US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને કતાર મારફતે અમેરિકાને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે અને હોર્મુઝ ખોલવા માટે 7 આકરી શરતો મૂકી છે.
ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ પોતાના રશિયા પ્રવાસ દરમિયાન ઈરાનની આ શરતો ફરીથી રજૂ કરી હતી.
US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે હવે સમાધાન અને વાતચીતની નવી આશા જાગી છે. ઈરાને મધ્યસ્થી દેશ કતાર મારફતે અમેરિકાને એક નવો અણુ અને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા પ્રમાણે, અમેરિકા હાલમાં આ પ્રસ્તાવનો અભ્યાસ અને સમીક્ષા કરી રહ્યું છે. જોકે, ઈરાને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અણુ મુદ્દે કે અન્ય કોઈપણ પ્રકારની વાટાઘાટો શરૂ કરતા પહેલા અમેરિકાએ તેની 7 શરતો સ્વીકારવી પડશે.
હોર્મુઝ ખોલવા માટે ઈરાને મૂકી આ 7 આકરી શરતો
ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી મોહસિન રઝાઈએ પોતાના રશિયા પ્રવાસ દરમિયાન ઈરાનની આ શરતો ફરીથી રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી અમેરિકા તેમની 7 માંગણીઓ નહીં માને, ત્યાં સુધી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ખોલવામાં આવશે નહીં અને કોઈ વાતચીત પણ નહીં થાય. ઈરાનની આ શરતોમાં નીચેની મુખ્ય બાબતો સામેલ છે:
* ઈરાન પર લાદવામાં આવેલા તમામ આર્થિક પ્રતિબંધો તાત્કાલિક હટાવવા.
* વિદેશોમાં જપ્ત (ફ્રીઝ) કરવામાં આવેલી ઈરાનની સંપત્તિને મુક્ત કરવી.
* યુદ્ધના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવું.
* અમેરિકન નૌકાદળ દ્વારા કરવામાં આવેલી નાકેબંધી દૂર કરવી.
* મધ્ય પૂર્વ (Middle East) ના દેશોમાંથી અમેરિકન સૈન્યની સંપૂર્ણ વાપસી કરવી.
વાતચીતની પદ્ધતિને લઈને બંને દેશો વચ્ચે મતભેદ
બીજી બાજુ, અમેરિકાનું માનવું છે કે કોઈપણ પ્રારંભિક વાતચીતમાં અણુ (Nuclear) મુદ્દાનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે. આ કારણે બંને દેશો વચ્ચે માત્ર માંગણીઓને લઈને જ નહીં, પરંતુ વાતચીત કઈ રીતે આગળ વધારવી તેની પદ્ધતિ અંગે પણ મતભેદો ઊભા થયા છે. કતાર અને અન્ય મધ્યસ્થી દેશો આ વિવાદનું નિરાકરણ લાવીને માહોલ શાંત પાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. જોકે, આગળની સમગ્ર વાતચીતનો આધાર વોશિંગ્ટન આ શરતો પર શું પ્રતિભાવ આપે છે તેના પર જ રહેલો છે.
અમેરિકાની મિડટર્મ ચૂંટણી બાદ ફરી યુદ્ધ ભડકવાની આશંકા
ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ આ ભીષણ સંઘર્ષની શરૂઆત થઈ હતી. ધીમે-ધીમે તેની અસર સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ ગઈ હતી, જેમાં લેબેનોનનું હિઝબુલ્લાહ સંગઠન અને યમનના હુતી વિદ્રોહીઓ પણ સામેલ થઈ ગયા હતા.
હાલમાં એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ પૂરી થયા બાદ બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય ટકરાવ શરૂ થઈ શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી બાદ ફરીથી લશ્કરી કાર્યવાહી કરવાની શક્યતાઓને નકારી નથી. સામે પક્ષે ઈરાને પણ કડક ચેતવણી આપી છે કે જો ફરીથી યુદ્ધ શરૂ થશે, તો આ વખતે તે અગાઉ કરતાં પણ વધુ આકરો વળતો પ્રહાર કરશે.