ચોંકાવનારા આંકડા: ગુજરાતમાં દર કલાકે 56 લોકોના મોત, જાણો કયા જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ? | Moneycontrol Gujarati
Get App

ચોંકાવનારા આંકડા: ગુજરાતમાં દર કલાકે 56 લોકોના મોત, જાણો કયા જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ?

Death Rate in Gujarat: ગુજરાતમાં વર્ષ 2023માં મૃત્યુના આંકડા જાહેર થયા છે. રિપોર્ટ મુજબ રાજ્યમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિઓના મોત થાય છે. જાણો શહેર અને ગ્રામ્ય વિસ્તારના આંકડા અને કયા જિલ્લામાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે તેની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:24:50 AM Dec 22, 2025 પર
Story continues below Advertisement
Death Rate in Gujarat: ગુજરાતમાં જન્મ અને મરણના આંકડાઓને લઈને સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

Death Rate in Gujarat: ગુજરાતમાં જન્મ અને મરણના આંકડાઓને લઈને સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા એક મહત્વપૂર્ણ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ આંકડાઓ રાજ્યની વસ્તી અને આરોગ્ય વિષયક સ્થિતિનો ચિતાર આપે છે. વર્ષ 2023ના ડેટા પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ દર કલાકે 56 વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 4,87,971 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ આંકડા પરથી કહી શકાય કે રાજ્યમાં પ્રતિ દિવસે સરેરાશ 1337 લોકોનું કોઈને કોઈ કારણસર અવસાન થાય છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સ્થિતિ

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે શહેરોમાં પ્રદૂષણ અને તણાવને કારણે મૃત્યુનું પ્રમાણ વધુ હશે, પરંતુ આંકડા કંઈક અલગ જ હકીકત રજૂ કરે છે. વર્ષ 2023માં શહેરી વિસ્તારો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આંકડાકીય રીતે જોઈએ તો, એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં 2,49,706 લોકોના મોત થયા છે, જ્યારે તેની સરખામણીએ શહેરી વિસ્તારમાં 2,38,265 લોકોના મોત નોંધાયા છે.

મહિલાઓ કરતાં પુરુષોમાં મૃત્યુદર વધુ

જાતિ આધારિત આંકડાઓનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે મહિલાઓ કરતા પુરુષોમાં મૃત્યુનું જોખમ અને પ્રમાણ બંને વધારે છે. વર્ષ 2023માં 2,91,260 પુરુષોના મૃત્યુ થયા હતા, જ્યારે મહિલાઓનો મૃત્યુઆંક 1,91,779 નોંધાયો હતો. આ ઉપરાંત 32 ટ્રાન્સજેન્ડર્સના પણ મોત થયા હતા. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મહિલાઓ કરતાં પુરુષોમાં મૃત્યુનું પ્રમાણ લગભગ 48% જેટલું વધારે છે. સરળ ભાષામાં કહીએ તો, મૃત્યુ પામનાર પ્રત્યેક 100 વ્યક્તિઓમાંથી 60 પુરુષો હોય છે.


જીલ્લાવાર મૃત્યુના આંકડા

અમદાવાદ મોખરે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓની વાત કરીએ તો, સૌથી વધુ વસ્તી ધરાવતું અમદાવાદ મૃત્યુના આંકડામાં પણ મોખરે છે. વર્ષ 2023માં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 67,095 મૃત્યુ નોંધાયા હતા. ત્યારબાદ ડાયમંડ સિટી સુરતમાં 44,452 અને વડોદરામાં 33,002 વ્યક્તિઓના મોત થયા હતા. આ સિવાય રાજકોટમાં 27,250 અને બનાસકાંઠામાં 18,788 લોકોના મૃત્યુ નોંધાયા છે. જામનગર જિલ્લામાં આ આંકડો 12,363 રહ્યો હતો.

છેલ્લા 5 વર્ષના આંકડા પર એક નજર

છેલ્લા પાંચ વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો કોરોના કાળમાં મૃત્યુઆંક ઉંચો ગયો હતો. વર્ષ 2020માં 5.23 લાખ અને વર્ષ 2021માં રેકોર્ડબ્રેક 7.25 લાખ મૃત્યુ નોંધાયા હતા. જોકે, હવે સ્થિતિ સામાન્ય થતાં આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022માં 4.88 લાખ મૃત્યુ થયા હતા, જેની સાપેક્ષમાં 2023માં મામૂલી ઘટાડા સાથે આંકડો 4.87 લાખ પર પહોંચ્યો છે, જે રાહતની વાત છે.

મૃત્યુ સામે જન્મનું પ્રમાણ

એક આશાસ્પદ ચિત્ર એક તરફ મૃત્યુના આંકડા છે, તો બીજી તરફ જન્મના આંકડા આશા જન્માવે છે. ગુજરાતમાં એક વર્ષમાં 4.88 લાખ મૃત્યુની સામે 11.26 લાખ બાળકોનો જન્મ થયો છે. ગણતરી મુજબ, ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ 2 બાળકો જન્મે છે. જન્મના આંકડામાં પણ અમદાવાદ જિલ્લો જ આગળ છે, જ્યાં 1.24 લાખ બાળકોનો જન્મ થયો છે. જોકે, દીકરીઓના જન્મના પ્રમાણ કરતા દીકરાઓના જન્મનું પ્રમાણ હજુ પણ વધારે છે, જે સામાજિક સમતુલા માટે વિચારવા જેવી બાબત છે.

આ પણ વાંચો- Stocks to Buy: આ અઠવાડિયે આ 6 શેર કરાવશે બમ્પર કમાણી? જાણો એક્સપર્ટે આપેલા ટાર્ગેટ અને સ્ટોપલોસ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 22, 2025 10:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.