ચંદા ચોરીના આ ગંભીર કેસમાં SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. SIT ની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દાનની રકમની ગણતરી અને તેની સુરક્ષામાં મોટી ક્ષતિઓ રહી હતી.
Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર સાથે જોડાયેલા ચંદા ચોરીના મામલામાં હવે એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે ટ્રસ્ટના અન્ય એક સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દેતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.
શું છે તપાસનો મામલો?
ચંદા ચોરીના આ ગંભીર કેસમાં SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. SIT ની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે દાનની રકમની ગણતરી અને તેની સુરક્ષામાં મોટી ક્ષતિઓ રહી હતી. નિયત કરેલી SOPનું પાલન ન થવાને કારણે આ ચોરીની ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમને હવે મેડિકલ ટેસ્ટ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોની કોની થઈ ધરપકડ?
પોલીસે જે 8 લોકોની ધરપકડ કરી છે, તેમાં કેટલાક ચોંકાવનારા નામ સામેલ છે.
ચંપત રાયના અત્યંત નજીકના ગણાતા રામશંકર યાદવ
ટિન્નુ યાદવનો ભત્રીજો મનીષ યાદવ
લવકુશ મિશ્રા અને તેના સંબંધી અનુકલ્પ મિશ્રા
સુભાષ શ્રીવાસ્તવ, જેની પાસે રોકડની ગણતરી અને દેખરેખની જવાબદારી હતી. નોંધપાત્ર છે કે સુભાષ સીધો અનિલ મિશ્રાને રિપોર્ટ કરતો હતો.
સીએમ યોગીની આરપારની લડાઈ
આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. દેવરિયામાં આપેલા એક નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે,,,આસ્થા સાથે રમત કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. સીએમ યોગીએ કહ્યું છે કે, "19 જૂનના રોજ મેં કહ્યું હતું કે SIT રિપોર્ટ બાદ કડક પગલાં લેવાશે. જે પણ આ કૌભાંડમાં સામેલ છે, તે ગમે તેટલો મોટો કેમ ન હોય, તેને છોડવામાં નહીં આવે." તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે સત્ય જલ્દી સામે આવશે અને દોષિતોને સજા ભોગવવી પડશે.
કોણ છે ચંપત રાય?
ચંપત રાય 1980ના દાયકાથી રામ મંદિર આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. 1946માં ઉત્તર પ્રદેશના બિજનૌરમાં જન્મેલા ચંપત રાય એક સમયે કેમેસ્ટ્રીના પ્રોફેસર હતા. ઇમરજન્સી દરમિયાન તેમણે 18 મહિના જેલમાં વિતાવ્યા હતા અને ત્યારબાદ તેઓ RSS ના પૂર્ણકાલીન પ્રચારક બન્યા હતા. 6 ડિસેમ્બર, 1992ની કારસેવામાં પણ તેમની ભૂમિકા મહત્વની હતી.
હાલમાં આ રાજીનામા બાદ ચંપત રાય અને અનિલ મિશ્રા પર તપાસની આંચ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. SIT દ્વારા તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે, અને આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે.