ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ગુજરાત સરકારને કડક આદેશ, 54,000 કરોડની ‘સાયબર લૂંટ’ રોકવા તાત્કાલિક SOP લાગુ કરો | Moneycontrol Gujarati
Get App

ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: ગુજરાત સરકારને કડક આદેશ, 54,000 કરોડની ‘સાયબર લૂંટ’ રોકવા તાત્કાલિક SOP લાગુ કરો

Supreme Court on Digital Fraud: સુપ્રીમ કોર્ટે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ મામલે ગુજરાત સહિત દેશભર માટે કડક આદેશ આપ્યા છે. જાણો 54,000 કરોડની સાયબર લૂંટ રોકવા અને પીડિતોને વળતર આપવા માટે કોર્ટે શું મોટા નિર્ણયો લીધા છે.

અપડેટેડ 10:48:43 AM Feb 10, 2026 પર
Story continues below Advertisement
Supreme Court on Digital Fraud: સુપ્રીમ કોર્ટે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ મામલે ગુજરાત સહિત દેશભર માટે કડક આદેશ આપ્યા છે.

Supreme Court on Digital Fraud: દેશમાં અત્યારે મોબાઈલ અને ઈન્ટરનેટનો વપરાશ જેટલો વધ્યો છે, એટલા જ પ્રમાણમાં ઓનલાઈન છેતરપિંડી એટલે કે ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. દેશમાં વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ અને સાયબર ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા આને માત્ર છેતરપિંડી નહીં પણ ‘લૂંટ’ સમાન ગણાવી છે.

ગુજરાત અને દિલ્હી સરકારને ફટકાર

સુપ્રીમ કોર્ટે ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને ટકોર કરી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે પોલીસને જે મંજૂરીઓ (સેન્ક્શન)ની જરૂર પડે છે, તેમાં જરા પણ વિલંબ ન થવો જોઈએ. ઘણીવાર સરકારી મંજૂરીમાં વાર લાગતી હોવાથી તપાસ ધીમી પડી જાય છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં.

54,000 કરોડની જંગી રકમની સાયબર લૂંટ

સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં સાયબર ગઠિયાઓએ દેશના નાગરિકો પાસેથી અંદાજે 54,000 કરોડ રૂપિયા પડાવી લીધા છે. આ આંકડો જોઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (SOP) તૈયાર કરવામાં આવી છે, તેને તાત્કાલિક અસરથી આખા દેશમાં લાગુ કરવામાં આવે.


બેંકો અને અધિકારીઓની મિલીભગત?

કોર્ટે એક મહત્વની વાત એ પણ કરી કે આટલા મોટા પાયે ફ્રોડ થાય છે તેમાં બેંકોની બેદરકારી અથવા તો કેટલાક અધિકારીઓની મિલીભગત હોવાની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ ખાતામાં શંકાસ્પદ વ્યવહાર (Suspicious Transaction) થતો જણાય, તો બેંકે તરત જ ડેબિટ કાર્ડ હોલ્ડ પર મૂકી દેવું જોઈએ અથવા ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. જો આમ થાય તો સામાન્ય માણસની મહેનતની કમાણી બચાવી શકાય છે.

CBI તપાસ કરશે અને 4 અઠવાડિયામાં એક્શન પ્લાન

હવે આ મામલે CBI એક્ટિવ થશે. સુપ્રીમ કોર્ટે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસો શોધીને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય તપાસ એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 4 અઠવાડિયામાં એક સંયુક્ત બેઠક યોજે. આ બેઠકનો હેતુ એક ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે, જેથી તમામ એજન્સીઓ એકબીજા સાથે માહિતીની આપ-લે કરી શકે અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચી શકાય.

પીડિતોને વળતર આપવા પર ભાર

સુપ્રીમ કોર્ટે ખૂબ જ માનવીય અભિગમ દાખવતા કહ્યું છે કે ડિજિટલ અરેસ્ટ કે સાયબર ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ માનસિક અને આર્થિક રીતે ભાંગી પડે છે. માત્ર ગુનેગારોને પકડવા પૂરતું નથી, પરંતુ જેમના પૈસા ગયા છે તેમને વળતર મળે તે પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ નિયમોમાં લોકોને અટવાડવાને બદલે વ્યવહારિક રસ્તો કાઢવો જોઈએ, જેથી પીડિતોને સાચી રાહત મળી શકે.

આ પણ વાંચો- India vs Pakistan: આખરે પાકિસ્તાન ઝૂક્યું! T20 World Cup 2026માં ભારત સામે રમવા તૈયાર, જાણો ક્યારે રમાશે મહામુકાબલો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2026 10:48 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.