US tariffs on India: ‘ભારત પર ટૅરિફ ઝીંકશો તો મોટી આફત આવશે', જેપી મોર્ગનના CEO જેમી ડિમોને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુલ્લી ચેતવણી | Moneycontrol Gujarati
Get App

US tariffs on India: ‘ભારત પર ટૅરિફ ઝીંકશો તો મોટી આફત આવશે', જેપી મોર્ગનના CEO જેમી ડિમોને અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુલ્લી ચેતવણી

US tariffs on India: જેપી મોર્ગનના CEO જેમી ડિમોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે રશિયન ઓઇલ મુદ્દે ભારત પર ટૅરિફ લગાવવાથી વૈશ્વિક ક્રૂડ બજારમાં મોટી આફત સર્જાશે. જાણો આ પાછળનું ટેકનિકલ ગણિત.

અપડેટેડ 01:45:41 PM Sep 22, 2026 પર
Story continues below Advertisement
મુંબઈમાં યોજાયેલી 'જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર કોન્ફરન્સ'માં જેમી ડિમોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો અમેરિકા રશિયન તેલના મુદ્દે ભારત પર ટૅરિફ ઝીંકશે તો તેનાથી કંઈ હાંસલ નહીં થાય, ઊલટાની આખી દુનિયાના ઊર્જા બજાર માટે મોટી આફત ઊભી થઈ જશે.

US tariffs on India: અમેરિકામાં હાલમાં રશિયન ઓઇલ ખરીદવા મુદ્દે ભારત પર 100 ટકા જેટલો તોતિંગ ટૅરિફ લગાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે વિશ્વની સૌથી મોટી ફાઇનાન્સિયલ કંપની જેપી મોર્ગનના ચેરમેન અને CEO જેમી ડિમોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી અને કડક ચેતવણી આપી છે.

મુંબઈમાં યોજાયેલી 'જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર કોન્ફરન્સ'માં જેમી ડિમોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો અમેરિકા રશિયન તેલના મુદ્દે ભારત પર ટૅરિફ ઝીંકશે તો તેનાથી કંઈ હાંસલ નહીં થાય, ઊલટાની આખી દુનિયાના ઊર્જા બજાર માટે મોટી આફત ઊભી થઈ જશે.

ભારત રશિયન ઓઇલ કેમ ખરીદે છે? સમજો રિફાઇનરીનું વિજ્ઞાન

જેમી ડિમોને આખી ઘટના પાછળનું ટેકનિકલ ગણિત બહુ જ સરળ ભાષામાં સમજાવ્યું. તેમણે કહ્યું કે, આખી વાત માત્ર ભારત સસ્તું ઓઇલ ખરીદે છે ત્યાં સુધી સીમિત નથી. અસલ કારણ ભારતની રિફાઇનરીઓનું માળખું છે. ભારતની ઓઇલ રિફાઇનરીઓ ચોક્કસ પ્રકારના ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. જો ભારત દબાણમાં આવીને રશિયાનું તેલ લેવાનું બંધ કરે, તો તેને પોતાની જરૂરિયાત પૂરી કરવા બીજે ક્યાંકથી તેલ ખરીદવું પડશે. પરંતુ, બજારમાં મળતું નવું તેલ ભારતની મશીનરી અને રિફાઇનરીઓને એ જ રીતે માફક આવે તેવું બિલકુલ જરૂરી નથી.

તેલના ભાવ આસમાને પહોંચશે અને નુકસાન આખી દુનિયાને થશે


ડિમોને ગ્લોબલ સપ્લાય ચેઇનની હકીકત જણાવતા કહ્યું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો તે તેલ દુનિયામાંથી ગાયબ નહીં થઈ જાય. રશિયા તેને બીજા કોઈ માર્કેટમાં વેચી દેશે. બીજી બાજુ, ભારત જેવા વિશાળ દેશને પોતાની રિફાઇનરીઓ ચાલુ રાખવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય દેશો પાસેથી મોટા પાયે તેલ ખરીદવા દોડવું પડશે. આવા સંજોગોમાં માંગ અચાનક વધવાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થશે. ઓઇલ મોંઘુ થવાનું આ નુકસાન આખી દુનિયાએ અને ખુદ અમેરિકાએ ભોગવવું પડશે.

યુક્રેનને મદદ કરો, પણ ભારત સાથે મળીને રસ્તો કાઢો

જેમી ડિમોન રશિયા પર કાર્યવાહી કરવાના વિરોધી બિલકુલ નથી. તેમણે સ્વીકાર્યું કે અમેરિકાએ યુક્રેનને પૂરી મદદ કરવી જોઈએ અને રશિયા પર દબાણ પણ બનાવવું જોઈએ. પરંતુ તેમનો વાંધો અમેરિકાની રીત અને તેની આડઅસરો સામે છે. તેમની સલાહ છે કે અમેરિકાએ ભારત સાથે ટેબલ પર બેસીને ચર્ચા કરવી જોઈએ કે પ્રતિબંધો કેવી રીતે લાગુ કરી શકાય. રશિયાને દબાવવાની ઉતાવળમાં ભારતની વિશાળ રિફાઇનિંગ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો ન લાગવો જોઈએ. ભારત વિશ્વના સૌથી મોટા તેલ આયાતકારોમાંનું એક છે, જે કાચા તેલમાંથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ બનાવે છે. તેને છંછેડવાથી વૈશ્વિક સપ્લાય ખોરવાઈ જશે.

અટકેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ જલ્દી પૂરી કરવા અપીલ

પોતાની વાત માત્ર ક્રૂડ ઓઇલ પૂરતી મર્યાદિત ન રાખતા જેમી ડિમોને ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલા દ્વિપક્ષીય વેપાર કરારને પણ જલ્દી આગળ વધારવા અપીલ કરી છે. તેમણે બંને દેશોની સરકારને સલાહ આપી છે કે વેપાર અને રોકાણ વધારવા માટે નિયમોની સ્પષ્ટતા બહુ જ જરૂરી છે. જેમી ડિમોનની આ ચેતવણી ટ્રમ્પ પ્રશાસન માટે એક મોટો આર્થિક ઈશારો છે કે જમીની હકીકત અને ઓઇલ બજારના ગણિતને અવગણીને લેવાયેલા પગલાં અમેરિકા સહિત સહુ કોઈ માટે નુકસાનકારક સાબિત થશે.

આ પણ વાંચો - ‘વંદે માતરમ'ના 6 અંતરા ગાવા ફરજિયાત? ન ગાવા પર સજાની જોગવાઈ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે 2 સપ્તાહમાં માંગ્યો જવાબ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2026 1:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.