રેલવેનો સપાટો: 3 કરોડથી વધુ નકલી યુઝર ID બ્લોક, હવે તત્કાલ ટિકિટ મેળવવી થશે એકદમ આસાન
Indian Railways: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી રોકવા માટે 3.02 કરોડ શંકાસ્પદ યુઝર ID ડીએક્ટિવેટ કર્યા છે. જાણો કેવી રીતે નવી ટેકનોલોજી અને આધાર OTP સિસ્ટમથી હવે સામાન્ય મુસાફરો માટે તત્કાલ ટિકિટ બુક કરવી પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે.
ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી રોકવા માટે 3.02 કરોડ શંકાસ્પદ યુઝર ID ડીએક્ટિવેટ કર્યા છે.
Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તત્કાલ ટિકિટ બુક કરતી વખતે હંમેશા હેરાન થાઓ છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને દલાલો (ટાઉટ્સ) પર લગામ કસવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી કરોડો સામાન્ય મુસાફરોને સીધો ફાયદો થશે.
રેલવેએ તેની ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમને વધુ સુરક્ષિત બનાવવા માટે એકસાથે ઘણા મોટા પગલાં લીધા છે. આ પહેલ હેઠળ, IRCTC પ્લેટફોર્મ પરથી 3.02 કરોડ જેટલા નકલી અને શંકાસ્પદ યુઝર એકાઉન્ટ્સને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ એવા એકાઉન્ટ્સ હતા જેનો ઉપયોગ મોટાભાગે દલાલો દ્વારા સોફ્ટવેર (બોટ્સ)ની મદદથી એકસાથે અનેક ટિકિટો બુક કરવા માટે થતો હતો, જેના કારણે સામાન્ય માણસને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી.
રેલવે દ્વારા લેવાયેલા મુખ્ય પગલાં અને તેના ફાયદા
1. 3.02 કરોડ નકલી ID બંધ કરાયા
આ વર્ષે જાન્યુઆરી મહિનાથી રેલવેએ શંકાસ્પદ અને બોટ દ્વારા ચાલતા 3.02 કરોડ યુઝર એકાઉન્ટને કાયમ માટે ડીએક્ટિવેટ કરી દીધા છે. આ પગલાથી ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરનારા એજન્ટો અને સ્ક્રિપ્ટનો ઉપયોગ કરનારાઓ પર સકંજો કસાયો છે.
2. લેટેસ્ટ 'એન્ટી-બોટ સિસ્ટમ' લાગુ
IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ‘Akamai’ જેવી આધુનિક એન્ટી-બોટ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ટેકનોલોજી એટલી સ્માર્ટ છે કે તે માણસ અને બોટ (સોફ્ટવેર) વચ્ચેનો તફાવત તરત જ ઓળખી લે છે. જો સિસ્ટમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તે તરત જ તે યુઝરને બ્લોક કરી દે છે, જેથી અસલી મુસાફરોને ટિકિટ બુક કરવામાં કોઈ તકલીફ ન પડે.
3. આધાર કાર્ડ OTP વેરિફિકેશન ફરજિયાત
તત્કાલ ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે, 322 મહત્વની ટ્રેનોમાં ઓનલાઈન બુકિંગ માટે આધાર-લિંક્ડ OTP ફરજિયાત કરવામાં આવ્યું છે. આના કારણે એક મોટો ફાયદો એ થયો છે કે આ ટ્રેનોમાં કન્ફર્મ તત્કાલ ટિકિટ મળવાનો સમય 65% સુધી વધી ગયો છે. આ સિવાય, રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ માટે પણ 211 ટ્રેનોમાં આધાર OTP સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
4. સૌથી વધુ લોકપ્રિય ટ્રેનોમાં મોટી રાહત
દેશની 96 સૌથી વધુ લોકપ્રિય અને હાઈ-ડિમાન્ડ ટ્રેનોમાં હવે તત્કાલ ટિકિટ મળવી ખૂબ જ સરળ બની ગઈ છે. આ ટ્રેનોમાંથી 95% ટ્રેનોમાં હવે કન્ફર્મ તત્કાલ ટિકિટ મળવાનો સમયગાળો નોંધપાત્ર રીતે વધ્યો છે, જેનાથી મુસાફરોની સૌથી મોટી ફરિયાદ દૂર થઈ છે.
5. મજબૂત સાયબર સિક્યોરિટી
રેલવેએ તેની સમગ્ર ટિકિટિંગ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે આધુનિક સાયબર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જેમાં નેટવર્ક ફાયરવોલ, એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન અને CCTV સર્વેલન્સ જેવી સુવિધાઓ સામેલ છે. ડેટા સેન્ટરને ISO 27001 સર્ટિફિકેશન પણ મળેલું છે, જે તેની સુરક્ષાની ગેરંટી આપે છે.
આ બધા સુધારાઓનો સીધો મતલબ એ છે કે હવે જ્યારે તમે તત્કાલ ટિકિટ બુક કરવા જશો, ત્યારે તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા પહેલા કરતા ઘણી વધારે હશે અને બુકિંગનો અનુભવ વધુ સરળ અને સુરક્ષિત બનશે.