Nitin Gadkari V2V Technology: દેશમાં માર્ગ અકસ્માતો અટકાવવા મોદી સરકાર લાવી રહી છે ક્રાંતિકારી V2V ટેક્નોલોજી.
Road Safety India: ભારતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતો પર બ્રેક લગાવવા માટે એક જબરદસ્ત 'માસ્ટર પ્લાન' તૈયાર કર્યો છે. સરકાર એક એવી અત્યાધુનિક વાયરલેસ ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેનાથી રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે વાત કરી શકશે.
શું છે આ V2V (વ્હીકલ-ટુ-વ્હીકલ) ટેક્નોલોજી?
સરળ ભાષામાં સમજીએ તો, જેમ આપણે મોબાઈલથી એકબીજા સાથે વાત કરીએ છીએ, તેમ હવે વાહનો પણ એકબીજા સાથે સંપર્ક કરશે. આ ટેક્નોલોજીનું નામ છે 'Vehicle-to-Vehicle' (V2V). આ સિસ્ટમમાં વાહનોમાં સિમ કાર્ડ જેવી એક ચિપ લગાવવામાં આવશે. જ્યારે બે વાહનો એકબીજાની નજીક આવશે, ત્યારે આ ટેક્નોલોજી ડ્રાઈવરને સામેવાળા વાહનની સ્પીડ, તેની પોઝિશન અને બ્રેકિંગ વિશે રીઅલ-ટાઇમ એલર્ટ આપશે. ખાસ કરીને 'બ્લાઇન્ડ સ્પોટ' (જ્યાં ડ્રાઈવરની નજર નથી પહોંચતી) પર રહેલા વાહનો વિશે પણ ડ્રાઈવરને તરત જાણ થઈ જશે. આ ટેક્નોલોજી શિયાળામાં ગાઢ ધુમ્મસ દરમિયાન થતા અકસ્માતો અને હાઈવે પર ઉભેલા વાહનો પાછળ ટક્કર વાગવાની ઘટનાઓને રોકવામાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.
સરકારની તૈયારી અને ખર્ચ
આ પ્રોજેક્ટ માટે માર્ગ પરિવહન મંત્રાલયે દૂરસંચાર વિભાગ સાથે મળીને કામગીરી શરૂ કરી દીધી છે. V2V કોમ્યુનિકેશન માટે 30 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે. એક અંદાજ મુજબ, આ ટેક્નોલોજી પાછળ લગભગ 5,000 કરોડનો ખર્ચ થઈ શકે છે. શરૂઆતમાં આ સિસ્ટમ નવા વાહનોમાં ઈન-બિલ્ટ આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે જૂના વાહનોમાં પણ લગાવવામાં આવશે.
અકસ્માત પીડિતો માટે 1.5 લાખની કેશલેસ સારવાર
માર્ગ સુરક્ષા ઉપરાંત, ગડકરીએ બીજી એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં અકસ્માત પીડિતો માટે 'કેશલેસ સારવાર યોજના' શરૂ કરશે. આ યોજના હેઠળ, અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી 1.5 લાખ સુધીની મફત સારવાર મળશે. ઘણીવાર પૈસાના અભાવે અથવા સારવારમાં મોડું થવાને કારણે ઈજાગ્રસ્તો જીવ ગુમાવે છે, આ યોજનાનો મુખ્ય હેતુ આવા મૃત્યુને અટકાવવાનો છે.
સ્લીપર બસો માટે કડક નિયમો
છેલ્લા 6 મહિનામાં સ્લીપર બસોમાં આગ લાગવાની ઘટનાઓમાં 145 લોકોના મોત થયા છે, જેણે સરકારને ચોંકાવી દીધી છે. હવે સરકારે સ્લીપર કોચ બસો માટે કડક નિયમો બનાવ્યા છે. હવેથી સ્લીપર બસોનું નિર્માણ માત્ર માન્યતા પ્રાપ્ત ઓટોમોબાઈલ કંપનીઓ જ કરી શકશે. બસોમાં આગની ચેતવણી આપતી ફાયર ડિટેક્શન સિસ્ટમ ફરજિયાત કરવામાં આવશે. ઈમરજન્સી એક્ઝિટ માટે કાચ તોડવાની હથોડી, ઈમરજન્સી લાઈટિંગ અને ડ્રાઈવરને જોકું આવે તો એલર્ટ કરતી સિસ્ટમ લગાવવી પડશે. સરકાર આગામી બજેટ સત્રમાં મોટર વાહન અધિનિયમમાં 61 જેટલા સુધારા લાવવાની પણ તૈયારીમાં છે, જેથી ભારતના રસ્તાઓને વિદેશી ધોરણો મુજબ સુરક્ષિત બનાવી શકાય.