Jeffrey Epstein: જેફરી એપસ્ટિન કેસમાં મોટો ધડાકો! ઈલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ 2015માં એક ‘વાઈલ્ડ' ડિનર પાર્ટીમાં એપસ્ટિન સાથે જોવા મળ્યા હોવાનો દાવો.
Jeffrey Epstein: જેફરી એપસ્ટિન કેસના નવા જાહેર થયેલા દસ્તાવેજોએ ફરી એકવાર દુનિયાભરમાં અને ખાસ કરીને ટેક જગતમાં ભારે ચર્ચા જગાવી છે. અત્યાર સુધી આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ઘણા મોટા માથાઓના નામ ઉછળ્યા હતા, પરંતુ હવે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક તસવીરોએ ઈલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ જેવી હસ્તીઓને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ, ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને મેટા (ફેસબુક)ના CEO માર્ક ઝુકરબર્ગ વર્ષ 2015માં આયોજિત એક ડિનર પાર્ટીમાં જેફરી એપસ્ટિન સાથે હાજર હતા. નવાઈની વાત એ છે કે, ઈલોન મસ્ક ભૂતકાળમાં ઘણીવાર એવો દાવો કરી ચૂક્યા છે કે તેઓ એપસ્ટિનની કોઈ પણ પાર્ટીમાં ક્યારેય ગયા નથી. ત્યારે આ નવા પુરાવાઓ તેમના દાવા સામે સવાલો ઉભા કરી રહ્યા છે.
શું હતું ‘વાઈલ્ડ' ડિનર પાર્ટીમાં?
રિપોર્ટ્સ અને જાહેર થયેલા દસ્તાવેજો પ્રમાણે, આ ઘટના ઓગસ્ટ 2015ની છે. કેલિફોર્નિયામાં એક ખાસ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સામે આવેલી તસવીરમાં ઈલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ એક લાંબા ડાઈનિંગ ટેબલ પર આમને-સામને બેસીને ભોજન લેતા અને વાતચીત કરતા નજરે પડે છે. એવું માનવામાં આવે છે કે આ ફોટો ખુદ જેફરી એપસ્ટિને જ ક્લિક કર્યો હતો.
તપાસ દરમિયાન એપસ્ટિનના ઈમેલ્સમાંથી પણ મહત્વની કડીઓ મળી છે:
2 ઓગસ્ટ, 2015: એપસ્ટિને તેના મિત્ર પીટર એટિયાને ઈમેલ કરીને જણાવ્યું હતું કે તે આજે રાત્રે ઈલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ અને પેપાલના કો-ફાઉન્ડર પીટર થિએલ સાથે ડિનર કરવાનો છે.
20 ઓગસ્ટ, 2015: પાર્ટી પછીના એક ઈમેલમાં એપસ્ટિને આ મુલાકાતને ‘વાઈલ્ડ' એટલે કે અત્યંત રોમાંચક ગણાવી હતી.
એટલું જ નહીં, મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે એપસ્ટિને આ હાઈ-પ્રોફાઈલ ડિનરની તસવીરની એક કોપી પોતાના મેનહેટન સ્થિત એપાર્ટમેન્ટમાં પણ લગાવી રાખી હતી, જે કદાચ તેના પ્રભાવશાળી કનેક્શન્સ બતાવવા માટે હતી.
FBIની તપાસમાં શું ખુલાસો થયો?
આ મામલે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા લાંબી તપાસ કરવામાં આવી છે. એજન્સીએ વર્ષોના બેન્ક રેકોર્ડ્સ અને પીડિતોના નિવેદનો ચકાસ્યા છે. તપાસનું તારણ કંઈક આવું છે. જેફરી એપસ્ટિન પોતે સગીરાઓના યૌન શોષણમાં સંડોવાયેલો હતો તેના તો પૂરતા પુરાવા મળ્યા છે. જોકે, એપસ્ટિન મોટા અને શક્તિશાળી લોકો માટે કોઈ ‘ઓર્ગેનાઈઝડ સેક્સ ટ્રાફિકિંગ રિંગ’ ચલાવતો હતો કે કેમ, તેના કોઈ સજ્જડ પુરાવા મળ્યા નથી. એટલે કે, મસ્ક કે ઝુકરબર્ગ જેવા હાઈ-પ્રોફાઈલ મિત્રો એપસ્ટિનના ગુનાઓમાં સીધી રીતે સામેલ હતા, તેવું સાબિત કરતા પુરાવા હજુ સુધી હાથ લાગ્યા નથી.
આગળ શું થશે?
હાલમાં એસોસિએટેડ પ્રેસ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ લાખો પાનાના આ દસ્તાવેજોને ઝીણવટપૂર્વક તપાસી રહી છે. આ લિસ્ટમાં માત્ર ટેક લીડર્સ જ નહીં, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન અને બિલ ગેટ્સ જેવા વૈશ્વિક નેતાઓના નામનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં આ દસ્તાવેજોમાંથી વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પૂરી શક્યતા છે.