતીય અધિકારીઓની એક ટીમ, જેનું નેતૃત્વ મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈન કરી રહ્યા છે, તે આ અઠવાડિયાના અંતમાં વોશિંગ્ટન જવા રવાના થશે. હાલમાં બંને દેશો વર્ચ્યુઅલ રીતે એટલે કે વિડિયો કોન્ફરન્સ દ્વારા કાનૂની ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે. આવતા અઠવાડિયે સામ-સામે બેસીને આ વાતચીત આગળ વધે તેવી શક્યતા છે.
અગાઉ 7 ફેબ્રુઆરીએ ભારત અને અમેરિકાએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં વ્યાપાર સમજૂતીની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. હવે બંને દેશોની ટીમો આ રૂપરેખાને એક પાક્કા કાનૂની કરાર (Legal Agreement) માં ફેરવવા માટે મહેનત કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે માર્ચ મહિના સુધીમાં આ કરાર પર સહી-સિક્કા થઈ જાય. જોકે, રાજેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે કાનૂની પ્રક્રિયા થોડી જટિલ હોય છે, એટલે તેની કોઈ ચોક્કસ ડેડલાઈન નક્કી નથી કરાઈ.
કાપડ ઉદ્યોગ માટે શું ફાયદો થશે?
આ સમજૂતીમાં કોટન અને ટેક્સટાઈલ સેક્ટર માટે પણ સારા સમાચાર છે. વાણિજ્ય સચિવના જણાવ્યા મુજબ, ભારત જે કોટન અમેરિકાથી આયાત કરે છે, તેને આ કરાર હેઠળ ખાસ પ્રાધાન્ય મળશે. ભારત મુખ્યત્વે અમેરિકાથી લાંબા રેષાવાળું (Extra Long Staple) કોટન મંગાવે છે.
ગયા અઠવાડિયે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ કહ્યું હતું કે, આ વચગાળાના કરારથી ભારતને સુતરાઉ કાપડ અને કપડાં પર ટેક્સમાં રાહત મળશે. આ વ્યવસ્થા એવી જ હશે જેવી બાંગ્લાદેશને અમેરિકા સાથેના કરારમાં મળેલી છે.
ડિજિટલ વ્યાપાર કરારનો ભાગ નથી
એક સ્પષ્ટતા કરતા વાણિજ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યારે જે કરાર થઈ રહ્યો છે તેમાં ‘ડિજિટલ ટ્રેડ' (Digital Trade) સામેલ નથી. ડિજિટલ વ્યાપારના નિયમો પર અલગથી ચર્ચા થશે, જે ભવિષ્યમાં થનારા મોટા દ્વિપક્ષીય વ્યાપાર કરાર (BTA) નો હિસ્સો હશે.
શરૂઆતમાં વ્હાઈટ હાઉસની ફેક્ટ શીટમાં ઉલ્લેખ હતો કે ભારત ઈ-કોમર્સ પર કસ્ટમ ડ્યુટી નહીં લગાવે અને ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરશે. પરંતુ બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. નવા સુધારેલા નિવેદન મુજબ, ભારત વ્યાપારને અસર કરતા નોન-ટેરિફ અવરોધો દૂર કરશે અને બંને દેશો 'મૂળ સ્ત્રોતના નિયમો' (Rules of Origin) પર વાતચીત કરશે જેથી આ કરારનો લાભ માત્ર ભારત અને અમેરિકાને જ મળે.