આ છટણીનો ભોગ બનેલા એક કર્મચારીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેમને આ અંગે અગાઉથી કોઈ જ જાણકારી આપવામાં આવી ન હતી. સોમવારે સવારે (31 ઓગસ્ટ) અચાનક એક કોલ માટેનું ઇન્વાઇટ મળ્યું, જેમાં ભારતભરની ઓફિસોના અનેક કર્મચારીઓ જોડાયા હતા.
PayPal Layoffs: આઈટી અને ફિનટેક સેક્ટરમાં નોકરીઓ જવાનો સિલસિલો હજુ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકન ફિનટેક દિગ્ગજ કંપની પેપાલ દ્વારા એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાનો ખર્ચ ઘટાડવા માટે દુનિયાભરમાં છટણી કરવાનું શરૂ કર્યું છે, જેની સીધી અસર ભારતમાં કામ કરતા કર્મચારીઓ પર પણ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેપાલ હોલ્ડિંગ્સે ભારતમાં પોતાની અલગ-અલગ ટીમોમાંથી આશરે 600 જેટલા કર્મચારીઓને અચાનક નોકરીમાંથી કાઢી મૂક્યા છે. કંપની વિશ્વભરમાં પોતાના વર્કફોર્સમાં મોટા ફેરફારો કરી રહી છે.
ભારતમાં ક્યાં અને કોની નોકરી ગઈ?
મનીકંટ્રોલના રિપોર્ટને ટાંકીને જાણવા મળ્યું છે કે, ભારતમાં પેપાલના ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ ઓફિસમાં આ છટણી કરવામાં આવી છે. ભારતમાં પેપાલના કુલ 6,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 600 લોકોને છૂટા કરવામાં આવ્યા છે, એટલે કે કુલ સ્ટાફમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. જેમને કાઢવામાં આવ્યા છે તે ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ઓપરેશન્સ, પેમેન્ટ્સ અને ફાઇનાન્સ વિભાગમાં કામ કરતા હતા.
રાતોરાત છીનવાઈ ગઈ નોકરી, સિસ્ટમ એક્સેસ પણ બંધ
આ છટણીનો ભોગ બનેલા એક કર્મચારીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેમને આ અંગે અગાઉથી કોઈ જ જાણકારી આપવામાં આવી ન હતી. સોમવારે સવારે (31 ઓગસ્ટ) અચાનક એક કોલ માટેનું ઇન્વાઇટ મળ્યું, જેમાં ભારતભરની ઓફિસોના અનેક કર્મચારીઓ જોડાયા હતા. આ કોલમાં જ તેમને જણાવી દેવામાં આવ્યું કે તેઓને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. કોલ પૂરો થતાની સાથે જ તમામ સિસ્ટમનું એક્સેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓને માત્ર એક ઈમેલ મળ્યો, જેમાં 1 મહિનાનો પગાર આપવાનો અને નવી નોકરી શોધવામાં થોડી મદદ કરવાનો ઉલ્લેખ હતો. જોકે, ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વિશ્વભરમાં અલગ-અલગ રાઉન્ડમાં છટણી ચાલુ
પેપાલમાં આ છટણી માત્ર ભારત પૂરતી સીમિત નથી. કંપની અલગ-અલગ રાઉન્ડમાં સ્ટાફ ઘટાડી રહી છે. તેની શરૂઆત ભારત સહિત એશિયા-પેસિફિક રીજિયનથી કરવામાં આવી છે. ત્યારબાદ સોમવારે અમેરિકા, યુરોપ, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના કર્મચારીઓ સાથે પણ આવી જ મીટિંગ્સ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ, આયર્લેન્ડમાં પણ એક જ દિવસમાં 164 લોકો તે દેશના કુલ સ્ટાફના 12 ટકા ને નોકરીમાંથી કાઢી મુકાયા છે.
આગામી વર્ષોમાં કુલ 20 ટકા નોકરીઓ કપાશે
નોંધનીય છે કે, કંપનીના મેનેજમેન્ટે મે મહિનામાં જ જાહેરાત કરી હતી કે આવનારા 2 થી 3 વર્ષમાં ગ્લોબલ વર્કફોર્સમાં 20 ટકાનો કાપ મુકાશે. 2025ના અંત સુધીના આંકડા જોઈએ તો, પેપાલમાં વિશ્વભરમાં અંદાજે 23,800 કર્મચારીઓ હતા. આ આંકડા મુજબ 20 ટકા જોબ કટનો સીધો અર્થ એ છે કે, વિશ્વભરમાં કુલ 4,760 જેટલા કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવાનો વારો આવશે.
પેપાલનો આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં ખર્ચ ઘટાડવાનું દબાણ મોટી કંપનીઓ પર પણ છે. કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના આ રીતે છટણી થવાથી આઈટી સેક્ટરમાં કામ કરતા લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. નફાકારકતા જાળવી રાખવા માટે ફિનટેક કંપનીઓ હવે કડક પગલાં લઈ રહી છે.