માત્ર 2 કરોડમાં બનેલી 'હનુમાન અંશ'ની કમાણી 62 કરોડને પાર! જાણો કઈ રીતે આ ફિલ્મે યશની Toxicનો ખેલ બગાડ્યો
Hanuman Ansh Box Office Collection: માત્ર 2 કરોડના બજેટમાં બનેલી 'હનુમાન અંશ' ફિલ્મે બોક્સ ઓફિસ પર 62 કરોડથી વધુ કમાણી કરી ઇતિહાસ રચ્યો છે. જાણો કેવી રીતે આ ફિલ્મે યશની મેગા બજેટ ‘Toxic'ને પણ પાછળ રાખી દીધી.
‘હનુમાન અંશ’ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેને દેશભરમાં માત્ર 250 સ્ક્રીન જ મળી હતી. પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન માત્ર 90 લાખ જ રહ્યું હતું. એટલે કે કમાણી 1 કરોડ સુધી પણ પહોંચી શકી ન હતી.
Hanuman Ansh Box Office Collection: બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ હિટ જશે અને કઈ ફ્લોપ, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. મોટા સ્ટાર્સ અને કરોડોના બજેટવાળી ફિલ્મો પણ ઘણીવાર પાણીમાં બેસી જાય છે. પરંતુ, ક્યારેક કોઈ નાનકડા બજેટની ફિલ્મ એવો કમાલ કરી જાય છે કે આખી ઇન્ડસ્ટ્રી જોતી રહી જાય. નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ ‘હનુમાન અંશ' સાથે બરાબર આવું જ બન્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર 1.8 થી 2 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે શરૂઆતમાં ભલે ધીમી ગતિ પકડી હોય, પરંતુ આજે તેનું બોક્સ ઓફિસ કલેક્શન 62 કરોડને પાર પહોંચી ગયું છે. ચાલો જાણીએ આ ફિલ્મે કેવી રીતે આ ચમત્કાર કર્યો.
શરૂઆત હતી નિરાશાજનક, ફ્લોપ જવાનો હતો ડર
‘હનુમાન અંશ’ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેને દેશભરમાં માત્ર 250 સ્ક્રીન જ મળી હતી. પહેલા અઠવાડિયામાં ફિલ્મનું કલેક્શન માત્ર 90 લાખ જ રહ્યું હતું. એટલે કે કમાણી 1 કરોડ સુધી પણ પહોંચી શકી ન હતી. બીજા અઠવાડિયામાં તો સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ફિલ્મના શો ઘટાડી દેવામાં આવ્યા અને માત્ર 40 સ્ક્રીન જ બચી. આ દરમિયાન ફિલ્મે માત્ર 46 લાખની કમાણી કરી. એવું લાગી રહ્યું હતું કે આ ફિલ્મ હવે થિયેટરમાંથી ઉતરી જશે. પરંતુ અસલી ખેલ અહીંથી જ શરૂ થયો. ઓછી સ્ક્રીન હોવા છતાં, પ્રતિ સ્ક્રીન કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો.
માઉથ પબ્લિસિટી બની સૌથી મોટું હથિયાર
આ ફિલ્મ પાછળ કોઈ મોટું પ્રમોશન કે માર્કેટિંગ બજેટ ન હતું. જે લોકોએ આ ફિલ્મ જોઈ, તેઓએ બહાર જઈને બીજા લોકોને વાત કરી. સોશિયલ મીડિયા અને 'વર્ડ ઓફ માઉથ'ને કારણે ફિલ્મની લોકપ્રિયતા અચાનક વધવા લાગી. ધાર્મિક અને આધ્યાત્મિક વિષય હોવાથી, ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં દર્શકોએ ફિલ્મને ખોબલે ને ખોબલે વધાવી લીધી. ધીમે ધીમે આ ચર્ચા દરેક વર્ગના દર્શકો સુધી પહોંચી ગઈ.
ત્રીજા અને ચોથા સપ્તાહમાં આખો ખેલ બદલાયો
જે ફિલ્મને કોઈ પૂછતું ન હતું, તેણે ત્રીજા અઠવાડિયામાં જબરદસ્ત કમબેક કર્યું અને તેની કમાણી 10.5 કરોડ સુધી પહોંચી ગઈ. ચોથા અઠવાડિયામાં તો ફિલ્મે સ્પીડ પકડી અને કમાણી 50 કરોડનો આંકડો વટાવી ગઈ. સૌથી આશ્ચર્યની વાત એ છે કે બીજા અઠવાડિયામાં જે ફિલ્મ માત્ર 40 સ્ક્રીન પર ચાલતી હતી, તે હવે આખા દેશમાં 2000થી વધુ સ્ક્રીન પર હાઉસફુલ જઈ રહી છે!
26મા દિવસે યશની ‘Toxic' ને પણ આપી મ્હાત
ફિલ્મની સફળતાનો સૌથી મોટો પુરાવો તેનો 26મા દિવસનો આંકડો છે. રિલીઝના 26મા દિવસે 'હનુમાન અંશ' ફિલ્મે શાનદાર 8.07 કરોડની કમાણી કરી. આ આંકડો KGF સ્ટાર યશની નવી મેગા બજેટ ફિલ્મ 'Toxic: A Fairy Tale for Grown-ups'ની સાતમા દિવસની કમાણી કરતાં પણ વધારે છે! ચોથા અઠવાડિયામાં કોઈ ફિલ્મ આટલું કમાય, તે બોક્સ ઓફિસના ઈતિહાસમાં બહુ જવલ્લે જ જોવા મળે છે.
ટોક્સિકના ફ્લોપ શોનો મળ્યો પૂરો ફાયદો
રૂંગટા સિનેમાસના સીઈઓ સંજય બરજાત્યાના જણાવ્યા અનુસાર, જ્યારે યશની 'Toxic' ફિલ્મ દર્શકોની અપેક્ષા પર ખરી ન ઉતરી અને તેના શો કેન્સલ થવા લાગ્યા, ત્યારે થિયેટર માલિકો પાસે 'હનુમાન અંશ' સિવાય બીજો કોઈ સારો વિકલ્પ ન હતો. આથી, ખાલી પડેલા શો 'હનુમાન અંશ'ને આપી દેવામાં આવ્યા. સિનેપોલિસ ઇન્ડિયા જેવા મોટા ડિસ્ટ્રીબ્યુટર્સે પણ માંગ વધતા એડવાન્સ બુકિંગના આધારે સ્ક્રીન વધારી દીધી.
હવે નજર 100 કરોડની ક્લબ પર!
આજે લેટેસ્ટ આંકડા મુજબ ફિલ્મ 62 કરોડની કમાણી વટાવી ચૂકી છે. 2 કરોડથી ઓછા બજેટમાં બનેલી ફિલ્મ માટે આ એક સપના સમાન છે. હવે મેકર્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સની નજર 100 કરોડના જાદુઈ આંકડા પર છે. ‘હનુમાન અંશ' એ સાબિત કરી દીધું છે કે, જો કન્ટેન્ટમાં દમ હોય અને દર્શકોનો સાથ મળે, તો શૂન્યમાંથી પણ સર્જન થઈ શકે છે. બોક્સ ઓફિસ પર શરૂઆતના આંકડા જ હંમેશા ફિલ્મનું ભવિષ્ય નક્કી નથી કરતા!