H-1B Visa News: અમેરિકા જવાનું સપનું અધૂરું રહેશે? H-1B વિઝા બંધ કરવા બિલ રજૂ, ભારતીયો માટે મોટા ખરાબ સમાચાર
Indian Professionals in USA: અમેરિકામાં નોકરી કરતા કે જવા માંગતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર. H-1B વિઝા પ્રોગ્રામ ખતમ કરવા માટે અમેરિકી સાંસદે બિલ રજૂ કર્યું છે. જાણો આ ‘EXILE Act’ શું છે અને તેની તમારા પર શું અસર થશે.
Indian Professionals in USA: અમેરિકામાં નોકરી કરતા કે જવા માંગતા ભારતીયો માટે ચિંતાજનક સમાચાર. H-1B વિઝા પ્રોગ્રામ ખતમ કરવા માટે અમેરિકી સાંસદે બિલ રજૂ કર્યું છે.
Indian Professionals in USA: જો તમે અમેરિકામાં સેટલ થવાનું કે ત્યાં જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. અમેરિકામાં H-1B વિઝા ભારતીય પ્રોફેશનલ્સ માટે લાઈફલાઈન સમાન ગણાય છે, પરંતુ હવે આ વિઝા સિસ્ટમ પર જ પૂર્ણવિરામ મુકવાની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના એક સાંસદે H-1B વિઝા પ્રોગ્રામને કાયમ માટે બંધ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે, જે ભારતીય ટેકનોક્રેટ્સ અને પ્રોફેશનલ્સ માટે મોટા ઝટકા સમાન છે.
H-1B વિઝા ખતમ કરવા માટે ‘EXILE Act' રજૂ
અમેરિકાના ફ્લોરિડાના રિપબ્લિકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટુબ (Greg Steube) દ્વારા સંસદમાં ‘EXILE Act’ રજૂ કરવામાં આવ્યો છે. આ એક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાના ઈમિગ્રેશન અને નાગરિકતા કાયદામાં ફેરફાર કરીને H-1B વિઝા પ્રોગ્રામને નાબૂદ કરવાનો છે.
સાંસદ ગ્રેગ સ્ટુબનું કહેવું છે કે, મોટી કંપનીઓ વર્ષોથી આ સિસ્ટમનો ગેરફાયદો ઉઠાવી રહી છે. તેઓ અમેરિકન નાગરિકોને નોકરી આપવાને બદલે સસ્તા દરે વિદેશી કર્મચારીઓને બોલાવી લે છે (ઈમ્પોર્ટ કરે છે). તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમેરિકન નાગરિકોની સુખાકારીને બાજુ પર મૂકીને વિદેશી કામદારોને પ્રાથમિકતા આપવી એ આપણા દેશના હિતમાં નથી."
અમેરિકન નાગરિકોને પ્રાથમિકતા આપવાની માંગ
આ બિલ રજૂ કરવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન યુવાનો અને કામદારોને ફરીથી રોજગારીમાં પ્રાથમિકતા આપવાનું છે. સાંસદના જણાવ્યા મુજબ:
H-1B વિઝાના કારણે અમેરિકન વર્કર્સને સતત અન્યાય થઈ રહ્યો છે. કંપનીઓ નફા માટે વિદેશીઓને નોકરી આપે છે, જેનાથી સ્થાનિક લોકો બેરોજગાર બને છે. તેમણે કહ્યું કે, "આપણે આપણા બાળકોના સપનાઓને ગેર-નાગરિકોના હાથમાં ન સોંપી શકીએ. એટલે જ અમેરિકન મહેનતુ લોકોને હક અપાવવા માટે હું EXILE Act લાવ્યો છું." તમને જણાવી દઈએ કે, અમેરિકામાં કામ કરતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ H-1B વિઝા પર નિર્ભર છે. જો આ વિઝા પ્રોગ્રામ બંધ થાય તો ભારતીયોને સૌથી મોટું નુકસાન વેઠવું પડશે.
ટ્રમ્પ સરકારના કડક નિયમો અને 1 લાખ ડોલરની ફી
આ પહેલીવાર નથી જ્યારે H-1B વિઝા પર તલવાર લટકી હોય. ટ્રમ્પ પ્રશાસન પહેલેથી જ ગેરકાયદેસર અને કાયદેસર ઈમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને ટ્રમ્પે ગયા વર્ષે એક ઘોષણાપત્ર પર સહી કરી હતી, જેમાં નવા H-1B વિઝા પર 1,00,000 ડોલર જેટલી તોતિંગ ફી લગાવવાની વાત હતી. આ નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ્સમાં ભારે ડર અને અસમંજસ ફેલાઈ ગઈ હતી.
એક આંકડા મુજબ, H-1B વિઝા મેળવનારા લોકોમાં 80% થી વધુ લોકો ભારત અને ચીનના નાગરિકો હોય છે. તેમાં પણ ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. હવે જોવાનું એ રહેશે કે આ બિલ આગળ જતાં કાયદાનું સ્વરૂપ લે છે કે કેમ, પરંતુ હાલ તો આ સમાચારે ભારતીય આઈટી સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.