ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઈંચ સાથે આભ ફાટ્યું! | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: વલસાડમાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12 ઈંચ સાથે આભ ફાટ્યું!

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ! વલસાડમાં 2 કલાકમાં 6.10 ઈંચ અને માંગરોળમાં 12 ઈંચથી વધુ વરસાદ. 5 સિસ્ટમ સક્રિય, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ અને આગાહી.

અપડેટેડ 09:13:48 AM Jul 03, 2026 પર
Story continues below Advertisement
વલસાડમાં 2 કલાકમાં 6.10 ઈંચ અને માંગરોળમાં 12 ઈંચથી વધુ વરસાદ.

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ, ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12.64 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેબાજુ પાણી જ પાણી થઈ ગયું છે.

આજે વલસાડનો વારો, 2 કલાકમાં 6 ઈંચ

ગઈકાલે સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ પોતાનો મોરચો દક્ષિણ ગુજરાત તરફ વાળ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ વલસાડમાં તોફાની વરસાદ શરૂ થઈ ગયો હતો. માત્ર 2 જ કલાકમાં વલસાડમાં 6.10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. અત્યાર સુધીના આંકડા મુજબ આજે સવારથી રાજ્યના 29 જેટલા તાલુકાઓમાં મેઘમહેર ચાલુ છે.


Weather Forecast Gujarat

5 વેધર સિસ્ટમ એકસાથે સક્રિય

ખેડૂતો છેલ્લા 15 દિવસથી સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, જેનો હવે અંત આવ્યો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત અને તેની આસપાસ 5 જેટલી વેધર સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. જેમાં ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ્સ મજબૂત હોવાથી આગામી દિવસોમાં પણ રાજ્યમાં ધમધોકાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

ક્યાં કયું એલર્ટ અપાયું છે?

હવામાન વિભાગે વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યા છે:

* રેડ એલર્ટ (અતિભારે વરસાદની ચેતવણી): વલસાડ, નવસારી, સુરત, ભાવનગર અને અમરેલી.

* ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદની ચેતવણી): જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ.

* યલો એલર્ટ (હળવાથી મધ્યમ વરસાદ): રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર.

આ ઉપરાંત, જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર સિવાયના લગભગ તમામ ગુજરાતમાં આજે સવારના 7 થી 10 વાગ્યા સુધીના 3 કલાક માટે હળવા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું.

ચોમાસાની આગેકૂચ

ભારતીય હવામાન વિભાગ (IMD)ની અપડેટ અનુસાર, 3 જુલાઈ 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સાનુકૂળ પરિસ્થિતિ સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. આ ઉપરાંત તે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ પહોંચી ગયું છે. આગામી 2થી 3 દિવસમાં આ રાજ્યોમાં ચોમાસું વધુ સક્રિય બનશે.

ગુજરાતમાં વરસાદની શાનદાર જમાવટથી ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ છે. જોકે, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 03, 2026 9:13 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.