Greenland: ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા શું ટ્રમ્પ સેના મોકલશે? વ્હાઈટ હાઉસે આપ્યો ચોંકાવનારો સંકેત, યુરોપમાં હડકંપ | Moneycontrol Gujarati
Get App

Greenland: ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા શું ટ્રમ્પ સેના મોકલશે? વ્હાઈટ હાઉસે આપ્યો ચોંકાવનારો સંકેત, યુરોપમાં હડકંપ

Donald Trump Greenland US Army: શું ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા માટે સેનાનો ઉપયોગ કરશે? વ્હાઈટ હાઉસે ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું ગણાવીને યુરોપિયન દેશોની ચિંતા વધારી દીધી છે. જાણો શું છે સમગ્ર વિવાદ.

અપડેટેડ 10:17:27 AM Jan 07, 2026 પર
Story continues below Advertisement
Donald Trump Greenland US Army: શું ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા માટે સેનાનો ઉપયોગ કરશે?

Donald Trump Greenland US Army: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના બયાનોને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે મુદ્દો છે 'ગ્રીનલેન્ડ'. ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવાની પોતાની ઈચ્છા ફરી વ્યક્ત કરી છે, પરંતુ આ વખતે વાત માત્ર ખરીદવા પૂરતી સીમિત નથી. વ્હાઈટ હાઉસે તાજેતરમાં આપેલા એક નિવેદનથી સમગ્ર યુરોપમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવા માટે તે સૈન્ય કાર્યવાહી (Military Option) નો વિકલ્પ પણ ખુલ્લો રાખી શકે છે.

શું કહ્યું વ્હાઈટ હાઉસે?

વ્હાઈટ હાઉસે રોયટર્સના સવાલોના જવાબમાં ટ્રમ્પ પ્રશાસનની મંશા સ્પષ્ટ કરી છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનલેન્ડનું અધિગ્રહણ કરવું એ અમેરિકાની 'રાષ્ટ્રીય સુરક્ષા પ્રાથમિકતા' છે. વ્હાઈટ હાઉસના નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ અંગેના અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રશાસને કહ્યું કે, "કમાન્ડર-ઈન-ચીફ (રાષ્ટ્રપતિ) પાસે અમેરિકન સેનાનો ઉપયોગ કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ હોય છે." આ વાતે યુરોપિયન દેશોના કાન સરવા કરી દીધા છે.

રશિયા અને ચીનનો ડર અને આર્કટિકનું મહત્વ

અમેરિકાને ગ્રીનલેન્ડમાં આટલો રસ કેમ છે? તેનું મુખ્ય કારણ આર્કટિક ક્ષેત્રમાં વધી રહેલી હરીફાઈ છે. ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે રશિયા અને ચીન જેવા વિરોધી દેશોને રોકવા માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ હોવું ખૂબ જરૂરી છે.


ક્લાઈમેટ ચેન્જના કારણે ગ્રીનલેન્ડમાં બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા શિપિંગ રૂટ ખુલી રહ્યા છે. ઉપરાંત, અહીં ખનીજ તત્વો અને તેલના વિપુલ ભંડારો સુધી પહોંચવું હવે આસાન બની ગયું છે. અમેરિકા આ કુદરતી સંસાધનો અને રસ્તાઓ પર પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.

યુરોપના નેતાઓ એકજૂથ: 'ગ્રીનલેન્ડ વેચાવ નથી'

ટ્રમ્પના ઈરાદાઓ સામે આવતા જ યુરોપના દિગ્ગજ નેતાઓ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સમર્થનમાં મેદાનમાં આવ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જે ઈટાલી, પોલેન્ડ અને સ્પેન સાથે મળીને અમેરિકાના આ વલણનો સખત વિરોધ કર્યો છે.

આ નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "ગ્રીનલેન્ડ ત્યાંના લોકોનું છે. તેના ભવિષ્યનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ પાસે છે." પેરિસમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરની હાજરીમાં જ બ્રિટિશ પીએમ સ્ટાર્મરે ડેનમાર્કને પોતાનું અતૂટ સમર્થન જાહેર કર્યું હતું.

ગ્રીનલેન્ડમાં એવું તે શું ખાસ છે?

ગ્રીનલેન્ડ દુનિયાનો સૌથી મોટો ટાપુ છે, જે ડેનમાર્કના તાબા હેઠળનો એક અર્ધ-સ્વાયત્ત વિસ્તાર છે. ભૌગોલિક રીતે તે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.

* વિસ્તાર: લગભગ 21.6 લાખ ચોરસ કિલોમીટર.

* વસ્તી: માત્ર 56,000 જેટલી, જેમાં 90% લોકો ઈનુઈટ (Inuit) મૂળના છે.

* સંસાધનો: તેલ, ગેસ અને દુર્લભ ખનીજોનો ખજાનો.

* સૈન્ય મથક: અમેરિકાનું પહેલેથી જ અહીં એક મોટું સૈન્ય મથક (Air Base) આવેલું છે.

ટ્રમ્પ માને છે કે ગ્રીનલેન્ડને ખરીદીને અથવા તેના પર નિયંત્રણ મેળવીને અમેરિકા પોતાની સુરક્ષા અને ઉર્જાની જરૂરિયાતોને કાયમ માટે સુરક્ષિત કરી શકે છે. જોકે, યુરોપના આકરા વિરોધ અને સૈન્ય ઉપયોગના સંકેત બાદ હવે આ મામલો વધુ ગરમાયો છે.

આ પણ વાંચો- Canada vs UK: વિદેશ જવું છે? PR માટે બ્રિટન નહીં પણ કેનેડા છે બેસ્ટ ઓપ્શન! જાણો કેમ ભારતીય વિદ્યાર્થીઓ દોડી રહ્યા છે કેનેડા?

MoneyControl News

MoneyControl News

First Published: Jan 07, 2026 10:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.