ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધ: અમેરિકાએ ઉડાવ્યું IRGC હેડક્વાર્ટર, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું- કેટલા દિવસ ચાલશે આ જંગ?
US Iran War: અમેરિકાએ ઈરાનના IRGC હેડક્વાર્ટરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે આ યુદ્ધ 4 થી 5 અઠવાડિયા ચાલશે. જાણો આ મહાયુદ્ધની તમામ વિગતો.
US Iran War: અમેરિકાએ ઈરાનના IRGC હેડક્વાર્ટરને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું છે.
US Iran War: મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધના ભયંકર વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન સામે સીધો જંગ છેડી દીધો છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકન મિલિટરીએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના હેડક્વાર્ટરને એક મોટા હુમલામાં સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની વર્તમાન સરકારને સત્તા પરથી હટાવવાનો છે.
રવિવાર (1 માર્ચ) ની રાત્રે થયેલા આ હુમલા બાદ યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ એક મોટું નિવેદન આપ્યું છે. સેન્ટકોમે ગર્વથી કહ્યું કે, "અમેરિકા પાસે દુનિયાની સૌથી તાકાતવર સેના છે અને હવે IRGC નું કોઈ હેડક્વાર્ટર બચ્યું નથી." વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 47 વર્ષોમાં 1000 થી વધુ અમેરિકન નાગરિકોના મોત પાછળ આ જ IRGC નો હાથ હતો.
The Iranian Islamic Revolutionary Guard Corps (IRGC) killed more than 1,000 Americans over the past 47 years. Yesterday, a large-scale U.S. strike cut off the head of the snake. America has the most powerful military on earth, and the IRGC no longer has a headquarters. pic.twitter.com/WdpN7JBECr
બ્રિટિશ અખબાર ‘ડેઈલી મેઈલ' સાથેની વાતચીતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ વિશે મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે, એક મજબૂત દુશ્મન સામેનું આ ઓપરેશન મુશ્કેલ છે, પરંતુ તે ચોક્કસ સમય મર્યાદામાં પૂરું થશે. તેમના મતે આ જંગ 4 થી 5 અઠવાડિયા એટલે કે લગભગ એક મહિના સુધી ચાલી શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આનાથી વહેલું પણ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
અમેરિકા અને ઈઝરાયેલના આ જોઈન્ટ મિલિટરી કેમ્પેનને ‘ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) નામ આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ ઓપરેશન અત્યારે પૂરી તાકાતથી ચાલી રહ્યું છે અને વોશિંગ્ટન સતત મિલિટરી કેમ્પેનની તૈયારી કરી રહ્યું છે.
આ હુમલો માત્ર વર્તમાન સુરક્ષા માટે જ નહીં, પરંતુ અમેરિકાના બાળકો અને ભવિષ્યની પેઢીઓને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવ્યો છે. અમેરિકા નથી ઈચ્છતું કે તેમના નાગરિકોને ક્યારેય પણ ન્યૂક્લિયર હથિયારોથી સજ્જ અને લોહીતરસ્યા આતંકવાદી શાસનનો સામનો કરવો પડે.
કેવી રીતે શરૂ થયો વિવાદ અને ઈરાનનો વળતો પ્રહાર
આ જોઈન્ટ કેમ્પેનની શરૂઆત શનિવારે થયેલા એ હુમલાથી થઈ, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર માર્યા ગયા હતા. ત્યારપછી રોષે ભરાયેલા ઈરાને પણ વળતો પ્રહાર કર્યો છે. ઈરાને આખા મિડલ ઈસ્ટમાં મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા છે. અહેવાલો મુજબ સાઉદી અરેબિયા, UAE, કતાર, બહેરીન, ઓમાન અને ઈઝરાયેલમાં અનેક જગ્યાએ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે.
વાતચીતના રસ્તા હજુ પણ ખુલ્લા છે
ભારે બોમ્બમારા છતાં ઈરાન જાહેરમાં અડગ હોવાનું દર્શાવી રહ્યું છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હુમલા બાદ બચેલી ઈરાનની લીડરશિપ હવે વાતચીત કરવા માંગે છે. અમેરિકાએ પણ નામ પૂરતા ડિપ્લોમેટિક રસ્તાઓ ખુલ્લા રાખ્યા છે, જોકે આ વાતચીત ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા નથી. આ દરમિયાન અમેરિકન સેનાએ ઈરાન પર કરેલા વિનાશક હુમલાનો એક નવો વિડીયો પણ જાહેર કર્યો છે, જે દર્શાવે છે કે આ તણાવ હજુ પણ ઘટી રહ્યો નથી.