PM Modi Oman Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ ચરણમાં ઓમાન પહોંચ્યા છે, જ્યાં ભારત અને ઓમાનના સંબંધોમાં એક નવો અધ્યાય લખાયો છે. ગુરુવારે ઓમાનના સુલતાન હૈસમ બિન તારિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ઓમાથી સન્માનિત કર્યા હતા. ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં પીએમ મોદીના વિશેષ યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
PM મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનોની સંખ્યા 28ને પાર વડાપ્રધાન મોદી માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ હતી કારણ કે તેમને વિશ્વના વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 28 થી વધુ સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. ઓમાનની મુલાકાત પહેલાં, પીએમ મોદીએ જોર્ડન અને ઈન્ડોનેશિયાની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તેમને ઈથિયોપિયામાં 'ગ્રેટ ઓનર નિશાન ઓફ ઈથિયોપિયા' અને કુવૈતમાં 'ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર'થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત-ઓમાન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પર મહોર ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવાના અવસરે, બંને દેશોએ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ગુરુવારે બંને દેશોએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યાનું સ્વાગત કર્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આ કરાર દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. પીએમ મોદી અને સુલતાન હૈસમ બિન તારિક વચ્ચેની બેઠકમાં સંરક્ષણ, સુરક્ષા, વેપાર, ઉર્જા, કૃષિ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.