Sunita Williams Retirement: ભારતીય મૂળના દિગ્ગજ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 27 વર્ષની શાનદાર કારકિર્દી અને અવકાશમાં 608 દિવસ વિતાવવાના રેકોર્ડ સાથે તેમણે લીધી વિદાય. જાણો તેમના અદભૂત રેકોર્ડ્સ અને ગુજરાત કનેક્શન વિશે.
Sunita Williams Retirement: ભારતીય મૂળના દિગ્ગજ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસામાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
Sunita Williams Retirement: અવકાશની દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર અને અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બનેલા સુનિતા વિલિયમ્સે હવે પોતાની સ્પેસ સૂટ ઉતારીને કાયમી ‘અલવિદા’ કહી દીધું છે. ભારતીય મૂળના આ જાંબાઝ મહિલા અવકાશયાત્રી 27 વર્ષની લાંબી અને યાદગાર સફર બાદ ડિસેમ્બર 2025ના અંતમાં નાસામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થયા છે.
નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ મોટી જાહેરાત કરી હતી. તેમણે સુનિતા વિલિયમ્સને 'અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક' ગણાવીને તેમના યોગદાનને બિરદાવ્યું હતું.
"અવકાશ મારું મનપસંદ ઘર હતું"
પોતાની નિવૃત્તિ સમયે સુનિતા વિલિયમ્સ થોડા ભાવુક જોવા મળ્યા હતા. 60 વર્ષીય સુનિતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી ખરેખર અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે પણ સંશોધનો કર્યા છે, તે આવનારા સમયમાં ચંદ્ર અને મંગળ મિશન માટેનો રસ્તો સરળ બનાવશે. હવે હું નાસાને નવો ઇતિહાસ રચતા જોવા માટે ઉત્સુક છું." તેમના આ શબ્દો સાબિત કરે છે કે ભલે તેઓ નિવૃત્ત થયા હોય, પણ તેમનું મન હંમેશા અવકાશ વિજ્ઞાન સાથે જોડાયેલું રહેશે.
સુનિતા વિલિયમ્સના નામે બોલે છે આ અદભૂત રેકોર્ડ્સ
સુનિતા વિલિયમ્સ માત્ર એક નામ નથી પણ હિંમતનું બીજું નામ છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે એવા વિક્રમો નોંધાવ્યા છે જે તોડવા કોઈ પણ માટે મુશ્કેલ હશે:
સ્પેસમાં સૌથી વધુ સમય: સુનિતા વિલિયમ્સે અવકાશમાં કુલ 608 દિવસ વિતાવ્યા છે. નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો આ બીજો સૌથી લાંબો સમય છે.
સૌથી લાંબી ઉડાન: એક જ મિશનમાં સૌથી લાંબો સમય સ્પેસમાં રહેનારા અમેરિકનોના લિસ્ટમાં તેઓ છઠ્ઠા ક્રમે આવે છે. આ રેકોર્ડમાં તેઓ સાથી એસ્ટ્રોનોટ બુચ વિલમોરની સાથે છે.
286 દિવસનો પડકાર: બોઇંગ સ્ટારલાઈનર અને સ્પેસ-એક્સ ક્રૂ-9 મિશન દરમિયાન તેમણે સતત 286 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા.
સ્પેસવોકના મહારાણી: સુનિતા વિલિયમ્સે કુલ 9 વખત સ્પેસવોક કરી છે. આનો કુલ સમય 62 કલાક અને 6 મિનિટ થાય છે, જે કોઈપણ મહિલા અવકાશયાત્રી માટે સૌથી લાંબો સ્પેસવોક સમય છે.
અવકાશમાં મેરેથોન: તમને જાણીને નવાઈ લાગશે કે ધરતીથી હજારો કિલોમીટર ઉપર અવકાશમાં રહીને મેરેથોન દોડનારા તેઓ દુનિયાના પ્રથમ વ્યક્તિ છે.
છેલ્લું મિશન બન્યું હતું રોમાંચક
સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઈંગ સ્ટારલાઈનરના પહેલા હ્યુમન ટેસ્ટિંગ માટે રવાના થયા હતા. આ મિશન ટૂંકું હોવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે તેઓ ત્યાં અટવાઈ ગયા હતા. આખરે 9 મહિનાના લાંબા ઇંતેજાર બાદ, માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સ (SpaceX)ના ક્રૂ-9 મિશન દ્વારા હેમખેમ પૃથ્વી પર પાછા ફર્યા હતા.
ગુજરાત સાથે છે દિલનો સંબંધ
ભલે સુનિતા વિલિયમ્સનો જન્મ અમેરિકામાં થયો હોય અને તેઓ અમેરિકન નાગરિક હોય, પણ તેમના મૂળ તો આપણા ગુજરાતમાં જ છે. તેમના પિતા દીપક પંડ્યા જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા અને તેઓ મૂળ મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની હતા. માતા બોની પંડ્યા સ્લોવેનિયન મૂળના છે.
સુનિતા વિલિયમ્સે હંમેશા ભારત અને ખાસ કરીને ગુજરાત પ્રત્યે પોતાનો પ્રેમ ખુલીને વ્યક્ત કર્યો છે. જ્યારે પણ તેઓ ભારત આવે છે ત્યારે તેને 'વતન વાપસી' ગણાવે છે. તેમનું કહેવું છે કે, "જ્યારે તમે ઉપર અવકાશમાંથી પૃથ્વીને જુઓ છો, ત્યારે માણસો વચ્ચેના ભેદભાવ સાવ નાના લાગે છે અને આપણે સૌ એક જ છીએ તેવો અહેસાસ થાય છે."
સુનિતા વિલિયમ્સની આ નિવૃત્તિ એક યુગનો અંત છે, પણ તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને સદીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.