Iran-US War Crisis: યુદ્ધના આરે ઉભેલા ટ્રમ્પને આ 4 દેશોએ કેવી રીતે રોક્યા? અમેરિકાને પણ આપી દીધી ખુલ્લી ચેતવણી
Iran-US War Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, પણ 4 આરબ દેશોની ચેતવણીએ ડોનાલ્ડ ટ્રમ્પને પીછેહઠ કરવા મજબૂર કર્યા. જાણો કેવી રીતે સાઉદી, કતાર, ઓમાન અને ઇજિપ્તે મિડલ ઈસ્ટને મોટી તબાહીથી બચાવ્યું.
Iran-US War Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા, પણ 4 આરબ દેશોની ચેતવણીએ ડોનાલ્ડ ટ્રમ્પને પીછેહઠ કરવા મજબૂર કર્યા.
Iran-US War Crisis: છેલ્લા થોડા દિવસોથી આખી દુનિયાના શ્વાસ અધ્ધર હતા. દરેકને એમ જ હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે હવે યુદ્ધ નક્કી છે. જોકે, મિડલ ઈસ્ટ પર મંડરાઈ રહેલું આ મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં પડદા પાછળ કંઈક એવી જબરદસ્ત ગેમ રમાઈ જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક વલણ અચાનક નરમ પડી ગયું.
આ આખી બાજી પલટાવવામાં ચાર આરબ દેશોએ સંકટમોચનની ભૂમિકા ભજવી છે. આ દેશો છે - સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્ત. આવો જાણીએ કે આખરે આ દેશોએ એવું તે શું કર્યું કે ટ્રમ્પે હુમલો માંડી વાળ્યો.
અમેરિકાને સીધી ધમકી: ઈકોનોમી બરબાદ થઈ જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વોશિંગ્ટનમાં ઈરાન પર હુમલો કરવાના પ્લાન બની રહ્યા હતા, ત્યારે બીજી બાજુ રિયાધ, દોહા, મસ્કત અને કૈરોથી સતત અમેરિકા પર ફોન રણકી રહ્યા હતા. આ ચાર દેશોએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દીધું હતું કે જો તમે ઈરાન પર હુમલો કર્યો, તો તેના પરિણામો ભયંકર આવશે.
તેમણે અમેરિકાને ચેતવણી આપી કે યુદ્ધ થતાની સાથે જ ક્રૂડ ઓઈલ (તેલ)ના ભાવ આસમાને પહોંચી જશે. દુનિયાભરની સપ્લાય ચેઈન તૂટી જશે અને તેની સીધી અસર અમેરિકાના અર્થતંત્ર પર પડશે. આ આગ માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નહીં રહે, પણ આખી દુનિયાએ તેના માઠા પરિણામો ભોગવવા પડશે. આ આર્થિક દબાણે વોશિંગ્ટનને વિચારતું કરી દીધું હતું.
ઈરાનને પણ આપી લાલ આંખ
આ ચાર દેશોએ માત્ર અમેરિકાને જ નહીં, પણ ઈરાનને પણ કડક શબ્દોમાં મેસેજ આપી દીધો હતો. સાઉદી અને અન્ય દેશોએ ઈરાનને સ્પષ્ટ કહ્યું હતું કે, "જો અમેરિકા હુમલો કરે અને તેના જવાબમાં તમે અમારા દેશમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા, તો અમે ચૂપ નહીં બેસીએ."
તેમણે ઈરાનને ધમકી આપી કે જો અમને આ યુદ્ધમાં ઘસડવામાં આવ્યા, તો ઈરાન સાથેના તમામ રાજદ્વારી અને વેપારી સંબંધો તોડી નાખવામાં આવશે. ઈરાન પહેલાથી જ આર્થિક પ્રતિબંધો અને મુશ્કેલીઓથી ઘેરાયેલું છે, તેથી આ ચેતવણી તેમના માટે ખૂબ ગંભીર હતી.
આરબ દેશોના ડરનું સાચું કારણ શું?
સ્વાભાવિક છે કે સાઉદી અરેબિયા અને ગલ્ફ દેશો કોઈ પરોપકાર માટે નહીં પણ પોતાના સ્વાર્થ અને સુરક્ષા માટે ચિંતિત હતા. ગલ્ફ દેશોમાં અમેરિકાના મોટા લશ્કરી બેઝ આવેલા છે. જો યુદ્ધ થાય તો ઈરાન સૌથી પહેલા આ બેઝ પર હુમલો કરી શકે છે.
ઉપરાંત, 2019માં સાઉદી અરામકો પર થયેલા હુમલાની યાદો હજુ તાજી છે. આ દેશોને ડર હતો કે યુદ્ધની સ્થિતિમાં તેમના તેલના કુવાઓ અને પાવર પ્લાન્ટ્સને મોટું નુકસાન થઈ શકે છે. વર્ષોની મહેનત બાદ ઉભી કરેલી આર્થિક પ્રગતિ યુદ્ધની આગમાં હોમાઈ જાય તે તેમને પોસાય તેમ નહોતું.
ટ્રમ્પની પીછેહઠ અને બદલાયેલો સૂર
આ ચારેય દેશોના દબાણની અસર ગુરુવારે (15 જાન્યુઆરી) મોડી રાત્રે જોવા મળી. જે ટ્રમ્પ પહેલા "મદદ મોકલી રહ્યા છીએ" જેવી વાતો કરીને યુદ્ધની તૈયારી બતાવતા હતા, તેમણે અચાનક વલણ બદલી નાખ્યું. ટ્રમ્પે નરમાશથી કહ્યું કે, "અમને આશા છે કે ઈરાન હવે દેખાવકારોને ફાંસી નહીં આપે."
ઈરાની રાજદૂતે પણ દાવો કર્યો છે કે ખુદ ટ્રમ્પે ફોન કરીને ખાતરી આપી હતી કે અમેરિકા હુમલો નહીં કરે. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પને રોકવામાં રશિયા કે ચીન નહીં, પણ અમેરિકાના આ ચાર ખાસ મિત્ર દેશોનું દબાણ કામ કરી ગયું છે.