Threat of terrorist attack: જમ્મુ-કાશ્મીરની જેલો પર આતંકવાદી હુમલાનું જોખમ, સુરક્ષા વ્યવસ્થા કડક
Threat of terrorist attack: ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા જેલોની સુરક્ષા વધારવાની સાથે, આતંકવાદી ગતિવિધિઓને નિષ્ફળ બનાવવા માટે સતત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારના જોખમને રોકવા માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.
જમ્મુ-કાશ્મીરની જેલોની સુરક્ષાની જવાબદારી CISFને ઓક્ટોબર 2023માં સોંપવામાં આવી હતી.
Threat of terrorist attack: ગુપ્તચર એજન્સીઓને મળેલી માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરની મહત્ત્વની જેલો જેવી કે શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુની કોટ ભલવાલ જેલ પર આતંકવાદી હુમલાની શક્યતા છે. આ જેલોમાં અનેક હાઈ-પ્રોફાઈલ આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) કેદ છે. આ ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા દળોએ આ તમામ જેલોની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દીધી છે.
ડીજી CISFની ઉચ્ચ સ્તરીય બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગંભીર ગુપ્તચર માહિતી મળ્યા બાદ રવિવારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના ડિરેક્ટર જનરલ (DG)એ શ્રીનગરમાં સુરક્ષા ગ્રીડના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જેલોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી અને તાત્કાલિક અસરથી સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો.
CISFને 2023માં મળેલી જવાબદારી
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરની જેલોની સુરક્ષાની જવાબદારી CISFને ઓક્ટોબર 2023માં સોંપવામાં આવી હતી. આ પહેલાં આ જવાબદારી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) પાસે હતી. CISF હાલમાં આ જેલોની સુરક્ષા માટે સંપૂર્ણપણે જવાબદાર છે.
NIAની તપાસ અને આતંકવાદીઓની પૂછપરછ
તાજેતરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં જમ્મુ જેલમાં બંધ બે ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ, નિસાર અને મુશ્તાક,ની પૂછપરછ કરી હતી. આ બંને વ્યક્તિઓ એપ્રિલ 2023થી જેલમાં બંધ છે. તેમની ધરપકડ 1 જાન્યુઆરી, 2023ના રોજ રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં કરવામાં આવી હતી, જેમાં બે બાળકો સહિત સાત નાગરિકોનાં મોત થયાં હતાં. આ હુમલાના બીજા દિવસે એક આઈઈડી વિસ્ફોટ પણ થયો હતો.
પહેલગામ હુમલાની તપાસ
NIAએ 27 એપ્રિલના રોજ જમ્મુમાં કેસ નોંધ્યા બાદ પહેલગામ હુમલાની તપાસ ઔપચારિક રીતે હાથમાં લીધી હતી. ત્યારથી NIAની ટીમો મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં પીડિત પરિવારોના નિવેદનો નોંધી રહી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે નિસાર અને મુશ્તાકને પહેલગામ હુમલાની યોજના વિશે પૂર્વજાણ હતી અથવા તેમણે આ હુમલામાં સહયોગ આપ્યો હતો. આ પૂછપરછનો હેતુ આ હુમલા સાથે જોડાયેલા વ્યાપક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.