OpenAIએ NVIDIA પરની નિર્ભરતા ઘટાડીને Cerebrasની મદદથી નવું AI મોડેલ ‘GPT 5.3-Codex-Spark' તૈયાર કર્યું છે.
OpenAI New AI Model: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં અત્યાર સુધી એક જ નામનો દબદબો હતો - NVIDIA. જ્યારે પણ કોઈ નવું અને પાવરફુલ AI મોડેલ બને, ત્યારે તેમાં NVIDIA ની ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) ચિપનો જ ઉપયોગ થતો હતો. આ કારણે આ કંપનીની ચિપ્સની ડિમાન્ડ આસમાને પહોંચી હતી. પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ એક મોટું પગલું ભર્યું છે અને NVIDIAની ચિપ વગર જ એક નવું AI મોડેલ તૈયાર કર્યું છે.
શું છે નવું AI મોડેલ?
OpenAIએ તાજેતરમાં જ તેમના કોડિંગ ટૂલ ‘કોડેક્સ'નું એક નવું અને હળવું (Lightweight) વર્ઝન રજૂ કર્યું છે. આ મોડેલનું નામ GPT 5.3-Codex-Spark રાખવામાં આવ્યું છે. આ મોડેલની ખાસિયત એ છે કે તેને સુપરફાસ્ટ સ્પીડ અને ક્વિક રિસ્પોન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મોડેલ ચલાવવા માટે NVIDIAની ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બદલે OpenAIએ 'કેરેબ્રાસ' (Cerebras) નામની કંપનીની ખાસ ડેડિકેટેડ ચિપનો ઉપયોગ કર્યો છે.
OpenAI અને Cerebras વચ્ચે 10 બિલિયન ડોલરની ડીલ
હવે OpenAI પોતાની સ્ટ્રેટેજી બદલી રહ્યું છે અને માત્ર NVIDIA પર નિર્ભર રહેવા માગતું નથી. આ નવી દિશામાં આગળ વધતા, OpenAI અને ચિપ બનાવતી કંપની Cerebras વચ્ચે ગયા મહિને એક મોટી પાર્ટનરશિપ થઈ છે. આ એક 'મલ્ટી-યર એગ્રીમેન્ટ' છે જેની કિંમત અંદાજે 10 બિલિયન અમેરિકન ડોલર છે.
આ પાર્ટનરશિપનો મુખ્ય ઉદ્દેશ્ય AI મોડેલના કમ્પ્યુટિંગ પાવરને વધારવાનો અને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો છે. હવે OpenAIને અન્ય કંપનીઓ પર નિર્ભર નહીં રહેવું પડે, જે તેમના માટે એક મોટી સિદ્ધિ છે.
4 ટ્રિલિયન ટ્રાન્સિસ્ટર્સવાળી દમદાર ચિપ
GPT 5.3-Codex-Spark મોડેલમાં Cerebrasની ‘વેફર સ્કેલ એન્જિન 3' (Wafer Scale Engine 3) ચિપનો ઉપયોગ થયો છે. આ કોઈ સામાન્ય ચિપ નથી, પરંતુ એક 'મેગાચિપ' છે. આ થર્ડ જનરેશન ચિપ છે. તેમાં 4 ટ્રિલિયન ટ્રાન્સિસ્ટર્સ લગાડવામાં આવ્યા છે. આનાથી રિયલ-ટાઇમ કોલોબ્રેશન અને રેપિડ ઇટિરેશન (ઝડપી પરિણામો) ખૂબ જ સરળતાથી મળે છે.
‘Spark' મોડેલ કોના માટે છે?
OpenAIએ સ્પષ્ટ કર્યું છે કે ‘Spark' મોડેલ અને ઓરિજિનલ કોડેક્સ મોડેલ બંનેનો હેતુ અલગ-અલગ છે.
રોજિંદા કામ માટે: સ્પાર્ક એવા યુઝર્સ માટે છે જેમને રોજના જીવનમાં કોડિંગ કે અન્ય કામમાં ઝડપી મદદ જોઈએ છે.
હેવી ટાસ્ક માટે નહીં: આ મોડેલ બહુ ભારે અને જટિલ રિસર્ચ માટે નથી બનાવવામાં આવ્યું. તે હળવા અને ફાસ્ટ ટાસ્ક માટે છે.
હાલમાં આ ટૂલ ‘રિસર્ચ પ્રીવ્યુ' માટે ઉપલબ્ધ છે અને કોડેક્સ એપમાં ChatGPT Pro યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.
ભવિષ્યનો પ્લાન અને IPOની તૈયારી
OpenAI હવે ‘ડ્યુઅલ-મોડ' સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. એટલે કે એક મોડેલ ફાસ્ટ કામ માટે અને બીજું મોડેલ ઊંડાણપૂર્વકના રિસર્ચ માટે હશે. કંપનીનું માનવું છે કે કેરેબ્રાસની ચિપ વર્કફ્લો જાળવવામાં ખૂબ સારી સાબિત થઈ રહી છે.
બીજી તરફ, કેરેબ્રાસ કંપની પણ હવે લાઈમલાઈટમાં આવી છે. ગયા અઠવાડિયે કંપનીનું વેલ્યુએશન 23 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું અને તેમણે નવું 1 બિલિયન ડોલરનું ફંડ પણ મેળવ્યું છે. કેરેબ્રાસ હવે શેરબજારમાં લિસ્ટ થવા માટે IPO લાવવાનું પણ પ્લાનિંગ કરી રહી છે. કેરેબ્રાસના કો-ફાઉન્ડર સીન લીના મતે આ નવી શરૂઆત ખૂબ જ આશાસ્પદ છે.
NVIDIAની મોનોપોલી તોડીને OpenAIએ નવી દિશા પકડી છે. આ ફેરફારથી AI ઇન્ડસ્ટ્રીમાં હરીફાઈ વધશે અને યુઝર્સને વધુ ઝડપી અને સ્માર્ટ ટેકનોલોજીનો લાભ મળશે તે નક્કી છે.