અમદાવાદ પ્લેન ક્રેશની મોટી અસર: એર ઈન્ડિયા પરથી લોકોનો ભરોસો તૂટ્યો, ભારત-બ્રિટન રૂટ પર મુસાફરોની સંખ્યામાં મોટો કડાકો
Ahmedabad plane crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ બાદ મુસાફરોનો કંપની પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. બ્રિટિશ મીડિયા મુજબ ભારત-બ્રિટન રૂટ પર પેસેન્જર ટ્રાફિકમાં 32% સુધીનો ઘટાડો નોંધાયો છે. જાણો તપાસ રિપોર્ટ અંગે લેટેસ્ટ અપડેટ.
Ahmedabad plane crash: અમદાવાદ એર ઈન્ડિયા દુર્ઘટનાની ગંભીર અસર
Ahmedabad plane crash: અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલા ગોઝારા એર ઈન્ડિયા પ્લેન ક્રેશના ઘા હજુ રૂઝાયા નથી. આ ભયાનક અકસ્માતમાં 260 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ મુસાફરોના મનમાં ડર બેસી ગયો છે અને એર ઈન્ડિયા માટે લોકોનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવવો હવે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. બ્રિટિશ મીડિયાના એક લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દુર્ઘટના પછી એર ઈન્ડિયાના પેસેન્જર ટ્રાફિકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
સેફ્ટી સ્ટાન્ડર્ડને લઈને ગંભીર આરોપો
બ્રિટિશ રિપોર્ટ મુજબ, પ્લેન ક્રેશ બાદ કંપનીની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. કેટલાક મુસાફરોએ એવા ગંભીર આરોપ પણ લગાવ્યા છે કે, આટલી મોટી દુર્ઘટના પછી પણ એર ઈન્ડિયા દ્વારા સેફ્ટી સ્ટાન્ડર્ડના નિયમોનું પાલન કરવામાં બેદરકારી રખાઈ છે અને ભૂલો પર ઢાંકપીછોડો કરવામાં આવ્યો છે. આ ડર અને નારાજગીના કારણે ભારત અને બ્રિટન વચ્ચે ઉડાન ભરતા મુસાફરોએ હવે અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.
ભારત-બ્રિટન રૂટ પર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો
આ ઘટના પહેલા વર્ષ 2025ની શરૂઆતમાં એર ઈન્ડિયા માટે બધું જ બરાબર ચાલી રહ્યું હતું. જાન્યુઆરીથી મે મહિના દરમિયાન આ રૂટ પર પેસેન્જર ટ્રાફિકમાં 18 થી 32 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જુલાઈ 2025 સુધી પણ સ્થિતિ સામાન્ય રહી હતી, પરંતુ ઓગસ્ટ મહિનાથી અકસ્માતની અસર આંકડાઓમાં દેખાવા લાગી અને ટ્રાફિકમાં મોટો કડાકો બોલી ગયો.
આંકડા શું કહે છે?
ઓગસ્ટથી ડિસેમ્બર 2025 વચ્ચે એર ઈન્ડિયાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ રહ્યા તેના ચોંકાવનારા આંકડા:
ઓગસ્ટ 2025: માત્ર 85,024 મુસાફરોએ મુસાફરી કરી (જ્યારે અગાઉના વર્ષે ઓગસ્ટમાં આ સંખ્યા 96,576 હતી).
સપ્ટેમ્બર 2025: આંકડો ઘટીને 81,291 પર આવી ગયો (જ્યારે સપ્ટેમ્બર 2024 માં 1,00,559 લોકોએ મુસાફરી કરી હતી).
સરેરાશ ઘટાડો: અગાઉ ઓગસ્ટથી ઓક્ટોબર મહિનામાં દર મહિને સરેરાશ 1 લાખ લોકો આ રૂટ પર મુસાફરી કરતા હતા, જે હવે ઘટીને માંડ 80 હજાર પર આવી ગયા છે.
તપાસ રિપોર્ટ ક્યારે આવશે?
12 જૂનની ઘટનાને ઘણો સમય પસાર થઈ ગયો હોવા છતાં, પીડિતો અને તેમના પરિવારો હજુ પણ અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, "અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ હવે તેના બિલકુલ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ આ દુર્ઘટના પાછળના કારણો દર્શાવતો વિગતવાર અંતિમ રિપોર્ટ લોકો સમક્ષ જાહેર કરવામાં આવશે."
એક તરફ તપાસનો અંતિમ રિપોર્ટ આવવાની તૈયારી છે, ત્યારે બીજી તરફ મુસાફરોનો વિશ્વાસ જીતવો એર ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આગામી સમયમાં સેફ્ટીના નિયમો કડક નહીં કરાય તો કંપનીને હજુ મોટો ફટકો પડી શકે છે.