રૂફટોપ સોલારમાં ગુજરાત નંબર 1: 5 લાખ ઇન્સ્ટોલેશન્સ અને 1,879 મેગાવોટ ક્ષમતા સાથે 2027નો લક્ષ્યાંક સમય પહેલાં જ અડધો પૂરો! | Moneycontrol Gujarati
Get App

રૂફટોપ સોલારમાં ગુજરાત નંબર 1: 5 લાખ ઇન્સ્ટોલેશન્સ અને 1,879 મેગાવોટ ક્ષમતા સાથે 2027નો લક્ષ્યાંક સમય પહેલાં જ અડધો પૂરો!

Rooftop Solar Gujarat: ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. રાજ્યમાં 5 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન્સ અને 1,879 મેગાવોટ ક્ષમતા હાંસલ કરી છે. જાણો સરકારની સબસિડી યોજના અને 2027ના લક્ષ્યાંક વિશેની સંપૂર્ણ માહિતી આ અહેવાલમાં.

અપડેટેડ 07:22:10 PM Dec 25, 2025 પર
Story continues below Advertisement
Rooftop Solar Gujarat: ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ઇતિહાસ રચ્યો છે. રાજ્યમાં 5 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન્સ અને 1,879 મેગાવોટ ક્ષમતા હાંસલ કરી છે.

Rooftop Solar Gujarat: ગુજરાતે ફરી એકવાર દેશભરમાં પોતાની અગ્રણી ઓળખ સાબિત કરી છે. રાજ્યએ નવીનીકરણીય ઊર્જા (Renewable Energy) ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી 'પીએમ સૂર્ય ઘર - મુફ્ત બિજલી યોજના' અને રાજ્ય સરકારના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતે રૂફટોપ સોલાર સેક્ટરમાં એક મોટી હરણફાળ ભરી છે.

સમય પહેલાં જ લક્ષ્યાંક સિદ્ધ: ગુજરાતની મોટી સફળતા

તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં 5,00,000થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 1,879 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ગુજરાતે માર્ચ 2027 સુધીમાં 10,00,000 આવાસીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો હતો, તેના 50% એટલે કે અડધા લક્ષ્યાંકને તો અત્યારથી જ એટલે કે સમય કરતા ઘણા વહેલા પૂરો કરી લીધો છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે અત્યાર સુધીમાં કુલ મળીને 11,00,000 થી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ્સ (વિવિધ કેટેગરીમાં) કાર્યરત થઈ ચૂકી છે.

મુખ્યમંત્રીનું વિઝન અને ગ્રીન ગ્રોથ

આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજનો યુગ સૌર, પવન અને હાઇબ્રિડ એનર્જી તેમજ ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા 'ગ્રીન ગ્રોથ'નો છે. ગુજરાતે આ પરિવર્તન માટે લાંબા સમયથી પાયાની તૈયારીઓ કરી હતી, જેના ફળસ્વરૂપે આજે રાજ્ય ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં મોટું યોગદાન આપી રહ્યું છે. પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં દેશભરમાં ડંકો વગાડ્યો છે અને સતત વિકાસના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.


નાગરિકો માટે બમ્પર સબસિડી અને લાભો

લોકો વધુને વધુ સોલાર ઉર્જા અપનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા આકર્ષક સબસિડી આપવામાં આવી રહી છે. જો તમે પણ સોલાર રૂફટોપ લગાવવા ઈચ્છતા હોવ, તો નીચે મુજબના આર્થિક લાભો મળી રહ્યા છે:

* 2 કિલોવોટ સુધી: સિસ્ટમ પર 30,000 પ્રતિ કિલોવોટની સબસિડી.

* 2 થી 3 કિલોવોટ સુધી: 18,000 પ્રતિ કિલોવોટની સબસિડી.

* 3 કિલોવોટથી વધુ: મહત્તમ 78,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે.

અત્યાર સુધીમાં આવાસીય ગ્રાહકોને કુલ 3,778 કરોડની જંગી સબસિડીનો લાભ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે બીજા પણ અનેક ફાયદા આપવામાં આવ્યા છે. જેમ કે, 6 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે 2,950 સુધીની નિયામક શુલ્ક સહાય મળે છે. ગ્રાહકો માટે નેટવર્ક મજબૂતીકરણ ચાર્જ માફ કરવામાં આવ્યો છે અને નેટ મીટરિંગ કરારથી પણ મુક્તિ આપવામાં આવી છે. સૌથી સારી વાત એ છે કે સોલાર ઇન્સ્ટોલેશન માટે કોઈ 'લોડ મર્યાદા' રાખવામાં આવી નથી અને ગ્રાહકો વધારાની વીજળી વેચીને કમાણી પણ કરી શકે છે, જેના પર કોઈ બેન્કિંગ ચાર્જ લાગતો નથી.

વાઇબ્રન્ટ ગુજરાતમાં જોવા મળશે સફળતાની ઝલક

આગામી 10 જાન્યુઆરીથી રાજકોટ ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'માં ગુજરાતના આ સોલાર મોડલને ખાસ પ્રદર્શિત કરવામાં આવશે. અહીં એવી સફળતાની વાર્તાઓ રજૂ થશે જેમાં નાગરિકોએ માત્ર પોતાનું વીજળી બિલ શૂન્ય નથી કર્યું, પરંતુ વધારાની વીજળી ગ્રીડમાં જમા કરાવીને આવક પણ મેળવી છે. ગુજરાતનું આ મોડલ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની રહ્યું છે.

આ પણ વાંચો- Stock Market 2025: આ 5 શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ સ્ટોક્સ? જાણો કોણે ડબલ કર્યા પૈસા

MoneyControl News

MoneyControl News

First Published: Dec 25, 2025 7:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.