ટ્રમ્પ-ઝેલેન્સ્કીની ઐતિહાસિક મુલાકાત: યુદ્ધ રોકવા 95% સમજૂતી તૈયાર, પણ પુતિનના 'ના' બગાડી રહી છે બાજી
Russia-Ukraine War: ફ્લોરિડામાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠકમાં રશિયા-યુક્રેન શાંતિ કરારનો 95% હિસ્સો તૈયાર થઈ ગયો છે. જોકે, પુતિને યુદ્ધવિરામ માટે સાફ ઇનકાર કરતા સમજૂતી અટકી પડી છે. જાણો આ હાઈ-પ્રોફાઈલ બેઠકના 5 મોટા અપડેટ્સ.
Russia-Ukraine War: ફ્લોરિડામાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની બેઠકમાં રશિયા-યુક્રેન શાંતિ કરારનો 95% હિસ્સો તૈયાર થઈ ગયો છે.
Russia-Ukraine War: રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કી વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બંને નેતાઓએ દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટેનો 'શાંતિ કરાર' (Peace Deal) લગભગ 90%થી 95% સુધી તૈયાર છે. જોકે, આ ડીલ ફાઇનલ થવાની તૈયારીમાં હતી ત્યાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક વલણે મોટો અવરોધ ઊભો કર્યો છે.
એક તરફ ફ્લોરિડામાં શાંતિ માટે મંત્રણા ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ રશિયા યુક્રેન પર મિસાઇલો અને ડ્રોનથી ભીષણ હુમલા કરી રહ્યું હતું. ઝેલેન્સ્કીના મતે, પુતિન જાણીજોઈને આ હુમલાઓ કરી રહ્યા છે જેથી વાટાઘાટોમાં રશિયાનું વર્ચસ્વ જળવાઈ રહે.
આ બેઠક અને શાંતિ પ્રક્રિયાના 5 મુખ્ય અપડેટ્સ નીચે મુજબ છે:
1. જાન્યુઆરી 2026 સુધીમાં યુદ્ધ પૂરું કરવાનો પ્લાન
ઝેલેન્સ્કીએ માહિતી આપી હતી કે શાંતિ પ્રક્રિયા માટે 20-મુદ્દાની યોજના (20-point plan) બનાવવામાં આવી છે. આ સમજૂતીનો 90%થી 95% ભાગ તૈયાર થઈ ચૂક્યો છે. સૌથી મોટી સફળતા એ છે કે સુરક્ષા ગેરંટી અને સૈન્ય જોગવાઈઓ પર બંને પક્ષો 100% સહમત છે. આ કરારને આખરી ઓપ આપીને જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
2. યુદ્ધવિરામ પર પુતિનનો ઇનકાર
શાંતિ કરારમાં સૌથી મોટો પેંચ યુદ્ધવિરામને લઈને ફસાયો છે. ઝેલેન્સ્કી ઈચ્છે છે કે વિવાદિત વિસ્તારોમાં જનમત સંગ્રહ (Referendum) કરાવવામાં આવે, જેના માટે કામચલાઉ યુદ્ધવિરામ જરૂરી છે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે પુતિન આ માટે તૈયાર નથી. ક્રેમલિનને ડર છે કે જો યુદ્ધવિરામ થશે, તો યુક્રેન તે સમયનો ઉપયોગ પોતાની સેનાને ફરીથી સજ્જ અને મજબૂત કરવા માટે કરશે.
3. ટ્રમ્પ અને પુતિન વચ્ચે 'સિક્રેટ' કોલ
ઝેલેન્સ્કી સાથે મુલાકાત પહેલાં જ ટ્રમ્પે પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, "પુતિન પણ ઈચ્છે છે કે યુક્રેન એક સફળ દેશ બને." એટલું જ નહીં, રશિયા યુક્રેનને ઓછી કિંમતે ઉર્જા અને વીજળી પૂરી પાડવા જેવા વિષયો પર પણ ઉદાર વલણ ધરાવે છે.
4. ડોનબાસ વિસ્તાર પર કોકડું ગૂંચવાયું
કરારનો મોટો ભાગ તૈયાર હોવા છતાં, જમીનના વિવાદ પર હજુ સુધી સહમતી સધાઈ નથી. ખાસ કરીને ડોનબાસ ક્ષેત્રને લઈને બંને દેશો વચ્ચે મડાગાંઠ યથાવત છે. રશિયા ડોનબાસને પોતાનો હિસ્સો ગણાવે છે, જ્યારે યુક્રેન પોતાની જમીન છોડવા તૈયાર નથી. ટ્રમ્પે આ મુદ્દાને 'જટિલ' ગણાવ્યો હતો, પરંતુ આશા વ્યક્ત કરી હતી કે આગામી અઠવાડિયામાં તેનો ઉકેલ આવી શકે છે.
5. બંધ બારણે યોજાયેલી ગુપ્ત બેઠક
માર-એ-લાગોમાં મીટિંગ શરૂ થતાં પહેલાં ટ્રમ્પે મીડિયાને બહાર જવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે અત્યંત ગુપ્ત રીતે આગળની રણનીતિ પર ચર્ચા થઈ હતી. આ દર્શાવે છે કે કેટલીક બાબતો હજુ જાહેર કરવામાં આવી નથી.
ક્યારે આવશે શાંતિ?
ટ્રમ્પનું માનવું છે કે આ ડીલ આવનારા અઠવાડિયામાં થઈ શકે છે, જ્યારે ઝેલેન્સ્કીએ જાન્યુઆરી 2026ની ડેડલાઇન નક્કી કરી છે. યુક્રેનને સુરક્ષાની ગેરંટી મળી ગઈ છે, પરંતુ જમીનની વહેંચણીનો મુદ્દો હજુ પણ સળગતો છે. હાલમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર ચાલુ છે અને યુદ્ધના મેદાનમાં સ્થિતિ તંગ છે.