ગુજરાતમાં સાયબર ક્રાઈમ બેકાબૂ! 2016માં માત્ર 362 કેસ હતા, જે 2026માં વધીને 1 લાખને પાર પહોંચ્યા
Gujarat Cyber Crime Data 2026: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સાયબર ક્રાઈમના કેસોમાં ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. વર્ષ 2016માં નોંધાયેલા 362 કેસની સામે 2026 માં આ આંકડો 1 લાખને પાર પહોંચી ગયો છે.
પોલીસ 2019થી સક્રિય, પણ લોકજાગૃતિના અભાવે ગઠિયાઓ ફાવ્યા
Gujarat Cyber Crime Data 2026: એક જમાનો હતો જ્યારે દિવાળીના તહેવારોમાં લોકો બહારગામ જાય ત્યારે બંધ ઘરમાં ચોરી ન થાય તે માટે ખાસ તકેદારી રાખતા હતા. પરંતુ સમય બદલાતા હવે ઘરની સાથોસાથ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થઈ જાય તેના માટે પણ સતત સતર્ક રહેવું પડે છે. ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડી એટલે કે સાયબર ક્રાઈમની શરૂઆત વર્ષ 2015-16 ના અરસામાં થઈ હતી. આજે વર્ષ 2026 માં એક દાયકો પૂરો થયો છે, ત્યારે સાયબર ચીટિંગનું આ નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાઈને સંપૂર્ણપણે બેકાબૂ બની ચૂક્યું છે.
પોલીસ 2019થી સક્રિય, પણ લોકજાગૃતિના અભાવે ગઠિયાઓ ફાવ્યા
ગુજરાતમાં વર્ષ 2016 માં સાયબર ઠગાઈના માત્ર 362 ગુના નોંધાયા હતા, જે ચાલુ વર્ષે 2026 માં 1 લાખનો આંકડો વટાવી ચૂક્યા છે. જાણકારોના મતે વર્ષ 2020 થી કોરોનાના 2 વર્ષના સમયગાળા દરમિયાન ઓનલાઈન વ્યવહારો વધતા સાયબર ગઠિયાઓને મોકળું મેદાન મળી ગયું હતું.
મોબાઈલ ફોન અને ઓનલાઈન બેંકિંગની કામગીરીનો પૂરતો અનુભવ ન ધરાવતા નાગરિકો આજે પણ સરળતાથી સાયબર ઠગાઈનો શિકાર બની રહ્યા છે. ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ સામે વર્ષ 2019 થી જ સક્રિય છે અને વર્ષ 2020 માં 'સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ' હેઠળ ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ લોકોમાં જાગૃતિનો અભાવ હોવાથી સાયબર ગઠિયાઓ ફાવી રહ્યા છે.
2015માં ઓનલાઈન ઠગાઈની વાત કોઈ માનવા તૈયાર નહોતું!
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2015-16 ના ગાળામાં જ્યારે કોઈની સાથે ઓનલાઈન છેતરપિંડી થતી, ત્યારે સ્થાનિક પોલીસને પણ આ વાત પર શંકા જતી હતી. માત્ર પોલીસ જ નહીં, પરંતુ ભોગ બનનાર વ્યક્તિના સગા-સંબંધીઓ પણ આવી રીતે પૈસા ચોરાય તે વાત માનવા તૈયાર નહોતા. વર્ષ 2019 સુધી ગુજરાતમાં દર વર્ષે સાયબર ક્રાઈમનો આંકડો 800 થી આગળ વધ્યો નહોતો. પરંતુ કોરોના આવ્યા બાદ વર્ષ 2020 થી ઓનલાઈન ચીટિંગના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો. કોરોના પછી ગુજરાત પોલીસ પાસે દર વર્ષે હજારોથી લઈને કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈના 1 લાખથી વધુ કેસ આવી રહ્યા છે, જેમાંથી નોંધપાત્ર ગુના જ પોલીસ ચોપડે ચડે છે.
કોરોનાકાળમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન બેંકિંગથી વધ્યા ગુના
વર્ષ 2020 માં રાજ્યમાં સાયબર ક્રાઈમના 1,283 ગુના નોંધાયા હતા. કોરોનાના કારણે લોકો ઘરોમાં કેદ થતાં મોબાઈલનો વપરાશ, ઓનલાઈન ખરીદી અને ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. આ સમયગાળામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ વધવાની સાથે નીચે મુજબની ગુનાખોરીમાં મોટો વધારો થયો:
* ઓનલાઈન બ્લેકમેઈલિંગ અને સ્ટોકિંગ (પીછો કરવો).
* સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઈલ અને નકલી એકાઉન્ટ બનાવવા.
* મહિલાઓના ફોટા અને પ્રોફાઈલ મોર્ફ કરીને બદનામી કરવી.
ચાઈનીઝ ગઠિયાઓનું નેટવર્ક: ભારતીય યુવાનોને બંધક બનાવી કરાવાય છે ફ્રોડ
છેલ્લા 4 વર્ષ દરમિયાન ડિજિટલ ફ્રોડ કરવા માટે ચાઈનીઝ ગઠિયાઓ ખૂબ જ સક્રિય બન્યા છે. તેમણે કમ્બોડિયા, મ્યાનમાર અને રશિયા સહિતના દેશોમાં ગેરકાયદે કોલ સેન્ટરો ખોલ્યા છે. ત્યાં ભારતમાંથી યુવક-યુવતીઓને સારી નોકરીની લાલચ આપીને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને બંધક બનાવીને ભારતીયોને છેતરપિંડીના કોલ તથા મેસેજ કરવાની ફરજ પાડવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે સાયબર ગઠિયાઓ કયા સ્વરૂપે મેસેજ મોકલીને લોકોને પોતાની માયાજાળમાં ફસાવી લે તે કોઈ કહી શકતું નથી.
આ આંકડા જ સાબિત કરે છે કે ગુજરાતમાં સાયબર ક્રાઈમ કેટલી ભયાનક ઝડપે વધી રહ્યો છે. આથી દરેક નાગરિકે અજાણી લિંક, ફેક કોલ કે લાલચ આપતા મેસેજથી સાવધાન રહેવું અત્યંત જરૂરી છે.